ડિજિટલ ભારતના નિર્માણ માટે ડિજિટલ ગુજરાતનું વધુ એક નક્કર કદમઃ પ્રદીપસિંહ જાડેજા

 

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે એકવીસમી સદી એ ટેક્નોલોજીની સદી છે અને ટેક્નોલોજી દ્વારા ગુનાઓ પણ વાઇફાઇ બન્યા છે, ત્યારે સાઇબર ક્રાઇમ બનતાં અટકે તથા રાજ્યના નાગરિકો, સામાજિક-આર્થિક અને માનસિક ગુનાઓનો ભોગ ન બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. ડિજિટલ ભારતના નિર્માણ માટે ડિજિટલ ગુજરાતે એક નક્કર કદમ ઉઠાવીને વિશ્વાસ અને સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ કાર્યાન્વિત કરીને નાગરિકોને સાઇબર સુરક્ષા પૂરા પાડીને દેશને નવો રાહ ચીંધ્યો છે, સાથે સાથે ઇ-ગુજકોપ, પોકેટકોપ, ઇ-ગુજસીટોક, સિનિયર સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપ, દ્વારા નાગરિકોને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી રહી છે. સાઇબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે રાજ્યકક્ષાએ રીજનલ સાઇબર ક્રાઇમ કોઓડિનેશન સેન્ટરની પણ રચના કરી દેવાઈ છે. એ જ રીતે રાજ્યમાં ચાર મોટાં શહેરોમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને નવ રેન્જમાં સાઇબર ક્રાઇમ સેલ કાર્યરત કરી દીધાં છે અને આગામી વર્ષોમાં તમામ જિલ્લાઓમાં સાઇબર પોલીસ સ્ટેશન ઊભાં કરવાનું આયોજન છે.  

તેમણે જણાવ્યું હતું કે પોલીસ ખાતાની મુખ્ય કામગીરી ગુનાઓનું ડિટેક્શન કરી ગુના થતાં અટકાવવાની છે. આજના યુગમાં જ્યારે વધુ ને વધુ ગુનાઓ ટેક્નોલોજી આધારિત થયા છે ત્યારે પોલીસ પણ આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ બને એ એટલું જ આવશ્યક છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોલીસ કેવી હોવી જોઈએ એ માટે લ્પ્ખ્ય્વ્ પોલીસનું જે સૂત્ર આપ્યું છે એ મુજબ આ સૂત્રને સાર્થક કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. સાઇબર ક્રાઇમને સંપૂર્ણપણે નાથવા માટે તથા જામતારા વિસ્તાર જેવા અન્ય ગુનેગારોનો ગુજરાતના નાગરિકોને છેતરવાનો ગુનાહિત ઇરાદો બર ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ સુરક્ષાલક્ષી નવીન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે.  નાગરિકો કોઈપણ ડર વગર આશ્વસ્ત રહીને ઇન્ટરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે એ માટે સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગુનો બન્યા બાદ કે ફરિયાદ મળ્યા બાદ પ્રોએક્ટિવ પોલિસિંગના ઉત્તમ ઉદાહરણરૂપ આ સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટના કુલ-૦૫ યુનિટોની સેવાઓનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળશે.