
લદાખઃ લદાખમાં વધતા તણાવ છતાં ભારતીય સેના ચીનની મદદ કરી રહી છે. ભારતના જવાનોએ ફરી એક વખત માનવતા દેખાડતા સોમવારે વાસ્તિવક નિયંત્રણ રેખા (એલએસી) નજીક રસ્તો ભૂલી ગયેલા ચીની યાક અને તેના વાછરડાઓને ચીનને સોંપ્યા હતા.
સેનાએ ટ્વીટ કરી કહ્યું હતું, માનવતા દેખાડતા રસ્તો ભૂલી ગયેલા ૧૩ યાક અને તેમના ૪ વાછરડાઓને ૭ સપ્ટમ્બરના રોજ ચીનને સોંપવામાં આવ્યા હતા. આ સમસ્ત પશુઓ ૩૧ ઓગસ્ટના રોજ એલએસી પાર કરી અરુણાચલ પ્રદેશના ઈસ્ટ કામેંગ પહોંચી ગયા હતા. ચીની અધિકારીઓએ આ માટે તેમનો આભાર માન્યો હતો.
આ પહેલાં પણ ભારતીય સેનાએ રસ્તો ભૂલી ગયેલા ૩ ચીની નાગરિકોની મદદ કરી હતી. ૩ સપ્ટેમ્બરના રોજ સિક્કિમના ઉત્તરી વિસ્તારમાં આશરે ૧૭,૫૦૦ ફીટની ઉંચાઈ પર ચીની નાગરીક રસ્તો ભૂલી ગયેલા. તેમનો જીવ જોખમમાં જોતા ભારતીય જવાનો તુરંત ત્યાં પહોંચ્યા હતા અને તેમને ઓક્સીજન અને અન્ય તબીબી મદદ કરી હતી. તેમને ભોજન અને ગરમ કપડાંઓ પણ આપવામાં આવ્યા હતા.