ટનલમાં ફસાયેલા 41 મજૂરો સુરક્ષિત બહાર આવ્યા

ઉત્તરકાશી: તૂટી પડેલી સિલ્કયારા ટનલમાં ફસાયેલા તમામ ૪૧ મજૂરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી, કેન્દ્રના રાજ્ય કક્ષાના રોડ અને પરિવહન ખાતાના પ્રધાન વી. કે. સિંહે ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા શ્રમિકોને આવકાર્યા હતા.
બચાવકાર્યકરોએ સાંજે સાત વાગ્યે ટનલમાંનો છેલ્લો કાટમાળ દૂર કરીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બધા લોકોને બોગદામાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં તબીબી તપાસ અને જરૂરી સારવાર માટે લઇ જવાયા હતા. લશ્કર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, વિદેશી એન્જિનિયર અને અન્ય દળોની સહાયથી બધા લોકોને ૪૦૦ કલાક બાદ બહાર કાઢ્યા હતા. તેમાંના એક જણને વ્હિલ ચેરમાં બહાર લાવવો પડ્યો હતો. ઉગારવામાં આવેલા બધા લોકોની તબિયત સારી હોવાનું કહેવાય છે.
ઝોજી-લા ટનલના પ્રોજેક્ટ હેડ હરપાલ સિંહે જણાવ્યું હતું કે ટનલમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા ત્યારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી, કેન્દ્રના માર્ગ પરિવહન, ધોરીમાર્ગ અને મુલકી ઉડ્ડયન વિભાગના પ્રધાન જનરલ વી. કે. સિંહ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટર, ડોક્ટરોની ટીમ તૈયાર રખાઇ હતી અને કામચલાઉ હોસ્પિટલ જેવી વિવિધ સુવિધા ઊભી કરાઇ હતી. ફસાયેલા ૪૧ જણને બહાર કઢાયા ત્યારે ત્યાં ભેગા થયેલા લોકોએ ‘હર હર મહાદેવ’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
૧૨ નવેમ્બરે યમુનોત્રી ધોરીમાર્ગ પરની ટનલનો સિલ્કયારા બાજુનો ૬૦ મીટરનો ભાગ તૂટી પડતા ૪૧ જણ બોગદામાં ફસાયા હતા. તેઓને બહાર કાઢવા ઊભું અને આડું ડ્રિલિંગ કરાયું હતું અને થોડા દિવસ પહેલાં તેઓને ખાદ્યસામગ્રી, પાણી, કપડાં, ટૂથપેસ્ટ, મોબાઇલ ફોન જેવી જરૂરિયાતની વિવિધ ચીજો પહોંચાડવામાં આવી હતી. ફસાયેલા લોકોએ પોતાના સગાંની સાથે પણ વાત કરી હતી. ઉત્તરકાશીની ટનલ દુર્ઘટનાને પગલે દેશભરમાંના બોગદાં, ખાસ કરીને નિર્માણાધીન ટનલનો નિષ્ણાતોની પાસે તપાસ કરાવવાનો આદેશ અપાયો હતો.
૧૭ દિવસથી દેશભરના લોકોની નજર ટનલમાં ફસાયેલાની સ્થિતિ પર જ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાનને બનતી દરેક પ્રકારની સહાય કરવાની બાંયધરી આપી હતી.