

(પ્રતિનિધિ દ્વારા)
ટોરન્ટોઃ ટોરન્ટોમાં ગ્લોબલ ગુજરાતી નેટવર્ક (જીજીએન) દ્વારા 25મી મેએ ગ્રેટર ટોરન્ટો એરિયામાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડ એનાયતના ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુનિયાભરમાં વસતા વેપારઉદ્યોગ, આરોગ્ય વિજ્ઞાન, કલા-માધ્યમ સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણી મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમારંભમાં 200થી વધુ અગ્રણીઓ વિજેતાઓના સન્માન માટે હાજર રહ્યા હતા, જેમાં ચૂંટાયેલા સત્તાવાળાઓનો સમાવેશ થતો હતો.
ગ્લોબલ ગુજરાતી નેટવર્કની સ્થાપના વિપુલ જાની દ્વારા કરવામાં આવી હતી, જે ઇન્ડો-કેનેડિયન પત્રકાર છે અને કેનેડાના સૌથી જૂના ગુજરાતી અખબાર ‘ગુજરાત એબ્રોડ’ના સ્થાપક પણ છે.

ગ્લોબલ ગુજરાતી એવોર્ડ પુરસ્કર્તાઓમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ભારતીય-અમેરિકન ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ (ન્યુ યોર્ક), જાણીતા ભારતીય-કેનેડિયન લેખક એમ. જી. વાસનજી, ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર-ડિરેક્ટર-પ્રોડ્યુસર સિદ્ધાર્થ રાંદેરિયા, યુકેના એશિયન બિઝનેસ પબ્લિકેશન્સના ફાઉન્ડર સી. બી. પટેલ, ભારતના કેનેડાસ્થિત હાઈ કમિશનર નાદીર પટેલ, અમદાવાદની શેલ્બી હોસ્પિટલ્સના ફાઉન્ડર-ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડો. વિક્રમ શાહ, શેલ્બી હોસ્પિટલ્સનાં ડિરેક્ટર ડો. દર્શિની વિક્રમ શાહ, અમેરિકાના ઉદ્યોગસાહસિક-દાતા સુનીલ નાયક, મોઝામ્બિકની ગ્લોબલ રિટેઇલ-હોલસેલ ગ્રોસરી ચેન ‘કોજેફ’ ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન રીઝવાન આડતિયા, કેનેડાની ઇન્ડિયન ફૂડ એન્ડ સ્નેક પ્રોડક્શન ચેઇન સુરતી સ્વીટ માર્ટના હરેન શેઠનો સમાવેશ થતો હતો. ગુજરાતી સમુદાય અને ગ્લોબલ ગુજરાતી નેટવર્કના સમર્થનમાં અને અભિનંદન આપતા વિવિધ સંદેશાઓનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેનેડાના વિપક્ષના નેતા એન્ડ્રુ શિયર, કેનેડાસ્થિત ભારતીય હાઈ કમિશનર વિકાસ સ્વરૂપ અને તેમના કેનેડિયન કાઉન્ટરપાર્ટ નાદીર પટેલ, ટોરન્ટોમાં ભારતીય કોન્સલ જનરલ દિનેશ ભાટિયાના સંદેશાઓનો સમાવેશ થતો હતો. કેનેડિયન સાંસદ યાસ્મીન રતનસી (લિબરલ પાર્ટી) પણ આ સમારંભમાં હાજર રહ્યા હતા, જેમને આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
આ સમારંભની શરૂઆતમાં લાંબા સમયથી સેવા આપનારા ઇન્ડો કેનેડિયન સાંસદ દીપક ઓબેરોય (પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટી) પણ હાજર રહ્યા હતા.

