તનનું કુપોષણ તો દૂર થઈ શકે, પરંતુ મનના કુપોષણનું શું?

0
997

પહેલું સુખ તે જાતે નર્યા એવી અર્થસભર ઉક્તિ આપનાર આપણા ગુજરાતમાં આરોગ્યલક્ષી જે સમસ્યાઓ કે ખામીઓ ધ્યાને આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. આમાં મુખ્યત્વે પોષણને લગતી બાબતો છે. પોષણના અભાવે સર્જાતી સમસ્યાઓમાં અપોષણ એટલે કે પૂરતું પોષણ ન મળવું તે. કુપોષણ એટલે ધોરણસરનું ન હોય તેવું ખામીયુક્ત પોષણ. પરંતુ વ્યવહારમાં કુપોષણ એ સમગ્રપણે બન્ને સમસ્યાઓને માટે પ્રયોજાતો શબ્દ છે. આપણે અહીં એ રીતે જ આ પ્રશ્નની આસપાસ જોઈશું.
આ સમસ્યાના કાળા ઓછાયાથી જગતના તમામ દેશો અને ભારતનાં તમામ રાજ્યો કોઈ ને કોઈ રીતે પ્રભાવિત છે. કુપોષણ આપણી પ્રગતિને નિસ્તેજ બનાવી શકે છે. તંદુરસ્ત અને નિરામય સમાજ માટે માથાના દુઃખાવારૂપ સાબિત થઈ શકે છે. એક માણસ બીજા માણસનું શોષણ કરતો હોય, આવકની અસમાનતા પણ જવાબદાર હોય, સાધનોનો અપૂરતો ઉપયોગ કે આરોગ્યલક્ષી જાણકારીના અભાવથી પણ શારીરિક કુપોષણ ઉદ્ભવતું હોય છે. આ કુપોષણના વિકરાળ પ્રશ્ન સામે જંગ શરૂ થયો છે. એ માટે ચોતરફ જાણકારી, જાગૃતિ અને જનભાગીદારીના ઉપાયો ચાલી રહ્યા છે. આ સમસ્યા વિશે વિદ્વાનોનાં લખાણો અને તારણો ઉપલબ્ધ છે. તનનું કુપોષણ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ અત્રે વાત કરવી છે મનના કુપોષણની. શું છે આ મનનું કુપોષણ?
પ્રકૃતિમાં તમામ પદાર્થો અને સજીવસૃષ્ટિ તેના નૈસર્ગિક ગુણધર્મો મુજબ વર્તન કરે છે. પ્રાણીઓમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુન સામાન્ય લક્ષણો છે. પ્રાણી તરીકે માણસ પણ આમાંથી બાકાત નથી, પરંતુ બુદ્ધિ નામની એક અજાયબ ચીજ વિશેષ રીતે ફક્ત માણસને જ આપી ઈશ્વરે કમાલ કરી નાખી છે! આ બુદ્ધિનું ઉદ્ભવસ્થાન માણસનું મગજ એટલે કે મન છે. બુદ્ધિ બેધારી તલવાર જેવી છે. તેના સદુપયોગથી અનેક સુખોના માલિક બની શકાય છે. વિશુદ્ધ બુદ્ધિથી કલ્યાણ મેળવી શકાય છે, પરંતુ બુદ્ધિના બગડવાથી અનેક અનિષ્ટો સર્જાય છે, જે માટે મનનું પ્રદૂષણ અથવા મનનું કુપોષણ જવાબદાર હોય છે. જેનું મન બગડે તેની બુદ્ધિ પણ બગડતી હોય છે અને મનના આ કુપોષણની સામે ઝઝૂમવું એ વળી નવા જ પ્રકારનો જંગ છે.
ફ્રેન્ચ નવલકથાકાર બાલ્ઝાક એવું માનતો હતો કે ‘દરેક પ્રકારની સંપત્તિ પાછળ ગુનો રહેલો હોય છે.’ એટલે કે આપણી કુદરતી જરૂરિયાતોને સંતોષી લીધા પછી આપણે વધારાનું જે કંઈ ભેગું કરીએ છીએ તે માટે તમારે ખોટું કરવું પડે છે અથવા તો બીજી વ્યક્તિનું શોષણ કરવું પડે છે. એવું કરનાર માણસ મનથી તંદુરસ્ત વ્યક્તિ ન હોઈ શકે, અર્થાત્ ગુનાની ગંગોત્રી એ મનનું કુપોષણ હોય છે. માણસ પ્રેમ અને વિવેક ચૂકી જાય એટલે આ સમસ્યાની શરૂઆત થાય છે અને જ્યાં સુધી મક્કમપણે તેનો પ્રતિરોધ ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન જગતને સતાવતો રહે છે. એનું સમાધાન મનની દુરસ્તીમાં રહેલું છે. એવું કહેવાય છે કે જગતના તમામ પ્રશ્નોના મૂળમાં પ્રેમનો અભાવ કેન્દ્રસ્થાને રહેલો હોય છે. જે સમાજમાં ભ્રષ્ટ આચરણ અને બુદ્ધિનો દુરુપયોગ થતો હોય ત્યાં આ સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. મનના કુપોષણને અટકાવવા માટે પ્રેમ અથવા સ્નેહનું ટોનિક અસરકારક રહે છે, પરંતુ મફત મળતા આ ટોનિકનો ઉપયોગ કેમ કરવો એ મોટો પ્રશ્ન છે.
તંદુરસ્ત મન હોય તો જગતના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપમેળે થઈ જતું હોય છે. માણસ એકમાત્ર એવું પ્રાણી છે જે કારણ વગર બીજા માણસનું શોષણ કરે છે, અન્યને દુભાવવાનું કામ કરે છે, બીજાનું ખરાબ ઇચ્છે છે, ઈર્ષ્યાનો ભોગ બને છે અને પોતે પણ બરબાદ થાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિનું કેટલી હદ સુધી શોષણ કરી શકે અને પોતે પણ કેટલી હદ સુધી પરાવલંબી થઈ શકે તેનું એક સચોટ દષ્ટાંત જોઈએ.
ટોલ્સ્ટોય એક ગુલામની વાત કરે છે. એના ખભા પર એક માણ્ણ બેઠો છે. માણસ તેને કહે છે કે હું તને ખાવા માટે રોટલો આપીશ, રહેવા માટે ઘર આપીશ, માંદગીના સમયે દવા-દારૂની વ્યવસ્થા કરીશ અને પહેરવાનાં કપડાં આપીશ. તને બધી રીતે સુખી રાખવા પ્રયત્ન કરીશ, પરંતુ મારી શરત એટલી કે તું મને તારા ખભા ઉપરથી નીચે ઊતરવાનું ન કહીશ!
નાનકડી આ વાર્તામાં કેવો મર્મ ભર્યો છે! માણસની અમર્યાદ લોભવૃત્તિ અને અસહાયતાને ક્યાં લગામ હોય છે? કૂતરાના મોંમાં હાડકું હોય ત્યારે ભસી શકતો નથી. લોભથી ભરેલો માણસ પણ જીવન વિકાસ કરી શકતો નથી! કુપોષણથી પીડાતાં અનેક બાળકો, નિઃસહાય સ્ત્રીઓ અને જનસમૂહોની દુર્દશા માટેે મનનું કુપોષણ જ જવાબદાર હોય છે. માણસ જો વિશુદ્ધ મનથી સંવેદના સાથે વ્યવહાર કરે તો ચોક્કસપણે વિકરાળ લાગતી આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે.

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here