કોલકતા, બાલાસોરઃ ‘યાસ’ ચક્રવાત ગંભીરરૂપ ધારણ કર્યા બાદ ઓરિસ્સાનાં ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટથી કાંઠે ટકરાઇ ચૂકયું છે અને ભારે નુકસાની સર્જી છે. બંગાળમાં લગભગ ત્રણ લાખ ઘર તબાહ થયાં છે અને ભારે નુકસાનનો ભોગ બન્યા છે. લગભગ ચાર લોકોના મૃત્યુના હેવાલ મળ્યા છે. જો કે, કાંઠા વિસ્તારમાં ટકરાઇને આ વાવાઝોડું નબળું પડયું છે અને બુધવારે અડધી રાત્રે ઝારખંડ તરફ આગળ વધી રહ્યું છે.
તોફાનના રૌદ્ર મિજાજમાં ઓરિસ્સા, બંગાળ અને આંદામાન નિકોબારમાં અનેક કાંઠાળ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ થયો છે, વૃક્ષો ઉખડવાનાં, છાપરાં ઉડવાના બનાવો સહિત દુકાનો અને ઘરોમાં પાણી ભરાયાં છે, અને પૂરની સ્થિતિ સર્જાઇ છે. વાવાઝોડાં યાસનાં આ તાંડવમાં બંગાળના હલ્દીયા વિસ્તારનો પુલ તુટી પડયો છે.
મુખ્યમંત્રી મમતા બેનરજીએ ૨૮મીનાં હવાઇ નિરીક્ષણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવા સાથેની એક મોટી ઘટનામાં ઓરિસ્સાના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે તો બંગાળમાં હલ્દીયા બંદરમાં પણ પાણીનો કહેર દેખાયો છે.
ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પૂર અસરગ્રસ્ત જિલ્લાના ૧૨૮ ગામોના બધા જ પરિવારો માટે ૭ દિવસની રાહતની જાહેરાત કરી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, એક માછીમારનું મૃત્યુ થયું છે. એક કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે. હાલમાં વાવાઝોડું ઓરિસ્સાની દક્ષિણ સરહદથી બાલાસોર પાર કરી ગયું છે અને ગુરુવાર સવાર સુધી ઝારખંડ પહોંચશે આ તોફાન બુધવારે સવારે લગભગ ૯ વાગ્યે ટકરાયું હતું. બાલાસોર પાસે તેની ઝડપ ૧૩૦થી ૧૪૦ કિ.મી. હતી.
મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં રૂા. ૧૦ કરોડની રાહત સામગ્રી મોકલાઇ છે. ઓરિસ્સામાં યાસ ટકરાયું હતું. જાણકારી મુજબ ‘યાસ’એ બાલાસોરના દક્ષિણમાં ઉત્તર ઓરિસ્સા કિનારાને પાર કરી લીધો છે. આ દરમ્યાન અંદાજીત ૧૩૦-૧૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. આ સાથે લેન્ડફોલ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જોકે હજુ ઓરિસ્સા, બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કાંઠાળ વિસ્તારમાં યાસ તોફાનને લઇને એલર્ટ જારી છે. હવામાન વિભાગે બંગાળ તથા ઓરિસ્સા માટે રેડએલર્ટ (અતિ ભારે વરસાદની આશંકા) જારી કર્યું છે, જ્યારે વાવાઝોડાંનાં જોખમને જોતાં બંગાળ તથા ઓરિસ્સામાં ૧૨ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઝારખંડ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને આંદામાન-નિકોબાર ટાપુમાં પણ બચાવ માટેની તૈયારી ઝડપી બનાવી હતી. દરમ્યાન આ તોફાનની અસર બિહારમાં પણ જોવા મળી છે. રાજધાની પટણા સહિત રાજ્યના ૩૩ જિલ્લામાં હવામાન બદલાઈ ગયું છે.