ડૂબતા યુવકને બચાવનાર વડોદરાની કિશોરીનું સન્માન


વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારના અનુરોધથી સર્વપ્રથમવાર શહેરની એક સાહસિક અને વીરાંગના કિશોરી નેવલ એનસીસી કેડેટ ભર્ગ સેતુ શર્માનું જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની સાથે સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત અધ્યક્ષા પન્નાબહેન સહિત મહાનુભાવોએ આદરભર્યું સન્માન કર્યું હતું. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

વડોદરાઃ વડોદરા જિલ્લા સંકલન સમિતિના ઇતિહાસમાં તાજેતરમાં અભૂતપૂર્વ ઘટના ઘટી હતી. સાવલીના ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારના અનુરોધથી આ બેઠકમાં સર્વપ્રથમવાર શહેરની એક સાહસિક અને વીરાંગના કિશોરીનું જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની સાથે સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત અધ્યક્ષા પન્નાબહેન સહિત મહાનુભાવોએ આદરભર્યું સન્માન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે નેવલ એનસીસી કેડેટ ભર્ગ સેતુ શર્માએ તાજેતરમાં સાવલી તાલુકાના લાંછનપુરા ગામે મહી નદીના ધરામાં ડૂબતા એક યુવાનનો જીવ અદભૂત તરણ કુશળતા તેમજ સાહસિકતાના બળથી અને ખૂબ જ સમયસૂચકતા દાખવીને બચાવ્યો હતો. નોંધનીય છે કે નદી કે તળાવમાં ડૂબતા વ્યક્તિને ઉગારી લેવો એ ખૂબ જ સાહસનું કામ છે કારણ કે જ્યારે આવા વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે ડૂબનાર તેને ઉગારનારને વળગી પડે છે અને ઘણીવાર ડૂબતાને કિનારે લાવવાના પ્રયાસમાં જીવ બચાવનાર પણ જીવ ગુમાવે છે.
ધારાસભ્ય કેતનભાઇએ જણાવ્યું કે, મહી નદીના આ ધરામાં ડૂબનારાઓને બચાવતા કુશળમાં કુશળ તરવૈયા પણ ગભરાય છે. તેવા સમયે ભર્ગ સેતુએ ક્ષણવારનો વિચાર કર્યા વગર વમળોમાં ઝંપલાવી દઇને યુવકને બચાવ્યો એ અદમ્ય સાહસ અને હિંમતનું કામ છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આ હિંમતભર્યા કર્તવ્ય ચપળતાના કામ માટે ભર્ગ સેતુને જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુવા પેઢીને સતત સાહસ અને હિંમતની પ્રેરણા મળે એવું કામ આ દિકરીએ કર્યું છે.
જિલ્લા કલેકટરે જિલ્લા કક્ષાના આગામી સ્વતંત્રતા પર્વ પ્રસંગે ભર્ગ સેતુનું જાહેર સન્માન કરાવવાની સૂચના આપી હતી. સાંસદ રંજનબહેન ભટ્ટ, ધારાસભ્યો કેતનભાઇ ઇનામદાર, અક્ષય પટેલ, જશપાલસિંહ પઢિયાર, પન્નાબહેને પણ ભર્ગ સેતુની હિંમત અને સાહસિકતાની પ્રસંશા કરવાની સાથે અભિનંદન આપ્યા હતા.