ઠીકરાં તોય બરણીનાં!

0
885

(ગતાંકથી ચાલુ)
ગમે તેવા નાના માણસને પણ પોતાની ગાંડીઘેલી માન્યતાને મનમાં સંઘરી રાખવાનો અધિકાર છે. એવી એક માન્યતા છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા મનમાં મુકામ કરીને બેસી ગઈ છે. ઇસ્તોકતરામાં પડી રહેલાં હીરાનાં લટકણિયાંને ક્યારેક હાથમાં લઈને પાછાં મૂકી દેનારી ગૃહિણીની માફક મારી એ માન્યતાને હું થોડે થોડે વખતે પંપાળી લઉં છું. માન્યતા થોડી વિચિત્ર છે અને વિચિત્ર છે તેથી જ વિચારણીય છે.
પાપડી કે તુવેરની શિંગ ફોલતી વખતે બે પાડોશણો વચ્ચે થતી વાતચીતનું ધોરણ એ જ રાષ્ટ્રનું ખરું ધોરણ છે. પાનના ગલ્લા પર ઊભેલા પુરુષો વચ્ચે થતી વાતચીતની કક્ષા એ જ રાષ્ટ્રના લોકોની સરેરાશ વૈચારિક કક્ષા ગણાય. આવી સરેરાશ કક્ષાને ઊંચી લાવવાનું કામ શિક્ષણ કરે એવી અપેક્ષા રહે છે. લોકોથી અતડી રહી ગયેલી ભગવદ્ગીતા અને લોકોથી અળગી રહી ગયેલી યુનિવર્સિટી પેલી સરેરાશને ઊંચી ન લાવે તો શા ખપની? લોકાનુસંધાન વિનાની યુનિવર્સિટી એટલે જનોઈ સાથે ગંઠાઈ ગયેલું બ્રાહ્મણત્વ! ગમે તેટલા ઉચ્ચ વિચારો પણ જો લોકોને ઢંઢોળવામાં નિષ્ફળ જાય તો એ વિચારોનું મૂલ્ય ફ્્લાવરવાઝથી વિશેષ નથી હોતું. લોકોની વિચારકક્ષા વેંત ઊંચી પણ ન આવે અને વિદ્વાનો અદ્વૈતની ચર્ચા કરે તેથી શો ફેર પડે? ટોચ પર શાસ્ત્રાર્થ અને તળેટીમાં ઘોર અંધારું! ભારતમાં અગ્નિની પૂજા ઘણી થઈ, પરંતુ પશ્ચિમે અગ્નિની શક્તિમાંથી સ્ટીમ એન્જિનનું નિર્માણ કર્યું.
આપણા દેશમાં જે. પી. નાયક નામના સમર્થ કેળવણીકાર થઈ ગયા. તેઓ ભારતનાં ગામોમાં નિરાંતે પડી રહેલા ‘કલ્ચર ઓફ સાઇલન્સ’ અંગે સેમિનારોમાં મૌલિક વાતો કરતા. ગામડું રળિયામણું હોય તે સૌને ગમે, પરંતુ એવું ગામ ભાગ્યે જ જડે તો જડે! ગાંધીયુગમાં ભારતનાં લાખો ગામડાં સાથે એક પ્રકારનું રોમેન્ટિસિઝમ જોડાઈ ગયું હતું. અંધશ્રદ્ધા, અભણતા, વ્યસન અને જડતાના કોકટેલમાંથી પેદા થતું પછાતપણું ગામડાંને ગ્રસી જતું હોય છે.
ગામ હોય ત્યાં ફળિયું હોય, ફળિયું હોય ત્યાં ધૂળ હોય, ધૂળમાં થોડાં ઠીકરાં હોય, ઠીકરાં હોય ત્યાં માટી હોય, માટી હોય ત્યાં કુંભાર હોય, કુંભાર હોય ત્યાં ચાકડો હોય, ચાકડો હોય ત્યાં સંસાર હોય, ચાકડે ચાકડે ચમત્કાર હોય, ચાકડો ચક્કર ચક્કર ફરે, પૃથ્વી ચક્કર ચક્કર ફરે, સૂર્ય ચક્કર ચક્કર ફરે, માણસ બીજું શું કરે?
એક ચમત્કાર થયો. ચાકડો ધીરે ધીરે ફ્લાઇવ્હીલ બની ગયો! ગામના કુંભારવાડા હવે છેક ગરીબ નથી રહ્યા. ગામનો પ્રજાપિત માટીના નવા નવા ઘાટ ચાકડા પરથી ઉતારે છે. લોકોને માટીનો રતૂમડો રંગ ખૂબ ગમે છે. ઘરની શોભા વધારવાનું કોને ન ગમે? ઘરે ઘરે હવે માટીનાં ઘરેણાં! ચાકડાનો ચમત્કાર ઘરના ડ્રોઇંગ રૂમ સુધી પહોંચી ગયો છે. ભણેલો-ગણેલો કુંભાર હવે કોમ્પ્યૂટર અને મોબાઇલ ફોન રાખતો થયો છે. કુંભાર બદલાયો, સુથાર બદલાયો, લુહાર બદલાયો, દરજી બદલાયો, ધોબી બદલાયો અને વાળંદ બદલાયો! દરજીકામ તરફથી ડિઝાઇનર ડ્રેસ તરફની ગતિ નિહાળવા જેવી છે. દરજી હવે ફેશન-ડિઝાઇનર બનતો ચાલ્યો છે.
