
વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન દ્વારા સૌપ્રથમ વાર વ્હાઇટ હાઉસમાં આઠમી ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક પ્રેસ પોડિયમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ કામચલાઉ ધોરણે પોતાના સિનિયર સાથીની ગેરહાજરીના કારણે આ કામગીરી ચાલુ રાખશે.
32 વર્ષીય રાજ શાહે આઠમી ફેબ્રુઆરીએ કામચલાઉ ધોરણે પ્રેસ સેક્રેટરી સારાહ હકાબી સેન્ડર્સના સ્થાને પ્રેસ બ્રીફિંગની શરૂઆત કરી હતી, જેઓ હાલમાં વેકેશન પર ગયેલા છે.
તેમના પર સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો. શાહે પ્રથમ વાર પત્રકારોને સંબોધ્યા હતા અને તેમના સવાલોના જવાબો આપ્યા હતા.
ભારતીય પત્રકારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લીગલ ઇમિગ્રેશન સંબંધિત પગલાં વિશે, તેના કારણે ભારતીય વસાહતીઓને શી અસર થશે તે વિશે તેમજ ગ્રીન કાર્ડ માટે અરજી કરતા લોકો વિશે સવાલો પૂછયા હતા.
રાજ શાહે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લીગલ ઇમિગ્રેશન રિફોર્મ્સ જોવા માગે છે. તેઓ ફેમિલી ચેઇન માઇગ્રેશનના હાલમાં હયાત કાયદાને વિસ્તારીને મેરીટ-બેઝ્ડ લીગલ ઇમિગ્રેશન રિફોર્મ લાવવા આતુર છે. અમે આ દેશમાં આવતા લોકોને ખાતરી કરાવવા માગીએ છીએ કે આ દેશ શ્રેષ્ઠ છે, તમે પણ શ્રેષ્ઠ છો અને અમેરિકામાં તમારું ઉજ્જવળ ભવિષ્ય છે. અમે તેઓની શૈક્ષણિક પશ્ચાદભૂ જોવા માગીએ છીએ અને તેમનામાં અમેરિકન કામદારોને મદદ કરવાની અને સહાયરૂપ થવાની ક્ષમતા છે કે કેમ તે ચકાસવા માગીએ છીએ.