ઝવેરચંદ મેઘાણીની 71મી પુણ્યતિથિઃ એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં મેઘાણી-ગીતો ગુંજ્યાં

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. ગુજરાતી સાહિત્યમાં વિહરતું એક અણમોલ નામ. નવમી માર્ચે તેમની 71મી પુણ્યતિથિ હતી. આ દિવસે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બોટાદમાં આ દિવસે સુરક્ષા સેતુ સોસાયટી, બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ‘મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. દસ હજાર કરતાં પણ અધિક વિશાળ માનવી મેદનીએ મોડી રાત સુધી આ કાર્યક્રમને રસપૂર્વક માણ્યો હતો, જેમા યુવા પેઢીની વિશેષ ઉપસ્થિતિ રહી.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમનાં માતા કુસુમબહેન મેઘાણી, બોટાદ જિલ્લા પોલીસ અધીક્ષક સજનસિંહ પરમાર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહ, બોટાદ નગરપાલિકા પ્રમુખ બીનાબહેન મહેતા અને ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓ, નગરજનો અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં યોજાયેલા ‘મેઘાણી વંદના’ (કસુંબલ લોકડાયરા)માં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, દમયંતીબહેન બરડાઈ, રાધાબહેન વ્યાસ, નીલેશ પંડ્યા અને નવનીત શુક્લાએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી. લોકસાહિત્યકાર-વાર્તાકાર ગોપાલ બારોટે ઝવેરચંદ મેઘાણીના જીવન-સાહિત્ય વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરી હતી. દુહા-છંદની રમઝટ બોલાવીને અભેસિંહ રાઠોડે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. વિશ્વ મહિલા દિનના અવસરે અભેસિંહ રાઠોડે મેઘાણીનું લોકપ્રિય કાવ્ય ‘ચારણ કન્યા’ રજૂ કરીને નારીશક્તિની વંદના કરી. આ ઉપરાંત તેમણે ‘મોર બની થનગાટ કરે’, ‘શિવાજીનું હાલરડું’, ‘સૂના સમદરની પાળે’, ‘દરિયો ડોલે રે માઝમ રાતનો’, ‘બાઈ એક ત્રાજવડાં ત્રોફણ હારી આવી’ જેવાં અમર મેઘાણી-ગીતોની હૃદયસ્પર્શી રજૂઆત કરીને અભેસિંહ રાઠોડે સૌને ડોલાવી દીધા.

આ ઉપરાંત અભેસિંહભાઈએ ‘રઢિયાળી રાત’માંથી ‘બાર બાર વરસે નવ્વાણ ગળાવ્યાં’, ‘ના છડિયાં હથિયાર’ તથા ‘વેરણ-ચાકરીનાં આભમાં ઝીણી ઝબૂકે વીજળી’, ‘આવી રૂડી અજવાળી રાત’, ‘આવડાં મંદિરમાં’, ‘માડી હું બાર બાર વરસે આવિયો’ તથા ‘સોરઠી સંતવાણી’માંથી જેસલ-તોરલનાં ભજનોની રજૂઆત પણ કરી હતી.

કાર્યક્રમને આગળ ધપાવતાં દમયંતીબહેન બરડાઈએ ‘હું દરિયાની માછલી’, ‘કાળી કૂતરીને આવ્યાં ગલુડિયાં’ જેવાં મેઘાણી-ગીતો અને લોકગીત ‘સામે કાંઠે વેલડાં’ તથા ગંગાસતીનાં ભજનોની ઝમકદાર રજૂઆત કરી હતી. રાધાબહેન વ્યાસે ‘કાન તારી મોરલી’ તથા નીલેશ પંડ્યાએ ‘સવા બશેરનું મારું દાતરડું’, ‘વા વાયા ને વાદળ ઊમટ્યાં’ જેવાં સદાબહાર લોકગીતો રજૂ કર્યાં હતાં.

ભજનિક નવનીત શુક્લાને કેમ ભુલાય? તેમણે ‘જીયો વણઝારા’ અને ‘પૂરવ જનમની પ્રીત્યુ’ જેવી પ્રાચીન સંતવાણી રજૂ કરીને સૌને ભાવવિભોર બનાવી દીધા. આજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત સદાબહાર લોકપ્રિય ગીત ‘કસુંબીનો રંગ’ કલાકારોએ રજૂ કરીને કાર્યક્રમને વિરામ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલાં), ગૌતમ પરમાર (ઢોલક), ઈશાક (બેન્જો), ચંદુ પરમાર – જગદીશ વાઘેલા (મંજીરા)એ બખુબી સાથ આપ્યો હતો.

વિશ્વભરમાં વસતા 97000 જેટલા ભાવિકોએ ઝવેરચંદ મેઘાણીના આ ભાવાંજલિ કાર્યક્રમને ઇન્ટરનેટ પર પણ માણ્યો હતો.
ગુજરાતના સાહિત્ય-સંસ્કૃતિપ્રેમી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીને તેમની 71મી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ અર્પણ કરી હતી તથા ‘મેઘાણી વંદના’ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ મેઘાણીને ભાવાંજલિ આપતાં પિનાકીભાઈને લખ્યું હતું કે ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને એમની ચિરકાલીન કૃતિઓ ગુજરાતી ભાષાની વિશિષ્ટ ઓળખ છે. સ્મરણ માત્ર વંદનીય ન રહી, સમાજ અને નવી પેઢી માટે માર્ગદર્શક અને ઉપયોગી બની રહે તે દિશામાં થતા આપના તમામ પ્રયત્નોને વધાવું છું.’

નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ, સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી સતત આઠમા વર્ષે આ પ્રેરક આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીનો જન્મ પોલીસ-લાઇનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું ‘લાઇન બોય’ તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. આ કાર્યક્રમ માટે બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિપ્રેમી પોલીસ અધીક્ષક સજનસિંહ પરમાર તથા સમગ્ર બોટાદ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો હતો.

બોટાદ પાસે આવેલા સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડનો સતત લાગણીભર્યો સહયોગ રહ્યો છે.
કર્મ-નિવાર્ણભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુરમાં મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ હતી.