ડલાસ, ટેક્સાસમાં બીએપીએસ ચેરિટીઝ દ્વારા વાર્ષિક વોકગ્રીન 2018


ડલાસઃ બીએપીએસ ચેરિટીઝની ડલાસ, ટેક્સાસમાં 19મી મેએ યોજાયેલી વાર્ષિક વોકેથોન વોકગ્રીન 2018માં સમાજના દરેક વયજૂથના સભ્યોએ સહકુટુંબ ભાગ લીધો હતો. 2018 એ ત્રીજું વર્ષ છે, જેમાં બીએપીએસની વાર્ષિક વોકેથોન ધ નેચર કન્ઝર્વન્સી સંસ્થાને સહાયરૂપ બની છે, અને એ દ્વારા ધ નેચર કન્ઝર્વન્સી સંસ્થાના પૃથ્વી પરના ભૂમિ અને જળસ્ત્રોતોના સંવર્ધન દ્વારા ભાવિપેઢીના સંરક્ષણના કાર્યમાં સહાય કરે છે. હાલ આ સંસ્થા 2025ના વર્ષ સુધીમાં એક લાખ કરોડ વૃક્ષો રોપવાના કાર્યક્રમમાં બીએપીએસ ચેરિટીઝ 130,000 વૃક્ષો રોપવા માટે એક લાખ 65 હજાર ડોલરનો ફાળો આપશે.
આ વૈશ્વિક કાર્યમાં આધારરૂપ બનવા ઉપરાંત, આ વર્ષે બીએપીએસ ચેરિટીઝે વોકેથોન દ્વારા ધ ઇરવિંગ સ્કૂલઝ ફાઉન્ડેશન અને ધ ઇરવિંગ સિટીઝન્સ ફાયર એકેડેમી એસોસિએશનને પણ સહાય કરી હતી. ધ ઇરવિંગ સ્કૂલઝ ફાઉન્ડેશન ઇરવિંગ આઈએસડી અર્થાત ઇરવિંગ શહેર શાળાકીય વિસ્તારમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપે છે. આ સહાય શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભ્યાસની મહત્તમ તક ઉત્પન્ન કરવામાં ઉપયોગી થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ રકમનો બિનપ્રણાલિગત કાર્યક્રમો, શિષ્યવૃત્તિ, અને સર્જનાત્મક, નેતૃત્વ તથા અભ્યાસ આનુષંગિક સફળતા મેળવે એવી પ્રવૃત્તિઓમાં વાપરતા હોય છે.
વોકેથોનમાં 1200થી વધુ લોકો જોડાયા હતા. સાઉથ લેકનાં રહેવાસી રીના જરીવાલાના કહેવા પ્રમાણે, બીએપીએસ ચેરિટીઝના કાર્યક્રમમાં ભાગ લેવો સાચે જ એક સત્કાર્ય છે. આ રીતે ધ નેચર કન્ઝર્વન્સી અને એના એક અબજ વૃક્ષો ઉગાડવાની ઝુંબેશમાં ટેકો કરવામાં મને ગર્વનો અનુભવ થાય છે. આપણા ગ્રહના રક્ષણ માટે પર્યાવરણ અંગે જાગ્રત થવાની શીખ મારાં બાળકોને આપવાની આ એક ઉમદા તક છે. રીનાબહેન છેલ્લાં ત્રણ વર્ષથી બીએપીએસ ચેરિટીઝની વોકગ્રીન વોકેથોનમાં ભાગ લે છે.
બીએપીએસ ચેરિટીઝ આ તકનો ઉપયોગ સમાજના સભ્યોમા ંપર્યાવરણ સંરક્ષણ અંગે સેવા અને પ્રતિબદ્ધતા વિકસાવવામાં કરે છે. આવી પ્રવૃત્તિ લોકોમાં પોતાની આસપાસની કાર્યવિધિઓમાં એક ચેતના આણવાનું કામ કરે છે. આ સભાનતા લોકોમાં વૈશ્વિક સુમેળ સાધવાનું કામ કરે છે.
ઇરવિંગના મેયર ક્રિસ્ટોફરે બીએપીએસ ચેરિટીઝની પ્રવૃત્તિઓ અંગે જણાવ્યું હતું કે, આપણે અનેક રીતે સારાં કામ કરી શકીએ છીએ. આવી રીતે બધા એકત્ર થઈ કામ કરે છે, મુખ્યત્વે યુવાનો જેઓ સેવા અને સહકારનો મહિમા સમજી શક્યા છે, એ જોઈ હું બીએપીએસનો અત્યંત આભારી છું કે તેઓ આપણને એક થઈ પર્યાવરણની જાળવણી કરવાની મોટી શીખ આપે છે. આપણે વર્ષના અંત સુધીમાં 3 લાખ વૃક્ષો વાવી શકીશું એ સુખદ આશ્ચર્ય છે!