જ્યાં રામ છે ત્યાં અયોધ્યા, જ્યાં તમે ત્યાં મારો તહેવાર’ વડાપ્રધાને સૈનિકો સાથે ઉજવી દિવાળી

હિમાચલ પ્રદેશઃ દર વર્ષે દેશના બહાદુર જવાનો સાથે દિવાળી મનાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ હિમાચલ પ્રદેશના લેપચા ગામમાં દેશના જવાનો સાથે દિવાળી મનાવી હતી. વડાપ્રધાને જવાનોને મીઠાઈ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને સેનાના જવાનોને કહ્યું હતું કે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરેલા છો. તમે માનો છો કે 140 કરોડ લોકોનો આ મોટો પરિવાર તમારો પોતાનો છે. આ માટે દેશ તમારો ઋણી છે. જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. મારા માટે જ્યાં આપણી સેના તૈનાત છે તે જગ્યા મંદિરથી ઓછી નથી. તમે જ્યાં છો ત્યાં મારો ઉત્સવ છે. દેશભરમાં દિવાળી દરમિયાન તમારી સુખાકારી માટે પણ દીવો પ્રગટાવવામાં આવે છે.
આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, ‘છેલ્લા 30-35 વર્ષમાં એક પણ દિવાળી એવી નથી કે જે મેં સેનાના જવાનો સાથે ઉજવી ન હોય. હું જ્યારે વડાપ્રધાન કે મુખ્યમંત્રી ન હતો ત્યારે પણ તહેવારોમાં બોર્ડર પર જતો હતો.
સુદાન હોય કે તુર્કી હોય કે અન્ય કોઇ દેશ હોય, સંકટના સમયે આપણી સેના દેશના લોકો તેમજ વિદેશીઓની મદદ કરે છે અને તેમને બચાવે છે. આજે વિશ્વમાં જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેના કારણે વિશ્વની આપણી પાસેથી અપેક્ષાઓ વધી રહી છે. આવી સ્થિતિમાં દેશની સરહદો સુરક્ષિત રહે અને દેશમાં શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે. જ્યાં સુધી મારા જવાનો હિમાલયની જેમ સરહદ પર અડગ રહેશે ત્યાં સુધી ભારત સુરક્ષિત છે, એમ જણાવતા મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિ પરિવારને યાદ કરે છે, પરંતુ તમારા ચહેરા પર ઉદાસી દેખાતી નથી. તમારામાં ઉત્સાહની કમીનો કોઈ સંકેત નથી. મોદીએ કહ્યું કે આપણા સૈનિકો પાસે હંમેશા આ બહાદુર વસુંધરાનો વારસો રહ્યો છે, તેમની છાતીમાં તે આગ છે, જેણે હંમેશા બહાદુરીના ઉદાહરણો ઉભા કર્યા છે. આપણા સૈનિકો હંમેશા પોતાનો જીવ જોખમમાં મૂકીને સૌથી આગળ ચાલ્યા છે. આપણા જવાનોએ હંમેશા સાબિત કર્યું છે કે તેઓ સરહદ પર દેશની સૌથી મજબૂત દિવાલ છે.
વડા પ્રધાને ઇન્ડો – તિબેટિયન બોર્ડર પોલીસનો ગણવેશ પહેર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે બધા સૈનિકોની સલામતી માટે એક દીવો પ્રગટાવીશું અને તમારા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરીશું. દેશના સૈનિકો સરહદ પર હિમાલયની જેમ અડીખમ ઊભા રહીને દેશનું રક્ષણ કરી રહ્યા છે. આપણા જવાનોએ અનેક યુદ્ધ જીત્યા છે અને દરેક પડકારનો સામનો કરીને વિજય મેળવ્યો છે.
મોદીએ જણાવ્યું હતું કે,ભારતીય સૈનિકોએ તુર્કીના ભૂકંપ વખતે પણ સારી બચાવ અને રાહત કામગીરી બજાવી હતી. દુનિયામાં ક્યાંય પણ ભારતીયો જોખમમાં હોય, તો તેઓને ઉગારવા માટે ભારતીય સૈનિકો પહોંચી જાય છે.
વડપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં વર્ષોથી સરહદ પર સૈનિકો સાથે દિવાળી ઊજવે છે. તેમણે ૨૦૧૬માં ચીનની સીમા નજીક સુમદોહ ખાતે ઇન્ડો – તિબેટિયન બોર્ડર પોલીસ, ડોગરા સ્કાઉટ્સ અને સૈનિકો સાથે, ૨૦૧૭માં ઉત્તર કાશ્મીરમાં ગુરેઝ ક્ષેત્રમાં, ૨૦૧૮માં ઉત્તરાખંડના હરસીલ ખાતે, ૨૦૨૦માં જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં, ૨૦૨૧માં નવશેરામાં લોંગેવાલા ચોકી ખાતે દિવાળી સૈનિકોની સાથે ઊજવી હતી.