
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ દેશમાં ડિજિટલ ચલણને પણ બેન્ક નોટની પરિભાષા હેઠળ લાવવાનો તેમજ તેના માટે કાયદામાં સુધારા કરવાનો એક પ્રસ્તાવ આપ્યો છે. કેન્દ્ર સરકારે સોમવારે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આરબીઆઈ દ્વારા ઓક્ટોબરમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો પ્રસ્તાવ અપાયો હતો. આ ફિએટ કરન્સી એટલે કે, પરંપરાગત ચલણનું ડિજિટલ રૂપ છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી આવતાં લોકોને રોકડ પર નિર્ભરતા ઓછી થવા સહિત વિવિધ લાભ થશે તેવું નાણામંત્રાલયે કહ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે, તેનાથી વધુ મજબૂત, સક્ષમ, વિશ્વસનીય, નિયમિત અને કાનૂની ટેન્ડર પર આધારિત પેમેન્ટ વિકલ્પ તૈયાર થશે. જો કે, તેની સાથે જોડાયેલાં કેટલાંક જોખમોનું સંભવિત લાભોની તુલનામાં મૂલ્યાંકન થવું જોઈએ, તેવું પણ મંત્રાલયે ઉમેર્યું હતું.