ટ્રમ્પ-કિમ વચ્ચે સિંગાપોરમાં ઐતિહાસિક શાંતિકરારઃ વૈશ્વિક શાંતિનો આરંભ

સિંગાપોરઃ સમગ્ર દુનિયાની જેની પર નજર હતી તે અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેની ઐતિહાસિક શાંતિમંત્રણા સફળ રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કીમ જોંગ ઉન વચ્ચેની મંત્રણા સફળ થતાં દુનિયાએ તેને વધાવી લીધી હતી. આ સાથે ૬૫ વર્ષે નોર્થ કોરિયા-અમેરિકાની દુશ્મનીનો અંત આવ્યો છે અને વૈશ્વિક શાંતિનો આરંભ થયો છે.
બન્ને દેશોના વડાઓ વચ્ચેની મંત્રણા મંગળવારે સિંગાપોરના સેન્ટોસા રિસોર્ટ આઇલેન્ડમાં યોજાઈ હતી. ૧૯૫૦-૧૯૫૩ વચ્ચે ચાલેલા કોરિયન યુદ્ધ પછી કટ્ટર દુશ્મન બનેલા બન્ને દેશોના નેતાઓએ એક મંચ પર આવીને ઐતિહાસિક કરારની જાહેરાત કરી હતી. મુલાકાત દરમિયાન બન્ને નેતાઓએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કોરિયન મહાદ્વીપના સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે સમજૂતી કરી હતી.


ટ્રમ્પ અને કીમ વચ્ચે ૯૧ મિનિટની મુલાકાતમાં કિમ મિસાઇલ ટેસ્ટિંગ સાઇટોનો નાશ કરવા સંમત થયા હતા. બીજી બાજુ અમેરિકા નોર્થ કોરિયાને સુરક્ષા આપવા અને સાઉથ કોરિયા સાથેની વોર ગેમ્સ બંધ કરવા સંમત થયા હતા. જોકે અમેરિકી લશ્કરને હાલ કોરિયન મહાદ્વીપમાંથી પરત ખેંચવામાં આવશે નહિ. નોર્થ કોરિયા સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરશે નહિ ત્યાં સુધી તેના પર મુકાયેલા આર્થિક પ્રતિબંધો યથાવત્ રહેશે.
નોર્થ કોરિયાના સંપૂર્ણ પરમાણુ નિઃશસ્ત્રીકરણની તપાસ માટે એક ટીમ રચાશે, જેમાં અમેરિકા અને ઇન્ટરનેશનલ ઓફિસરોનો સમાવેશ કરાશે.
પત્રકાર પરિષદને સંબોધતાં ટ્રમ્પે જણાવ્યું કે નવા ભવિષ્ય તરફ પગલું ભરવા માટે હું કિમનો આભાર વ્યક્ત કરું છુ.ં અમે અમારા દેશોના ઇતિહાસમાં નવું પ્રકરણ લખવા તૈયાર છીએ. મને વિશ્વાસ છે કે ઇતિહાસે સાબિત કર્યું છે કે ગમે તેવા કટ્ટર દુશ્મનો પણ મિત્રો બની શકે છે. મેં કિમને વ્હાઇટ હાઉસની મુલાકાતનું આમંત્રણ આપ્યું છુ.ં હું પણ ભવિષ્યમાં પ્યોંગયાંગની મુલાકાત લઈશ. મને વિશ્વાસ છે કે કિમ પરમાણુ નિઃશસ્ત્રીકરણનું વચન પાળશે. મેં તેમને કહ્યું છે કે આઇ ટ્રસ્ટ યુ. અમે દુનિયાની સૌથી ભયજનક સમસ્યાનો ઉકેલ લાવવા જઈ રહ્યા છીએ.
ઐતિહાસિક મંત્રણા દરમિયાન બન્ને દેશો યુદ્ધમાં લાપતા બનેલા નાગરિકો અને યુદ્ધકેદીઓના અવશેષો પુનઃ પ્રાપ્ત કરવા સંમત થયા હતા.
ઐતિહાસિક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા પછી કિમે કહ્યું કે અમે ભૂતકાળનેે પાછળ છોડી દીધો છે. દુનિયા હવે મહત્ત્વના બદલાવ તરફ જઈ રહી છે.
સિંગાપોરમાં બન્ને નેતાઓ વચ્ચે કુલ બે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ઉચ્ચ પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં કિમને સવાલ કરવામાં આવ્યો કે શું તમે પરમાણુશસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરશો, તેના જવાબમાં કિમે ફક્ત સ્મિત કર્યું હતું. તેમણે કહ્યું કે આ કામમાં હજી ઘણી મુશ્કેલી આવશે, પણ અમે ટ્રમ્પ સાથે કામ કરીશું.
બન્ને નેતાઓ વચ્ચે મંત્રણા પછી સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. બન્ને નેતાઓએ ઉમળકાભેર ૧૨ સેકન્ડ હસ્તધૂનન કર્યું હતું. સિંગાપોરની હોટેલમાં બન્ને નેતાઓ જૂના મિત્રની જેમ ટહેલતા જોવા મળ્યા હતા. ટ્રમ્પે કિમને પોતાની ૨૦ લાખ ડોલરની હાઈટેક કાર બતાવી હતી.