ડો. તોગડિયાનો ક્રાઈમ બ્રાન્ચ પર દિલ્હીના ઈશારે કામ કરતી હોવાનો આરોપ : કાયદાકીય કાર્યવાહીની ચીમકી અને જે. કે. ભટ્ટની કોલ ડીટેલ કઢાવવાની કરી માંગણી
અમદાવાદ ; વિશ્વ હિન્દૂ પરિષદના આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ સરકાર સામે સીધા પ્રહારો કર્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ સામે ગંભીર આરોપ મુક્યા છે. પ્રવીણ તોગડિયાએ ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નિશાન બનાવતા આક્ષેપોની ઝડી વરસાવી છે અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે,કે ભટ્ટ વડાપ્રધાન સાથે સતત સંપર્કમાં હોવાનો આરોપ મૂકીને ભટ્ટની કોલ ડિટેઇલ કઢાવવા માંગણી કરી છે. ડો,તોગડિયાએ આરએસએસના નેતા સંજય જોશીની કથિત અભદ્ર સીડી બનાવવામાં કોનો હાથ હતો તેનું રહસ્ય પણ સમય આવ્યે ખોલવા ચીમકી ઉચ્ચારી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પછી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ આજે બપોર બાદ હોસ્પિટલમાંથી રજા મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજીને અમદાવાદની ક્રાઇમ બ્રાંચ પર ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા.જેમાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ પર દિલ્હીના ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો પ્રવીણ તોગડિયાએ અમદાવાદના જોઇન્ટ કમિશનર ઓફ પોલિસ જે કે ભટ્ટ પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે તે દિલ્હીના ઇશારે કામ કરે છે.જે કે ભટ્ટ દેશના પી એમ નરેન્દ્રભાઈ મોદી સાથે સતત સંપર્કમાં રહેતા હતા. પ્રવીણ તોગડિયાએ જેસીપી જે કે ભટ્ટે છેલ્લા 15 દિવસમાં પીએમ સાથે કેટલી વાત કરી તેની કોલ ડીટેલ કઢાવવાની પણ માંગણી કરી હતી. પ્રવીણ તોગડિયાએ આરએસએસના નેતા સંજય જોશીની કથિત અભદ્ર સીડી અંગે પણ કહ્યું હતું કે આ સીડી નકલી હતી અને આવી સીડી બનાવવા પાછળ કોનો હાથ હતો તેનો રાઝ તે સમય આવે ખોલશે.તેમ જણાવી સંજય જોશીની સીડીને વહેતી કરવા પાછળ ક્રાઇમ બ્રાંચનો જ હાથ હતો.તેવો આક્ષેપ કર્યો હતો. પ્રવીણ તોગડિયાએ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ સામે કાયદાકીય પગલા લેવાની પણ ચિમકી આપતા કહ્યું કે મેં મારા વકિલોની સલાહ લીધી છે અને હું તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરીશ.પ્રવીણ તોગડિયાએ એમ પણ કહ્યું હતું કે ક્રાઇમ બ્રાંચ તેમની વિરૂધ્ધ ષડયંત્ર કરે છે. જેસીપી જે કે ભટ્ટ સામે આરોપોનો મારો ચાલુ રાખતા તોગડિયાએ કહ્યું કે તે અડધી રાતે મારા કાર્યકરોને ઉઠાવે છે અને ધમકીઓ આપે છે.