ટર્બન ડે નિમિત્તે ફંડરેઇઝર ઇવેન્ટનું આયોજન કરતો ન્યુ યોર્કનો શીખ સમુદાય

0
739

 

ગ્રેવાલ અને પ્રિન્સ સાથે રૂટ્સ એકેડેમી અને એયુ સપનાના ડાન્સરોએ ટાઇમ્સ સ્ક્વેર પર પરફોર્મન્સ આપ્યું હતું.

ન્યુ યોર્કઃ ન્યુ યોર્કના શીખ સમુદાય દ્વારા ટર્બન ડે નિમિત્તે ફંડરેઇઝર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘શીખ્સ ઓફ ન્યુ યોર્ક’ દ્વારા સાગા મ્યુઝિકના સંયુક્ત ઉપક્રમે 24મી માર્ચે ન્યુ યોર્ક સિટીમાં વોટ્સન હોટેલમાં ટર્બન ડે નિમિત્તે યોજાયેલા ફંડરેઇઝિંગ ડિનર દરમિયાન બે હજાર ડોલરનું ભંડોળ એકઠું કરાયું હતું. આ ડિનરમાં 250થી વધુ મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગિપ્પી ગ્રેવાલ અને રોશન પ્રિન્સ હાજર રહ્યા હતા, જેઓ પોતાના આગામી પંજાબી ફિલ્મ ‘સૂબેદાર જોગીન્દર સિંહ’ના મ્યુઝિક આલબમના લોન્ચિગ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ દાવો કયો હતો કે આ ફિલ્મ ભારતની પ્રથમ ફિલ્મ છે, જેનું મ્યુઝિક આલબમ યુનાઇટેડ સ્ટેટ્સમાં લોન્ચ થયું છે.
ગ્રેવાલ અને પ્રિન્સ સાથે રૂટ્સ એકેડેમી અને એયુ સપનાના ડાન્સરોએ ટાઇમ્સ સ્ક્વેર પર પરફોર્મન્સ આપ્યું હતું. આ ફિલ્મ સૂબેદાર જોગીન્દર સિંહના જીવન વિશે છે જે ભારતીય લશ્કરના જવાન હતા અને 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન લડ્યા હતા. આ ફિલ્મ છઠ્ઠી એપ્રિલ શુક્રવારે રિલીઝ થશે.

કાર્યક્રમ દરમિયાન ગ્રેવાલે પાઘડીનું મહત્ત્વ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે શા માટે પાશ્ચાત્ય દુનિયામાં પંજાબી ફિલ્મો લોકપ્રિય થઈ રહી છે અને શા માટે બોલીવુડ ફિલ્મોમાં પાઘડીનો આગ્રહ રાખે છે.
તેમણે જણાવ્યું હતું કે પાઘડી અમારી ઓળખનો હિસ્સો છે. તેઓ ટાઇમ્સ સ્ક્વેરમાં પંજાબી સંસ્કૃતિની ઝલક નિહાળી ખુશ થઈ ગયા હતા.
શીખ સમુદાય એક સદીથી હેરાનગતિનો ભોગ બનતો આવ્યો છે, જેની શરૂઆત 1907માં વોશિંગ્ટન સ્ટેટમાં બેલિંગહામ રમખાણોથી થઈ હતી. તાજેતરમાં નાઇન ઇલેવન પછી શીખ સમુદાય પર વંશીય હુમલાના બનાવો વધી રહ્યા છે. તેઓને ભૂલથી ક્યારેક મુસ્લિમો તરીકે ઓળખવામાં આવે છે. સન 2012માં વિસ્કોન્સીનમાં ગુરૂદ્વારામાં એક ગનમેને છ નાગરિકોની હત્યા કરી હતી.
આ વર્ષે શીખ્સ ઓફ ન્યુ યોર્ક દ્વારા 10 હજાર પાઘડી બાંધીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવાની યોજના છે.
શીખ્સ ઓફ ન્યુ યોર્ક દ્વારા છઠ્ઠો વાર્ષિક ટર્બન ડે સાતમી એપ્રિલે શનિવારે સવારે 11થી સાંજે ચાર દરમિયાન ટાઇમ્સ સ્ક્વેરમાં યોજાશે.