ડિજિટલ ટ્રાન્જેક્શનમાં ભારત અગ્રેસર: પ્રધાનમંત્રી

 

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ફિન-ટેક સોલ્યુશન્સ, ફાઈનાન્સ માટે ટેક્નોલોજીનો ઉપયોગ એ સાચા અર્થમાં સાચી લોકશાહી છે. યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ-યુપીઆઈ ‘બાય ધ પીપલ’ છે લોકો દ્વારા તેનો ઉપયોગ થાય છે. ‘ઓફ ધી પીપલ’ છે લોકોની જ વ્યવસ્થા છે અને ‘ફોર ધ પીપલ ’છે  એટલે કે લોકો માટેની જ વ્યવસ્થા છે. ભારતના ફિન-ટેક-યુપીઆઈ-યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પ્લેટફોર્મની ઉત્તમમાં ઉત્તમ પ્લેટફોર્મ તરીકે વર્લ્ડબેંકથી લઈને તમામે પ્રશંસા કરી છે.

ડિજિટલ ઈન્ડિયા વીક- ૨૦૨૨ના શુભારંભ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગત મે મહિના દરમિયાન ભારતમાં દર મિનિટે ૧,૩૦,૦૦૦ યુપીઆઈ ટ્રાન્જેક્શન થયા હતા. આમ જોઈએ તો દર સેકન્ડે ૨૨૦૦ ટ્રાન્ઝેક્શન થયા હતા. હું યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલું નામ બોલું છું એટલા સમયમાં યુપીઆઈ દ્વારા ૭૦૦૦ ટ્રાન્જેક્શન કમ્પ્લીટ થઈ ગયા હશે. મને કહેતા ગર્વ થાય છે કે, આપણો દેશ દુનિયાના સમૃદ્ધ દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશ કહેવાય છે, પરંતુ સમગ્ર વિશ્ર્વના ૪૦ ટકા ડિજિટલ ટ્રાન્જેક્શન આપણા ભારતમાં થાય છે. ભીમ-યુપીઆઈ ડિજિટલ ટ્રાન્જેક્શન એપ ભારતનું સશક્ત માધ્યમ બની છે.

વધુમાં મોદીએ કહ્યું હતું કે, કોઈ શહેરના વિશાળ મોલમાં જે ટેક્નોલોજીથી મની ટ્રાન્સફર કે ટ્રાન્જેક્શન થઈ રહ્યું છે, એ જ ટેકનોલોજી મોલની બહાર ફૂટપાથ પર બેઠેલો પાથરણાવાળો ફેરિયો પણ વાપરી રહ્યો છે. હળવી શૈલીમાં એમણે કહ્યું હતું કે, હમણાં મેં સાંભળ્યું કે, બિહારમાં એક ભિક્ષુક ભિક્ષા પણ ડિજિટલી લેતો હતો. એ ભિક્ષુક પાસે એનો પોતાનો ક્યુ-આર કોડ હતો. આજે અમીર હોય કે ગરીબ, ગામ હોય કે શહેર ડિજિટલ ઇન્ડિયાએ સૌને સમાન શક્તિ આપી છે.

આપણે દુનિયાનું સૌથી મોટુ અને સૌથી પ્રભાવી વેક્સીનેશન અને કોવિડ મેનેજમેન્ટ અભિયાન ચલાવ્યું. અમે દેશની કરોડો મહિલાઓ, કિસાનો, મજૂરોના બેન્ક એકાઉન્ટમાં એક ક્લિક કરી હજારો કરોડ રૂપિયા પહોંચાડ્યાં. વન નેશન-વન રાશન કાર્ડની મદદથી અમે ૮૦ કરોડથી વધુ દેશવાસીઓને ફ્રી રાશન આપ્યું. છેલ્લા આઠ વર્ષમાં ડિજિટલ ઈન્ડિયાએ દેશમાં જે સામર્થ્ય ઉભુ કર્યું છે, તેણે કોરોના વૈશ્ર્વિક મહામારી સામે મુકાબલોે કરવામાં ભારતની ખુબ મદદ કરી.

મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ કે દુનિયા તે વાત પર ચર્ચા કરી રહી હતી કે કઈ રીતે આપણે રસી લાગ્યા બાદ કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્ર આપવામાં સફળ રહ્યાં, પરંતુ કેટલાક લોકોનું ધ્યાન તે વાત પર હતું કે સર્ટિફિકેટ પર મોદીની તસવીર કેમ છે?