ટ્રમ્પનો હાર માનવા ઇન્કાર, સંરક્ષણ મંત્રી બદલ્યા, કાશ પટેલ ડિફેન્સ સેક્રેટરીના વડા

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિ જો બિડેન દેશનું સુકાન સંભાળવા જઇ રહ્યા છે તો બીજી બાજુ પરાજિત ડોનાલ્ડ ટ્રમ્પ હારને ગળે ઉતારવા તૈયાર નથી. એટલું જ નહિ તેમણે તો પોતાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરની હકાલપટ્ટી પણ કરી દીધી છે અને તેમની જગ્યાએ ક્રિસ્ટોફર સી મિલ્સની નિમણૂકની જાહેરાત કરી છે. રિપબ્લિકન નેશનલ કમિટીના પ્રમુખ રોન્ના મેકડેનિયલે કહ્યું હતું કે આ ચૂંટણી પૂરી થઇ નથી. અમે મતની ગણતરી યોગ્ય અને પ્રમાણિકતાથી કરાય તે માટેની પ્રક્રિયા શરૂ કરી છે. અમે આ ચૂંટણીમાં જ નહિ પરંતુ આગામી અનેક ચૂંટણીમાં વિશ્વાસ ધરાવતાં તમામ અમેરિકનોના અધિકારો માટે લડાઇ કરી રહ્યા છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર સલાહકાર મેકએનાનીએ ડેમોક્રેટિક પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં એક જ પાર્ટી વોટર આઇડી, સિગ્નેચર ચકાસવાનો, નાગરિકતા, રેસીડેન્સી અને પાત્રતાનો વિરોધ કરે છે. આ પાર્ટી મતગણતરીના રૂમમાંથી નિરીક્ષકોને બહાર રાખવાનો પ્રયાસ કરે છે. તેમણે લોકોને અપીલ કરી છે કે આ ફ્રોડ છે અને તમે તેને આવકારી રહ્યા છે. તમે ગેરકાયદેસર મતગણતરીને આવકારો છો.

જોકે બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે ટ્વિટર પર તેમના સંરક્ષણ મંત્રીની એસ્પરની હકાલપટ્ટીની  અને ક્રિસ્ટોફર સી મિલરની નિમણૂકની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી નવેમ્બરની રેસ હારી ગયાનો ઇનકાર કરે છે. તેઓ અનેક રાજ્યોમાંથી કાનૂની લડતનો પેંતરો શરૂ કર્યો છે. પરંતુ તેમની પાસે મતદાનમાં ગેરરીતિના કોઇ ચોક્કસ પૂરાવા ન હોવાથી તેમના દાવા ટકે તેમ નથી. જોકે પરિણામો સ્વીકારવાના તેમના ઇન્કારનો મતલબ એમ થયો કે ચૂંટણીના વિવાદો અઠવાડિયા સુધી ખેંચાઇ શકે છે કેમ કે રાજ્યોના આંકડા ડિસેમ્બરના મધ્ય સુધી જાહેર થવાના છે. પ્રમુખ ટ્રમ્પે અનેક વખત પાયાવિહોણાં દાવા કર્યા છે કે ડેમોક્રેટિક પક્ષે ચૂંટણીમાં ગેરરીતિનો પ્રયાસ કર્યો છે. અમેરિકી મીડિયાના અંદાજો મુજબ, જો બાયડને ઓછામાં ઓછા ૨૯૦ ઇલેક્ટોરલ કોલેજ મતો જીત્યા છે.

અમેરિકામાં રહેતા ગુજરાતીઓમાં ખાસ પ્રતિભા ધરાવતા પટેલ સમાજના કાશ પટેલને ટ્રમ્પ વહીવટી તંત્રે કાર્યકારી યુએસ ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે નિમ્યા હતા. પ્રમુખ ટ્રમ્પે ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પરને હોદ્દા પરથી દૂર કર્યાના બીજા દિવસે કાશ પટેલની નિમણુંક કરાઇ હતી. એસ્પરની જગ્યાએ કાર્યકારી સેક્રેટરી તરીકે ક્રિસ મિલરને મૂક્યા હતા જે ઓ નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરના વડા હતા.

મિલરે નવી ભૂમિકા અને હોદ્દાનો ચાર્જ સોમવારે લીધો હતો, એમ પેન્ટાગોને એક યાદીમાં કહ્યું હતું. ‘હાલમાં નેશનલ સીક્યુરિટી સ્ટાફમાં સેવા આપી રહેલા કાશ પટેલને કાર્યકારી સેક્રેટરી મિલરે તેમના સ્ટાફના વડા તરીકે નિમ્યા હતા’ એમ પેન્ટાગોને જાહેરાત કરી હતી. તેઓ સ્ટુઅર્ટની જગ્યાએ આવ્યા છે જેમણે એક દિવસ અગાઉ આ હોદ્દો છોડયો હતો. કાશ પટેલ તરીકે ઓળખાતા કશ્યપ પ્રમોદ પટેલ હાઉસ પરમાનેન્ટ સિલેક્ટ કમિટીમાં આતંકવાદી વિરોધી પરિષદના કાઉન્સિલ હતા. ેજૂન, ૨૦૧૯માં ૩૯ વર્ષના કાશ પટેલને  વ્હાઇટ હાઉસસ્થિત નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કાઉન્ટર ટેરેરિઝમ ડાયરેકટર તરીકે નિમવામાં આવ્યા હતા.  ન્યુ યોર્કમાં જન્મેલા કાશ પટેલના માતા-પિતા  પૂર્વ આફ્રિકાથી આવ્યા હતા. તેમના માતા ટાન્ઝાનિયાના અને પિતા યુગાન્ડાના છે. તેઓ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા આવ્યા હતા. તેમનો પરિવાર ન્યુ યોર્કના ક્વિન્સમાં આવીને વસ્યો હતો જે મિનિ ભારત તરીકે ઓળખાય છે. કાયદાનો અભ્યાસ કર્યા પછી તેઓ ફલોરિડા ગયા હતા જ્યાં ચાર વર્ષ સુધી સરકારી વકીલ તરીકે કામગીરી બજાવી હતી. ત્યાર પછી  ફેડરલ પ્રોસીક્યુટર તરીકે પણ ચાર વર્ષ સુધી સેવા બજાવી હતી