ભારતના હાઈ કમિશનર સ્વરૂપ સહિત વિવિધ વક્તાઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ એવો એવોર્ડ છે, જેનો સમય આવી ગયો છે. ભારતીય હાઈ કમિશનર સ્વરૂપે પોતાના વિડિયો સંદેશામાં જણાવ્યું હતું કે ગુજરાતીઓએ દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે અને નવી પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે.
એવોર્ડ પુરસ્કર્તા મહાનુભાવોએ એવોર્ડ સ્વીકાર્યા પછી પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કેટલાક એવોર્ડ પુરસ્કર્તા મહાનુભાવો ઉપસ્થિત રહી શક્યા નહોતા, જેઓએ પોતાના વિડિયો સંદેશાઓ મોકલાવ્યા હતા અને સન્માન બદલ આયોજકોનો આભાર માન્યો હતો.

ડો. સુધીર પરીખના જીવન વિશેનો વિડિયો દર્શાવવામાં આવ્યો હતો, જેમાં તેઓની ઉદ્યોગસાહસિકતા અને દાનવીર તરીકેની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવામાં તેમણે ભજવેલી ભૂમિકા પણ દર્શાવવામાં આવી હતી.
પરીખ વર્લ્ડવાઇડ મિડિયા દ્વારા પાંચ સાપ્તાહિકો, મેગેઝિન અને જર્નલ પ્રકાશિત કરવામાં આવે છે. પરીખ વર્લ્ડવાઇડ મિડિયાએ તાજેતરમાં ટેલિવિઝન ચેનલ આઇટીવી ગોલ્ડ હસ્તગત કરી છે. ડો. સુધીર પરીખ ટ્રાયસ્ટેટ એરિયામાં એલર્જી અને ઇમ્યુનોલોજીના 22 ક્લિનિકો ચલાવે છે. તેઓ દાયકાઓથી અમેરિકા-ભારત વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાની કામગીરી બજાવી રહ્યા છે. તેઓ વિવિધ અગ્રણી ચેરિટી સંસ્થાઓને સહાય કરી રહ્યા છે.
ડો. પરીખે એવોર્ડ સ્વીકાર્યા પછી પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે મને અત્યાર સુધી પ્રાપ્ત થયેલા અનેકવિધ એવોર્ડ્સમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ગુજરાતી એવોર્ડ છે, કારણ કે તે મારાં ભાઈઓ અને બહેનો દ્વારા મને પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે અમેરિકામાં હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં એક તૃતીયાંશ ભાગ ગુજરાતીઓની માલિકીનો છે અને ભારતમાં સૌથી શ્રીમંત ઉદ્યોગગૃહો ગુજરાતીઓ દ્વારા સંચાલિત છે.
ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે દરેક ગુજરાતીને મારી નમ્ર વિનંતી છે કે તમે દર પાંચ વર્ષે, દસ વર્ષે તમારી જાતમાં પુનઃ શોધ કરવાનું જાળવી રાખો. આ ઉપરાંત ચાલો આપણે બધા આપણાં પરોપકારી કાર્યો દ્વારા ભારતને સહાયરૂપ થવા માટે ભેગા થઈએ.
એમપી રતનસીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે સમાજમાં આંતરરાષ્ટ્રીય ગુજરાતી સમુદાયનું માતબર પ્રદાન છે. વાઇબ્રન્ટ ગુજરાતની ઉજવણી દરમિયાન તેમણે ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતી આતિથ્ય મહેમાનગતિ માણી છે.
વિપુલ જાનીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે હું તમામ એવોર્ડ પુરસ્કર્તાઓનો આભારી છે, જેમણે પોતાના ક્ષેત્રોમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે અને મારા આમંત્રણને માન આપીને દુનિયાભરમાંથી કેનેડા આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. આપણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડો. વિક્રમ સારાભાઈ, ટાટા, અંબાણી, અદાણી, મોદી, પ્રેમજી…. વગેરે મહાનુભાવો પર ગૌરવ અનુભવીએ છીએ.
સમારંભ દરમિયાન ધ તબલા હાઉસ, ઇન્ફયુઝન આર્ટિસ્ટ્રી, સ્પંદન ડાન્સ વૃંદ દ્વારા મનોરંજન કાર્યક્રમ પણ યોજાયો હતો. સમારંભનું સંચાલન અમીન ધિલોન અને જયમીન ઠક્કરે કર્યું હતું.