ડો. સી. એલ. પટેલઃ વિદ્યા વિકાસયાત્રાના મશાલચી

સરદાર પટેલના પ્રેરણાબળે, ગુજરાતની વિદ્યાકીય રાજધાની વલ્લભ વિદ્યાનગરના વિરાટ વિદ્યાતીર્થ દ્વારા ચરોતર અને ગુજરાતને દેશ-દુનિયામાં આગવી ઓળખ અને અસ્મિતા થકી ખ્યાતિ અપાવનાર ચાર આધારસ્તંભો સ્વ. ભાઈકાકા, ભીખાભાઈ સાહેબ, એચ. એમ. પટેલ અને ડો. સી એલ. પટેલ. પોતપોતાનાં ઓજારો તથા દષ્ટિ-શક્તિથી વિદ્યાનગરને અનોખાં રંગ-રૂપ-આકાર આપનાર શિક્ષણશિલ્પી છે.
ભાઈકાકા-ભીખાભાઈ સાહેબ-એચ. એમ. પટેલની ત્રિપુટી દ્વારા પ્રજ્જ્વલિત – પ્રસારિત થયેલી શિક્ષણજ્યોતની શગને સંકોરી વિશેષ પ્રસ્તારિત કરનાર સી. એલ. પટેલ આણંદ તાલુકાના ગામડી ગામે જન્મ-ઉછેર, વલ્લભ વિદ્યાનગરની એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ – ઇલેક્ટ્રિકલની ડિગ્રી મેળવી. એમના જીવનકાર્યના પ્રેરણાપુરુષ સરદાર પટેલ, વિદ્યાગુરુ વિઠ્ઠલભાઈ સાહેબ અને આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી છે.
તેમની કામ કરવાની, કામ લેવાની કુનેહ, કોઠાસૂઝ, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા, સિદ્ધાંતનિષ્ઠા, પરિશ્રમશીલતા જેવા ગુણો કૌટુંબિક સંસ્કારોમાંથી સાંપડ્યા હતા. જેની પ્રતીતિ ગુજરાત વિદ્યુત બોર્ડમાં તેઓ ઇજનેર તરીકે નોકરી કરતા હતા ત્યારથી જ લોકોને થવા પામી હતી, પરંતુ તત્કાલીન પરિસ્થિતિ-પદ્ધતિ-વાતાવરણ સાથે પોતાનાં જીવનમૂલ્યો સુસંગત ન થતાં, આ સ્વમાની વિદ્યુત કર્ર્મચારી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વતનની મોટી ખેતી તથા સમાજસેવાનાં કાર્યોમાં જોડાયા.
આ સમયકાળ દરમિયાન, વૈશ્વીકરણના પ્રભાવે અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ કર્મચારીઓની માગ વધતાં એ પ્રકારના ટેક્નિકલ અદ્યતન અભ્યાસક્રમો-વાળી શિક્ષણસંસ્થાઓના નિર્માણની જરૂરિયાત ઊભી થવા પામી, પરંતુ એવા સમયે ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના અધ્યક્ષ ડો. એચ. એમ. પટેલનું અણધાર્યું નિધન થતાં ડો. સી. એલ. પટેલે પ્રમુખસ્વામીની આજ્ઞા-આશીર્વાદથી 1994માં ચારુતર વિદ્યામંડળનું સુકાન સંભાળ્યું. આમ તો, તેઓ 1989થી એચ. એમ. પટેલના સહકાર્યકર અને સીવીએમના સહમંત્રી તરીકે અસરકારક કામગીરી બજાવતા હતા જ.
