ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી નવાજ્યા

 

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકન સર્વોચ્ચ સન્માન લીજન ઓફ મેરિટથી નવાજ્યા છે. આ સન્માન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-યુએસની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા અને ભારતને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવા માટે આપવામાં આવ્યું હતું. યુ.એસ.ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી ઓ બ્રાયને આ માહિતી આપી હતી. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ વડા પ્રધાન મોદી વતી આ સન્માન સ્વીકાર્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી ઓ બ્રાયને ટ્વિટ કર્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ દ્વારા અમેરિકા-ભારતની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે લીજન ઓફ મેરિટથી તેમને નવાજ્યા છે. આ અગાઉ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝો આબેને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા હતા. તે જ સમયે, વિદેશ મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલા અમેરિકન સન્માન વિશે જણાવ્યું હતું કે, આ સન્માન વડા પ્રધાનનું અડગ નેતૃત્વ, વૈશ્વિક શક્તિ તરીકે ભારતના ઉદય માટે તેમની દીર્ઘ દષ્ટિ, તેમના દ્વારા ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને માન્યતા આપે છે. આ સન્માન તેમના દ્વારા કરવામાં આવેલ તમામ રાષ્ટ્રીય અને વૈશ્વિક યોગદાનને માન્યતા આપે છે.

લીજન ઓફ મેરિટ એવોર્ડ શું છે?

૨૦ જુલાઈ, ૧૯૪૨ના રોજ, યુ.એસ. સંસદ દ્વારા લીજન ઓફ મેરિટ મેડલની આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ સન્માન યુ.એસ. આર્મી, વિદેશી સૈન્ય સભ્યો અને રાજકીય હસ્તીઓને સન્માનિત કરવામાં આવે છે જેમણે ઉત્કૃષ્ટ સેવાઓ અને સિદ્ધિઓના પ્રદર્શનમાં અપવાદરૂપ અને પ્રશંસનીય કામગીરી કરી હોય. તે સર્વોચ્ચ લશ્કરી ચંદ્રકોમાંનું એક છે.

આપને જણાવી દઇએ કે અમેરિકા સિવાય અત્યાર સુધી બીજા ઘણા દેશોએ વડા પ્રધાન મોદીને તેમના દેશના ઉચ્ચ સન્માનથી નવાજ્યા છે. ૨૦૧૬ની શરૂઆતમાં સાઉદી અરેબિયા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ અબ્દુલઝિઝ અલ સઉદ, સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી આમિર અમાનુલ્લાહ ખાન (૨૦૧૬), ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઑફ પેલેસ્ટાઇન એવોર્ડ (૨૦૧૮). સંયુક્ત આરબ અમીરાત (UA) દ્વારા ૨૦૧૯માં ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ. ૨૦૧૯માં રશિયા દ્વારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ એવોર્ડ. ઓર્ડર ઓફ ડિસ્ટિંગ્યુઇડ રૂલ ઑફ નિશન ઇઝુદ્દીન એવોર્ડ માલદીવ્સ દ્વારા વર્ષ ૨૦૧૯માં આપવામાં આવ્યો હતો.