ડેટ્રોઇટના આઇટી ઉદ્યોગસાહસિક પરિમલ મહેતા પર છેતરપિંડી, લાંચનો આરોપ

ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક અને મિશિગનના ડ્રેટ્રોઇટમાં આવેલી આઇટી કંપની ફ્યુચરનેટના ફાઉન્ડર-માલિક પરિમલ મહેતા સામે લાભ મેળવવા માટે શહેરના એક અધિકારીને લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ કેસમાં 54 વર્ષીય પરિમલ મહેતા ઉર્ફે પેરી મહેતા સામે તહોમતનામું ઘડવામાં આવ્યું હોવાનું અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.

સન 2009થી 2016 દરમિયાન ડેટ્રોઇટની ટેક્નોલોજી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની ઓફિસના ભૂતપૂર્વ ડિરેક્ટર ચાર્લ્સ ડોડને પરિમલ મહેતાએ ઘણી વાર રોકડમાં લાંચ આપી હતી. પરિમલ મહેતાએ ડોડને લાંચ આપીને સ્પેશિયલ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ માટે ડેટ્રોઇટના ઇન્ટરનેશનલ બજેટની વિશ્વસનીય અને ખાનગી માહિતી મેળવી હતી.
પરિમલ મહેતા સામે મિશિગનના ડેટ્રોઇટમાં મૂકવામાં આવેલા 11 આરોપોમાં 2016માં ડેટ્રોઇટની એરિયા રેસ્ટોરાંના રેસ્ટરૂમમાં પરિમલ મહેતા દ્વારા ડોડને બે વાર 29,500 અમેરિકી ડોલરથી વધુ રકમની રોકડમાં લાંચ આપી હોવાનો પણ સમાવેશ કરાયો છે.

પરિમલ મહેતા ડેટ્રોઇટની આઇટી કંપની ફ્યુચરનેટના ફાઉન્ડર છે અને કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ પણ રહેલા છે.
પરિમલ મહેતાએ પર્સનલ ફંડ અને ક્રેડિટ કાર્ડ કેશ એડવાન્સીસથી 25 હજાર ડોલરનું રોકાણ કરી 1994માં ફ્યુચરનેટ ગ્રુપની સ્થાપના કરી હતી. ભારતમાં તેમણે ફ્યુચર જનરેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી હતી, જેની સાથે અમેરિકાની તેમની આ કંપની જોડાણમાં કામગીરી કરતી હતી.

સન 2014માં કંપનીની રેવન્યુ 94 મિલિયન ડોલર (લગભગ રૂ. 611 કરોડ) હતી. કંપનીના ક્લાયન્ટ્સમાં ડેટ્રોઇટ સિટી, મિશિગન સ્ટેટ, યુએસ આર્મીના એન્જિનિયરો, યુએસનું એરફોર્સ ડિપાર્ટમેન્ટ, યુએસ આર્મી, એફબીઆઇ, આઇઆરએસ હતું.