ડાયસ્પોરા કવિ રમેશ પટેલના કાવ્યસંગ્રહનું લોકાર્પણ, કાવ્યપાઠ અને કાવ્યાસ્વાદ

વલ્લભ વિદ્યાનગરઃ શિક્ષણ, સાહિત્ય ઉપાસનાનું ધામ વિદ્યાનગર અને શ્વેતક્રાંતિનું જનક ધામ આણંદ, એટલે ચરોતરને આંગણે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ અને ગાર્ડી રિસર્ચ ઇનિ્સ્ટટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝના સૌજન્યથી, કેલિફોર્નિયાનિવાસી ડાયસ્પોરા કવિ રમેશ પટેલ (આકાશદીપ)ને સન્માનવાનો એક ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારંભમાં લોકાર્પણ, કાવ્યપાઠ ને કાવ્યસ્વાદ યોજાયો હતો. ચરોતરની ભૂમિના, ગુજરાતી સાહિત્યગગનમાં તારકસમ ઝગમગી રહેલા, આકાશદીપ ઉપનામધારી, વીજ જ્જનેર કવિ રમેશ પટેલના , બે કાવ્યસંગ્રહોનો લોકાર્પણ કાર્યક્રમ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ બી. પટેલ – મુખ્ય મહેમાનપદે તથા અનુપમ પરિવાર ટ્રસ્ટના સંસ્થાપક નવીનભાઈ બી. પટેલ (એટલાન્ટા) – અતિથિવિશેપદે સાહિત્યવિદોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ગાર્ડી રિસર્ચ ઇનિ્સ્ટટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ ગ્રીડ્ઝના નિયામક ડો. બળવંત જાનીએ શિક્ષણ ક્ષેત્રે બહુમાન પામનાર, ખાસ આમંત્રિત સારસ્વત મહેમાનોનો પરિચય આપી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. સમારંભમાં કવિને બિરદાવતાં, અધ્યક્ષ ભીખુભાઈ પટેલ અને ડો. નરેશ વેદે (પૂર્વ કુલપતિ)એ શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
ડો. બળવંત જાનીએ તેમની જ રચનાથી અભિવાદન કરતાં ગુણિયલ ગુર્જર ગિરા અમારી, ગૌરવવંતા ગાન યશવંતી ગુજરાતનું ગૌરવ ગુંજન કરી, કવિની સર્જનયાત્રાને બિરદાવી હતી.
કાવ્યનો રસાસ્વાદ કરાવતાં, ડો.મહેશભાઈ યાજ્ઞિકે, સંગ્રહની આધ્યાત્મિક કવિતાઓ પર ,પોતાની સંસ્કૃત ભાષાની વિદ્વત્તા સાથે સુંદર છણાવટ કરી, મહાદેવ કવિતાનું રસપાન કરાવી સૌને મુગ્ધ કરી દીધા હતા,
ડો. કાંતિભાઈ લીખિયાએ(ઉપકુલપતિ, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર) કવિને વતનની માટીની મહેકથી ઘડાયેલું વ્યક્તિત્વ કહી, છાંદસ, લયબદ્ધ ને અર્થસભર રચનાઓની વિવિધતાયુક્ત કવિ-કર્મને તથા ડાયસ્પોરા સાહિત્ય પ્રવાહને વધાવ્યો હતો. સમગ્ર પ્રસંગનું સંચાલક અને સૂત્રધાર ડો. રાજેશ્વરી પટેલ (પ્રાધ્યાપિકા, ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી)એ ગૌરવપૂર્ણ અને રસમય રીતે કરી કવિના વતનપ્રેમને વધાવ્યો હતો.