વલ્લભ વિદ્યાનગરમાં આવીને તેમણે પ્રથમ ક્રમ વિદ્યાર્થીઓની હોસ્ટેલોમાં ફેલાયેલી બદીઓ દૂર કરવા કડક હાથે કામ લઈ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને અભ્યાસમુખતા પ્રગટે એવી આબોહવા સર્જી. એ સાથે શિક્ષણસંસ્થાઓની હોસ્ટેલોનું નવીનીકરણ કરી, ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરી આપી, પરંતુ વિશેષ તો તેમણે સ્વનિર્ભરતાના ધોરણે અદ્યતન ટેક્નોલોજીના નવા નવા અભ્યાસક્રમોની સંસ્થાઓ સ્થાપવાની ગુજરાતમાં પહેલ કરી, જે થકી ગુજરાતમાં સ્વનિર્ભર સંસ્થાઓ શરૂ કરવા અનેકોને પ્રેરણા-પ્રોત્સાહન સાંપડ્યાં.
ચારુતર વિદ્યામંડળની વિદ્યાવિકાસયાત્રા વણથંભી આગળ વધતી રહે એ માટે એમણે કરમસદ-મોગરી-ગાનાના ત્રિભેટે લોકસહકારથી પ્રાથમિક તબક્કે 100 એકર જમીન સંપાદિત કરી, 20મી એપ્રિલ, 2000ના રોજ મહંતસ્વામીના હસ્તે નવા વિદ્યાધામ ‘ન્યુ વલ્લભ વિદ્યાનગર’નું ભૂમિપૂજન કરાવ્યું. સમયાનુક્રમે રસ્તા, પાણી, વાહનવ્યવહાર, વીજળી, બાગબગીચા, ક્રીડાંગણ, ભૌતિક સુવિધાયુક્ત અદ્યતન ઇમારતો, હોસ્ટેલો વગેરેનું નિર્માણ કર્યું. એડીઆઇટી. એરિબાસ, બિઝનેસ મેનેજમેન્ટ, આયુર્વેદિક કોલેજ અને હોસ્ટેલ, ગર્લ્સ એન્જિનિયરિંગ કોલેજ, આઇટીસી, સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટિસ, આર્કિટેક્ચર એન્ડ ઇન્ટીરિયર ડિઝાઇન વગેરે શિક્ષણ-સંશોધનની સંસ્થાઓ તેમના થકી નિર્માણ પામી.
આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં એન.વી.પાસ, સેમકોમ, વેમેડ, આઇસ્ટાર, સિકાર્ટ, ઇલસાસ, સેરલિપ, ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ વગેરે નવી શિક્ષણસંસ્થાઓ સર્જન-સંવર્ધન થવા પામી.
ટૂંકમાં સીવીએમ સંચાલિત 49 શિક્ષણસંસ્થાઓ પૈકી 24 જેટલી સંસ્થાઓ ડો. સી. એલ. પટેલના કાર્યકાળ દરમિયાન તેમની દષ્ટિ-શક્તિથી અસ્તિત્વમાં આવી.
વલ્લભ વિદ્યાનગરથી ન્યુ વલ્લભ વિદ્યાનગરની વણથંભી વિકાસયાત્રામાં અનેક દાતાઓ, સંસ્થા પરિવાર, શુભેચ્છકો વગેરેનો સી. એલ. પેટલને વિવિધ રીતે સહયોગ સાંપડ્યો છે. તેમણે પ્રતિ વર્ષે વિદેશપ્રવાસ ખેડી એનઆરઆઇ કુટુંબો, મિત્રો, સ્થાનિક દાતાઓ દ્વારા માતબર દાન મેળવ્યું છે. એટલું જ નહિ, પોતે અને પોતાનાં સ્વજનોએ પણ તેમાં આર્થિક સહયોગ આપ્યો છે. દાતાઓ પાસેથી મળેલા દાન થકી વિવિધ સંસ્થાઓના નિર્માણ અર્થે રૂ. 250થી 300 કરોડથી વધુ રકમ ખર્ચાવા પામી છે. ઉપરાંત 500 કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટોની સંકલ્પના પૈકી ઘણા બધા પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. આમ, દાતાઓ, લોકભાગીદારી અને સાથીઓ – શુભેચ્છકોના સંયુક્ત સહયોગ થકી તેમણે આશરે દોઢસો એકરમાં વિસ્તરેલા ન્યુ વલ્લભ વિદ્યાનગરમાં અદ્યતન ટેક્નોલોજીની અનેક સંસ્થાઓનું નિર્માણ કરી વિશાળ વિદ્યાકીય વસાહત (એજ્યુકેશન હબ) આકારિત કર્યું છે. આમ ચરોતર ગ્રામપ્રદેશમાં ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક સ્તરે લઈ જવાની દિશામાં તેમનું આ મહત્ત્વનું કદમ છે, યાદગાર પ્રદાન છે.
