ઝારખંડમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી ગઠબંધનને સ્પષ્ટ બહુમતી, ભાજપે ગુમાવ્યું વધુ એક રાજ્ય

રાંચીઃ નક્કી છે કે હેમંત સોરેન ઝારખંડના નવા સીએમ બનવા જઈ રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોર્ચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે. હેમંત સોરેન ગઠબંધનના મુખ્ય નેતા તરીકે રાજ્યપાલ દ્રૌપદી મુર્મુને મળીને નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે અને તમામ ઔપચારિકતાઓ બાદ સોરેન સરકાર બની જશે. બીજી તરફ, રઘુબર દાસે હાર સ્વીકારી મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. વિપક્ષી ગઠબંધનની સામે ભાજપની રણનીતિ નબળી રહી અને ત્યાં સુધી કે પાંચ વર્ષ સુધી ઝારખંડ સરકારનો ચહેરો રહેલા રઘુબર દાસ ચૂંટણીમાં હારી ગયા છે. આ ચૂંટણીની સારી વાત એ રહી કે ઝારખંડની જનતાએ આ વખતે નવી સરકારને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. જેએમએમ, કોંગ્રેસ ને આરજેડી ગઠબંધને ૮૧ બેઠકની પ્રદેશ વિધાનસભામાં બહુમત માટે જરૂરી ૪૧ બેઠકના જાદુઈ આંકડાને પાર કરીને કુલ ૪૭ બેઠક પર કબજો કરી લીધો છે. જેએમએમને ૩૦, કોંગ્રેસને ૧૬, જ્યારે આરજેડીને એક બેઠક પર જીત મળી છે. ૨૦૧૪ની ચૂંટણીમાં રાજ્યમાં ભાજપ, ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (આઝસુ) ગઠબંધનને ૪૨ બેઠક મળી. ત્યારે ભાજપને ૩૭ ને સુદેશ મહતોની પાર્ટી આઝસુને બેઠક મળી હતી, એટલે કે બહુમતના જરૂરી આંકડા કરતાં એક વધારે. વર્ષ ૨૦૦૦, ૨૦૦૫ ને ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષ અથવા ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ ન મળ્યો અને ન કોઈ સીએમ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા. ૨૦૧૪ની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપના ગઠબંધને સ્પષ્ટ જનાદેશની સાથે રઘુબર દાસની સરકાર બનાવી, જેણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.