ડો. મનમોહનસિંહને કોરોના : એઈમ્સમાં સારવાર હેઠળ

 

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. મનમોહનસિંહ કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ તેમને એઈમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડો. સિંહને કોરોના થતાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ  સહિતના નેતાઓએ ચિંતા વ્યક્ત કરીને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. ૮૮ વર્ષના ડો. મનમોહન સિંહે કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે. આમ છતાં આજે તેમને તાવના હળવાં લક્ષણો બાદ કોરોના પોઝિટિવ આવતાં એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા એમ કહેતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે તેમની તબીયત સ્થિર છે. તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. ડો. સિંહે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને દેશમાં રસીકરણ સહિતના અનેક સૂચનો કર્યાં હતાં. ડો. સિંહ હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર પ્રસરવાની સાથે જ તેમના સ્વાસ્થ્યમાં સુધારાની શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. ભારતને આ કઠિન સમયમાં તમારા માર્ગદર્શન અને સલાહની જરૂરત છે એમ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્, મુખ્યમંત્રીઓ અશોક ગેહલોત, અમરીંદર સિંહ, મમતા બેનરજી, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા, સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ, ભાજપના હિમંતા બિશ્વા શર્મા, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ સહિતના નેતાઓએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી તેમનું સ્વાસ્થ્ય સુધરે એવી આશા વ્યક્ત કરી હતી.