પ્રત્યેક ઠીકરું પોતાનો ભૂતકાળ જાળવીને ધૂળમાં પડેલું હોય છે. એ ઠીકરું કયા કુળનું? એ નળિયાના કુળનું કે માટલાના કુળનું? સુરત બાજુના પાટીદારોમાં એક વાક્યપ્રયોગ વડીલો કરતાઃ ઠીકરાં તોય બરણીનાં. એવી માન્યતા હતી કે રોટલે પહોળું અને પાંચમાં પુછાતું કોઈ ખાનદાન કુટુંબ પ્રતિકૂળ સંજોગોને કારણે ઘસાઈ જાય તોય એનાં સંતાનોમાં રહેલું આભિજાત્ય અકબંધ રહેતું હોય છે. આવા પરિવારની દીકરી લેતી વખતે કોઈ ધનવાન કુટુંબ અવઢવ અનુભવે ત્યારે પટેલિયા કહેતાઃ અરે ભાઈ, ઠીકરાં તોય બરણીનાં!’ આ વાક્યપ્રયોગમાં રહેલું શાણપણ વિદ્વાનનું નથી, પરંતુ કોઠાસૂઝ ધરાવનારા કિસાનનું છે. એ દીકરી કોઈ સામાન્ય માટીનું ઠીકરું નથી, એ તો ચીની માટીની ભાંગેલી બરણીનું કુળવાન ઠીકરું છે. સંસાર આવા ખરબચડા શાણપણ પર નભે છે. દરેક ગામમાં તમને એકાદ દાદા એવા મળશે, જે દેખાવે લઘરવઘર હોય, પરંતુ એમની પાસે શાણપણનો ખજાનો હોય. એવા કોઈ વડીલ સાથે નિરાંતે વાત માંડવી એ એવી અનુભૂતિ છે, જે કદાચ નવી પેઢીના નસીબમાં નહિ હોય. આ ક્ષણે મને એવા વડીલોના ચહેરા યાદ આવી રહ્યા છે. ગામેગામ આવા વૃદ્ધ ચહેરા ધીરે ધીરે અદશ્ય થતા રહ્યા છે. આ વાત અહીં હઠપૂર્વક ટૂંકાવવી પડી છે.
ઉત્ક્રાંતિના સંદર્ભે પ્રત્યેક માણસ એટલે બરણીનું ઠીકરું. વેદના ઋષિએ બધા માણસોને અમૃતસ્ય પુત્રાઃ કહ્યા હતા. રંગ, જાતિ જ્ઞાતિ, કોમ, ધર્મ અને દેશને નામે માનવ માનવ વચ્ચે ભેદભાવ ઊભા થયા તેમાં માનવતાનું અપમાન થયું. માનવીનો ઇતિહાસ એટલે અપમાનિત માનવતાનો ઇતિહાસ એમ કહી શકાય. ગાય, તુલસી, ગંગા, હિમાલય, ગ્રંથ અને પથ્થરમાં પવિત્રતાનું આરોપણ થયું, પરંતુ માણસ જેવો માણસ પવિત્ર ન ગણાયો. એનું શોષણ થઈ શકે. એની કતલ થઈ શકે. એ ગુલામ કે અસ્પૃશ્ય ગણાઈ શકે. ખલિલ જિબ્રાને ક્યાંક કહ્યું છે કેઃ જેને જીવનજળ પીવાનો અધિકાર મળ્યો છે તે તારા પ્રેમને પાત્ર હોવાનો જ! પ્રત્યેક માણસ આદરણીય છે, કારણ કે એ આખરે તો અમૃતનું સંતાન છે. એ ફળિયામાં રવડતું ઠીકરું હોય તોય તે બ્રહ્મની બરણીનું અત્યંત આદરણીય ઠીકરું છે. માણસની નઘરોળ ઉપેક્ષાની અનેક સદીઓના અંધકાર પછી માનવીને લોકતંત્રની ભાળ મળી છે. પૂરાં પાંત્રીસ વર્ષો સુધી ગામેગામ ફરીને ભગવાન બુદ્ધે જે વ્યાપક લોકશિક્ષણનું કાર્ય કર્યું તે ઓપન યુનિવર્સિટીના કુળનું હતું. ગંગોત્રી આગળ ઉદ્ભવ પામતી ગંગા ગમે તેટલી પવિત્ર હોય તોય એણે આખરે તો અસંખ્ય ગામોમાં રહેતા કરોડો મનુષ્યોની અને મનુષ્યેતર પ્રાણીઓની તરસ છિપાવવાનો સ્વધર્મ બજાવવો પડે છે. ગંગોત્રીથી ગંગાસાગર સુધીની જલયાત્રા એ વાસ્તવમાં ગંગામૈયાનું લોકાયન ગણાય. માનવીના આભિજાત્યનો આદર થવો જોઈએ, કારણ કે માનવી હોવું એ જેવી તેવી ઘટના નથી. માનવીના જયજયકાર વિનાનો ધાર્મિક જયજયકાર હરિનાં લોચનિયાંને આંસુભીનાં કરનારો છે. એવા ધર્મથી સાવધાન! પવનકુમાર જૈનના શબ્દો કાન દઈને સાંભળોઃ
ઓત્તારીની! પછી હું જન્મ્યો. કહો, કેવો જન્મ્યો? અહો, એવો જન્મ્યો ગંધાતી સાંકડી તિરાડમાંથી એક અળસિયું બેળે બેળે બહાર આવે તેમ, ઊંધે માથે નિર્લજ્જ, નીપટ, નાગો, તીણું-ઝીણું હાસ્યાસ્પદ કલપતો અબૂધ, આંધળો, મૂગો, ભૂખ્યો, તરસ્યો હાથપગ વીંઝી તરફડતો અવતર્યો! ત્યારે લોકોએ હરખપદૂડા થઈને પેંડા ખાધા, બોલો! (ક્રમશઃ)

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.