ડો. મનમોહન સિંહે નાગરિક્તા બિલની એક સમયે તરફેણ કરી હતીઃ વિડિયો વાઇરલ

 

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ સામે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો વિરોધ કરવા માટે મેદાને ઊતર્યા છે, ત્યારે ભાજપે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહનો એક વિડિયો રિલીઝ કર્યો છે. આ વિડિયોમાં મનમોહન સિંહ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર હિંસાનો શિકાર બનેલા શરણાર્થીઓ માટે સરકારને સહાનુભૂતિપૂર્વક વિચારવા માટે અપીલ કરતા નજરે પડે છે.
આ વિડિયો ૨૦૦૩નો છે. એ વખતે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતો. એ વખતે રાજ્યસભામાં ડો. મનમોહન સિંહ વિપક્ષના નેતા હતા. તેમણે રાજ્યસભામાં તત્કાલીન નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને સંબોધન કરતાં કહ્યું હતું હું શરણાર્થીઓનું સંકટ તમારી
સામે લાવવા માગું છું. ભાગલા બાદ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર નાગરિકો પર અત્યાચારો થયા છે. આ ભોગ બનેલા લોકો આપણા દેશમાં જો શરણ લેવા માટે આવતા હોય તો તેમને શરણ આપવાની આપણી ફરજ બને છે. મનમોહન સિંહે એ વખતે કહ્યું હતું કે આપણો વ્યવહાર આ લોકો માટે ઉદાર હોવો જોઈએ. હું બહુ ગંભીરતાથી નાગરિકતા સંશોધનના કાયદા તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. ભાજપે આ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ બાબતેે રાજકીય ઘમસાણ નિશ્ચિત મનાઈ રહ્યું છે, કારણ કે હવે કોંગ્રેસ બિલમાં ધાર્મિક આધાર પર પાડોશી દેશોના લઘુમતી નાગરિકોને નાગરિકતા આપવાનો વિરોધ કરી રહ્યો છે.