ટ્રમ્પના ભારતમાં આગમન પહેલાં અમેરિકી અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’નો અહેવાલ

 

વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા દુનિયાના અનેક દેશોની જાસૂસી થતી રહે છે, એ વાત વધુ એક વખત સાબિત થઈ છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ) દ્વારા લાગલગાટ ૨૫ વર્ષ સુધી ભારત અને દુનિયાના બીજા અનેક દેશોની જાસૂસી થઈ હોવાનો અહેવાલ અમેરિકી અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટે’  અને જર્મન ટેલિવિઝન ચેનલ ‘ઝેડડીએફ’ દ્વારા સંયુક્ત રીતે રજૂ કરાયો છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ભારત આવવાની તૈયારી કરી રહ્યા છે, એ દરમિયાન આ અહેવાલ આવતાં બંને દેશના ડિપ્લોમેટ્સ શું જવાબ આપવો અને શું ખુલાસો કરવો એ વાતે મૂંઝવણમાં મુકાયા છે. અમેરિકાની સીઆઇએ અને જર્મનીની ‘ફેડરલ ઇન્ટેલિજન્સ સર્વિસે’ સંયુક્ત રીતે ૧૯૯૩માં ‘ક્રિપ્ટો એજી’ નામની કંપની પોતાના કબજામાં લીધી હતી. મૂળ કંપની તો છેક ૧૯૬૦માં એક રશિયન નાગરિકે સ્થાપી હતી, જેના પર બાદમાં અમેરિકા-જર્મને કબજો લઈ લીધો હતો, પરંતુ કબજા પાછળ બંને દેશની જાસૂસી સંસ્થાઓ છે એ વાત અત્યારસુધી ગુપ્ત રહી હતી. ક્રિપ્ટો એજીનું કામ કોમ્યુનિકેશન સિક્યોરિટીનાં સાધનો અને સર્વિસ પૂરી પાડવાનું હતું. આ કંપની ૨૦૧૮માં વિખેરી નખાઈ હતી. 

ક્રિપ્ટો એજી પાસેથી સર્વિસ-પ્રોડક્ટ ખરીદનારા કુલ ૧૨૦ જેટલા ગ્રાહકો હતા, જેમાં ભારત અને પાકિસ્તાન જેવા ૬૨ દેશોનો પણ સમાવેશ થાય છે. ભારત દુનિયાભરમાં ફેલાયેલા એના ડિપ્લોમેટ્સ સાથે કોમ્યુનિકેશન માટે આ કંપનીનાં સાધનોનો ઉપયોગ કરતું હતું, એટલે કે ભારતની વાતચીત આ કંપનીના સાધનોમાં રેકોર્ડ થતી હતી અને કંપની ખુદ સીઆઇએ-બીએનડીની હતી, એટલે છેવટે વાત ક્યાં પહોંચતી હોય એ સમજી શકાય છે. કંપનીનું હેડક્વાર્ટર અમેરિકા કે જર્મનીને બદલે સ્વિટ્ઝર્લેન્ડમાં  હતું, જેથી એના પર કોઈને શંકા ગઈ ન હતી.

૧૯૮૨માં બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે ફાલકાલેન્ટ ટાપુ પર કબજા મુદ્દે યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં ંછેવટે બ્રિટનનો વિજય થયો હતો. આ વિજયમાં સીઆઇએ દ્વારા અપાયેલી ગુપ્ત માહિતીનો મોટો ફાળો હતો અને સીઆઇએને એ ગુપ્ત માહિતી પોતાની કંપનીના આર્જેન્ટિનાને વેચેલાં કોમ્યુનિકેશન સાધનો દ્વારા મળી હતી, એટલે અમેરિકાની જાસૂસી તેના મિત્ર દેશ બ્રિટનને યુદ્ધ જીતવામાં મદદરૂપ થઈ હતી. 

શું જાસૂસી થઈ હશે એ વાત ક્યારેય બહાર આવે નહિ, કેમ કે જાસૂસી કરનાર કે જેમની જાસૂસી થઈ હોય એ ક્યારેય શું ગુમાવ્યું કે મેળવ્યું એ જણાવે નહિ. અમેરિકી અખબારના અહેવાલમાં પણ એ સ્પષ્ટતા નથી કે શું શું જાસૂસી થઈ છે. ભારતનો કોઈ સંવેદનશીલ સંદેશાવ્યવહાર આ સાધનો દ્વારા લીક થયો હશે કે કેમ એ અંગે પણ અત્યારે કશું કહી શકાતું નથી, પરંતુ સંજોગો જોતાં સરકાર એવો ખુલાસો કરશે કે કોઈ મહત્ત્વની વાત લીક થઈ નથી, પરંતુ અહેવાલ સાથે ઇરાન અને ઇજિપ્તના અધિકારીઓની ડિપ્લોમેટિક વાતો આંતરીને જાસૂસી થઈ હોવાનો વોશિંગ્ટન પોસ્ટે ખુલાસો કર્યો છે.