ટેકસાસ પ્રાઇમરીની ચૂંટણીમાં ઝંપલાવતા શ્રી પ્રિસ્ટન કુલકર્ણી

ન્યુ યોર્કઃ ટેક્સાસ પ્રાઇમરીની ચૂંટણીમાં છઠ્ઠી માર્ચે ઘણા ભારતીય-અમેરિકનોએ ભાગ લીધો હતો, પરંતુ એકમાત્ર શ્રી પ્રિસ્ટન કુલકર્ણી જ રનઓફ સુધી પહોંચી શક્યા છે. ટેક્સાસના 22મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં કુલકર્ણીને ડેમોક્રેટિક પ્રાઇમરીમાં 31.8 ટકા મત મળ્યા હતા જે આગામી ઉમેદવાર લેટિટિયા પ્લમર કરતાં 7.5 ટકા વધારે છે. લેટિટિયા પ્લમરને ફક્ત 24.3 ટકા મત મળ્યા હતા. આ બન્ને ઉમેદવારો વચ્ચે 22મી મેએ રનઓફ ઇલેક્શન યોજાશે.

પરિણામ આવ્યા પછી કુલકર્ણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે અમે તમારા બધાના આભારી છીએ, જેમના વગર આ શક્ય બન્યું ન હોત. અમારા સમર્થનમાં નવ હજાર મતદારો આવ્યા હતા, જેમના અમે ઋણી છીએ. જ્યારે અમે આ પ્રવાસ શરૂ કર્યો હતો ત્યારે ઘણા લોકો કહેતા હતા કે આ અશક્ય છે. ઘણા લોકો તેને જોખમી ગણાવતા હતા, પરંતુ મને ખબર હતી કે મારે કશુંક કરવું છે.

તેમણે જણાવ્યું હતું કે મેં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાંથી ડિપ્લોમેટ તરીકે રાજીનામું આપ્યું હતું, જ્યાં મેં 14 વર્ષ સુધી આપણા દેશમાં ફરજ બજાવી હતી. ડિસ્ટ્રિક્ટ 22ના હજારો નાગરિકોને હું મળ્યો હતો અને કેવી રીતે પરિવર્તન લાવી શકાય તે બાબતે તેમને સાંભળ્યા હતા.
કુલકર્ણીની કેમ્પેન વેબસાઇટ પર જણાવ્યા મુજબ તેઓ સશક્ત નેતા છે, જેમણે પોતાના પરિવાર, સમુદાય અને દેશ માટે

તેમનું સમગ્ર જીવન આપ્યું છે. કુલકર્ણીનો ઉછેર હ્યુસ્ટન, ટેક્સાસમાં થયો હતો અને તેમણે 18 વર્ષની વયે કોલેજ છોડવી પડી હતી, કારણ કે તેમના પિતા-નવલકથાકાર વેંકટેશ કુલકર્ણીને લ્યુકેમિયા થયો હતો.