ડો. સી. એલ. પટેલને તેમના બહુવિધ સેવાપ્રદાન માટે અનેક માન-સન્માન-એવોર્ડ-પુરસ્કાર પ્રાપ્ત થયા છે. સ. પ. યુનિવર્સિટી તથા કૃષિ યુનિવર્સિટી તરફથી માનદ્ પીએચ.ડી.ની પદવી, અનુપમ મિશન તરફથી ‘શાલીન માનવરત્ન’, ગ્લોબલ ઇકોનોમિક કાઉન્સિલ (ન્યુ દિલ્હી) તરફથી રાજીવ ગાંધી શિરોમણિ એવોર્ડ, સિટિઝન ઇન્ટિગ્રેશન પીસ સોસાયટી (દિલ્હી) તરફથી ‘રાષ્ટ્રીય રત્ન એવોર્ડ, અખિલ ભારત ગુજરાતી સમાજ તરફથી ગુર્જર રત્ન એવોર્ડ, રોટરી ક્લબ રાઉન્ડ ટાઉન, આણંદ તરફથી ‘ચરોતર રત્ન’ એવોર્ડ, સરદાર પટેલ ટ્રસ્ટ (દિલ્હી) તરફથી સરદાર પટેલ એવોર્ડ, ગુજરાત ઇનોવેશન સોસાયટી તરફથી ‘ગુજરાત રત્ન’ એવોર્ડ અર્પણ કરી તેમનું સન્માન કરાયું છે.
આ ઉપરાંત તેમના અમૃત મહોત્સવ પ્રસંગે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાલ-સન્માનપત્ર અર્પણ કરી તેમનું જાહેર બહુમાન કરાયું હતું. ‘દિવ્ય ભાસ્કર’ તરફથી એમિનન્ટ પર્સનાલિટી ધરાવતાં 100 વ્યક્તિવિશેષની પ્રગટ થયેલી યાદીમાં ‘ધ પાવર’ (2008) અને ‘સુપર પાવર’ (2011) તરીકે તેઓ સન્માનિત થયા છે.
આમ, અનેક મહાપુરુષોમાંથી પ્રેરણા પામી, કુટુંબ, વ્યવસાય, સમાજ, વહીવટ, કૃષિ વગેરે ક્ષેત્રે કૌવત દાખવવા બદલ અનેક માન-સન્માન મેળવનાર આ શિક્ષણ મહર્ષિએ વિદ્યામંડળના પૂર્વસૂરિઓની પ્રેરણા, પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની દઢ શ્રદ્ધાભક્તિ તથા મહંત સ્વામીના આશીર્વાદ થકી, કરેલા સંકલ્પો સાકાર કરી આ ભૂમિ પર પ્રસ્તારિત વિદ્યાજ્યોતને ગુજરાતથી માંડી દેશ-વિદેશ સુધી સંવર્ધિત-વિસ્તારિત કરી વિશેષ દેદીપ્યમાન કરી છે.
આવા શિક્ષણ-સંસ્કૃતિના સેતુ, વલ્લભ વિદ્યાનગરથી ન્યુ વલ્લભ વિદ્યાનગરના તીર્થયાત્રાના યાત્રિક ડો. સી. એલ. પટેલ લાંબી માંદગી પછી તાજેતરમાં અક્ષરનિવાસી થયા છે ત્યારે સદ્ગતના આત્માને અક્ષરધામમાં ચિરઃશાંતિ સાંપડે એવી પ્રભુપ્રાર્થનાસહ શ્રદ્ધાંજલિ-સ્મરણાંજલિ અર્પીએ.

લેખક સાહિત્યકાર અને કેળવણીકાર છે.