ટ્રમ્પના માર્ગે બાયડેન, પાકિસ્તાનના ‘બૂરે દિન’

 

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે જો બાયડેન આવવા છતાં પાકિસ્તાનના અચ્છે દિન આવ્યા નથી. ટ્રમ્પ બાદ હવે બાયડેન પ્રશાસને પણ પાકિસ્તાનને મળનારી સુરક્ષા સહાયતા રોકી છે. પેન્ટાગોન તરફથી કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાયડેને પાકિસ્તાનને અપાતી સુરક્ષા સહાયતાને રોકી રાખવાની પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિને જાળવી રાખી છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે પ્રશાસન ભવિષ્યમાં પોતાના વલણને બદલાવશે કે  નહીં. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૧૮માં પાકિસ્તાનને અપાનારી તમામ સુરક્ષા સહાયતા પર રોક લગાવતાં કહ્યું હતું કે તે આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનની ભૂમિકા અને તેના તરફથી મળતા સહયોગથી સંતુષ્ટ નથી.

પેન્ટાગોનના પ્રેસ સચિવ જોન કિર્બીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પાકિસ્તાનને અમેરિકા તરફથી મળનારી સહાય હજુ પણ રોકાયેલી જ છે. આગળ તેમાં કોઈ બદલાવ થશે કે નહીં તે અંગે હું કંઈ કહેવા માગતો નથી. 

કિર્બીને સવાલ કરવામાં આવ્યો હતો કે બાયડેન પ્રશાસને આ વિષય અંગે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રશાસનની નીતિ અંગે કોઈ સમીક્ષા કરી છે કે નહીં. કિર્બીએ કહ્યું હતું કે આથી પહેલાં સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટિને પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવા સાથે વાત કરી હતી. ઓસ્ટિને જનરલ બાજવા સાથે સંયુક્ત હિતો અને લક્ષ્યો અંગે ચર્ચા કરી હતી.