ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પહેલવાન રવિ દહિયાએ રંગ રાખ્યો

 

ટોકિયોઃ ભારતીય પહેલવાન રવિકુમાર દહિયાએ બુધવારે ટોક્યો ઓલિમ્પિકના કુસ્તીના પ૭ કિલો વર્ગની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. ઓલિમ્પિક કુસ્તીની ફાઇનલમાં પહોંચનારો તે સુશીલકુમાર બાદનો બીજો ભારતીય પહેલવાન છે. 

આજે રમાયેલી સેમિ ફાઇનલમાં રવિએ  કઝાકિસ્તાનના પહેલવાન નૂરઇસ્લામ  સાનાયેવ વિરુદ્ધ આખરી ક્ષણોમાં અદ્ભુત વાપસી કરીને ઐતિહાસિક જીત સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. એક સમયે રવિ ૨-૯ પોઇન્ટથી પાછળ હતો, પણ આખરી સેકન્ડોમાં તેણે એવો દાવ ખેલ્યો કે કઝાક પહેલવાન ચત્તોપાટ થઇ ગયો હતો. જો રવિ ફાઇનલ મુકાબલો પણ જીતી લેશે તો તે નિશાનેબાજ અભિનવ બિન્દ્રા બાદ વ્યક્તિગત રીતે સુવર્ણ ચંદ્રક જીતનારો ભારતનો બીજો ખેલાડી બની જશે. કોરોનાથી પહેલાં દિલ્હીમાં એશિયન રેસલિંગ સ્પર્ધામાં રવિકુમારે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. લવલીના બોરગોહેન ૬૯ કિલોગ્રામ કેટેગરીમાં સેમિ ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન તુર્કીની બુસેનાફ સુરમેનેલી સામે પરાજિત થતાં તેને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડયો છે. ઓલિમ્પિકમાં આવું પરાક્રમ કરનારી તે મેરિ કોમ બાદ બીજી ભારતીય મુક્કેબાજ બની છે.