ડિસેમ્બરમાં રજૂ થતી ફિલ્મોની ટિકિટબારી પર બોલબાલા ..

0
851

ડિસેમ્બર મહિનો બોલીવુડના નિર્માતાઓ માટે શુકનવંતો સાબિત થયો છે. ડિસેમ્બરમાં રજૂ થતી મોટાભાગની ફિલ્મો ટિકિટબારી પર કમાણી કરે છે. ચાહે ફિલ્મ નાના બજેટની હોય , યા મોટા બજેટની હોય, નવોદિત કે નાના કલાકારોની હોય કે મોટી મલ્ટીસ્ટાર મુવી હોય -દરેક ફિલ્મ પોતપોતાના ગજા પ્રમાણે કમાણી કરી જ લેછે. ડિસેમ્બર આમ તો વરસનો આખરી મહિનો છે. વળી શાળા કે કોલેજમાં પણ ક્રિસમસની ઉજવણી અને રજાનો માહોલ હોય છે. વળી મોસમ પણ ખુશનુમા રહેતી હોય છે. ફાયનલ પરીક્ષાનું ટેન્શન પણ નથી હોતું. આથી ટીનેજરો – અને યુવાવર્ગ બન્ને માટે ડિસેમ્બર રિલેક્સ થવાનો, મનોરંજન કરવાનો સમયગાળો માનવામાં આવે છે. અને છેલ્લા કેટલાક વરસોથી એવું જ થતું રહે છે. જેમની ફિલ્મો ડિસેમ્બરમાં  કે ક્રિસમસના તહેવારોમાં રિલિઝ થાય તેમને ટિકિટબારી પર તગડો નફો થાય છે. સલમાન ખાન, શાહરુખ ખાનની ફિલ્મોએ એ સાબિત કરી આપ્યું છે. આ વખતે ડિસેમ્બરમાં બે-ત્રણ મોટા બજેટની ફિલ્મો રિલિઝ થઈ રહી છે. 7મી ડિસેમ્બરે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ રિલિઝ થઈ રહી છે. 21મી ડિસેમ્બરના શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ અબિનિત ફિલ્મ ઝીરો રજૂ થવાની છે. જયારે 28મી ડિસેમ્બરના કરણ જોહર નિર્મિત- રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બા રિલિઝ થઈ રહી છે. જેમાં રણવીર સિંહ, સારા અલી ખાન, આશુતોષ રાણા, સોનુ સૂદ આદિ કલાકારો ભૂમિકા ભજવી રહ્યા છે. અભિનયપ્રતિભા અને વિપુલ ઊર્જાથી થનગનતો રણવીર સિંઘને એકશન ફિલ્મમાં જોવો એ એક લ્હાવો છે.