જો શહીદ હુએ હૈં ઉનકી… જરા યાદ કરો કુરબાની!

????????????????????????????????????

પ્રાતઃ સ્મરણીય, યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનાં જ્યાં પાવન પગલાં પડ્યા હતાં એ ભૂમિ નડિયાદ. નડિયાદનું સંતરામ મંદિર અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ કરે છે. નડિયાદવાસીઓ સંતરામ મંદિર અને તેની દિવ્યજ્યોતના પ્રકાશપુંજ દ્વારા શ્રેય અને પ્રેયના માર્ગે ચાલી રહ્યા છે. આ મંદિરમાં ઊજવાતા નાના-મોટા ઉત્સવો, ધર્મકથાઓ, સત્સંગ સંમેલનો, પવિત્ર સંત-મહાત્માઓનાં વક્તવ્યો, માઘમેળો, શિક્ષણ-સલાહ, દર્શન-મિલન અને મેડિકલના લાભો સદા સર્વેને મળતા રહે છે. હાલમાં જ લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં ભારતભરમાં સૌપ્રથમ એવી રાષ્ટ્રીય સેવારૂપ ‘શહીદો બોલાવે છે… શહીદકથા’નો ત્રિદિનાત્મક ‘શહાદત-સ્મરણોત્સવ’ 8-9-10 જૂન, 2018ના રોજ ઊજવાઈ ગયો. નડિયાદમાં જાણે દિવ્ય રાષ્ટ્રીય ચેતનાનું ભવ્ય મોજું ફરી વળ્યું. આ શહીદકથાના પ્રેરક અને વિચારક વર્તમાન મહંત પૂ. રામદાસજી મહારાજ રહ્યા છે. આમ પણ પૂ. રામદાસજી મહારાજમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રસેવાનું રક્ત વહેતું જ રહ્યું છે, જે તેઓનાં પૂર્વકાલીન કાર્યોથી ફલિત થાય છે. ગત વર્ષે ગણેશોત્સવ ઉજવણીમાં પૂ. રામદાસજી મહારાજે યુવાનોને ગણપતિ પૂજન સાથે રાષ્ટ્રવંદના કરવાના સૂચન સાથે સૂત્ર આપ્યું હતું. ‘મેરા જવાન મેરા હીરો’ જે ચરોતરમાં ગાજતું થઈ ગયું હતું.
આપણે અહીં નડિયાદમાં થયેલી શહીદકથાનો અહેવાલ રજૂ કરતા નથી, પરંતુ આ કથાના આયોજનનું પ્રયોજન સમજી, તેમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય કર્તવ્ય પ્રત્યેની આપણી જાગૃતિ કેળવવાની છે. મહારાજના હૃદયમાં ઊઠેલી રાષ્ટ્રીય ચેતનાનો એક વિચાર, તેને કાર્યાન્વિત કરી થયેલી કથા, તેના સાચા ઉદેશ્યો, તેના સફળ શૌર્યપ્રેરક વક્તા યોગેશદાન ગઢવી, ખેડા જિલ્લાનાં ગામડાંઓમાંથી મળેલો પ્રતિસાદ અને સૌના હૃદયમાં ઊઠતી રાષ્ટ્રીય તરંગોની વાતો કરવી છે.
શા માટે શહીદકથાનું આયોજન?
પ્રયોજન વિના આયોજન શક્ય નથી. ભારતના સીમાડાઓ પર અવારનવાર આક્રમણો થયાં છે અને હાલ પણ થતાં રહે છે, ત્યારે દુશ્મનોનો પ્રવેશ અટકાવવા, મારી હટાવવા આપણા સૈનિકો રાત-દિવસ, ત્રણે ઋતુઓમાં તાપ-ટાઢ-વરસાદ સહન કરીને સરહદોની રક્ષા સાથે પ્રતિઘાત કરે છે. જ્યાં ગોળીઓ, બોમ્બની રમઝટ ચાલતી હોય ત્યાં એક જ મહામંત્ર ‘મારો કે મરો’ આવા સમયે આપણા વીર સૈનિકો જીજાનની બાજી લગાવી દે છે.
દેશની ભીતરમાં આપણે ગમે ત્યાં, ગમે તે કરતાં હોઈએ, ત્યારે પણ આ શહીદોને ભુલાય? તેમની કુરબાની-શહાદત ભુલાય? દેશની સરહદો પર રેલાવેલું તેમનું રક્ત ભૂલાય? જો ન તો આપણે તે યાદ કરીએ છીએ ખરા? બસ, તેની યાદ અપાવવા જ મંડાઈ હતી વીરરસથી પ્રચુર શહીદકથા! ભારતમાતાની રક્ષા કરતા ભારતના જવાનોની સમર્પિતતા અને દેશ માટેની દેશદાઝની આજની યુવાપેઢીને જાણ થાય તથા તેઓમાં દેશ પ્રત્યેની સદ્ભાવભરી લાગણી પેદા થાય, એ હેતુથી જ તો આ શહીદકથાનું આયોજન થયું હતું.

કથાનાં આકર્ષક અંગો અને અસર
ત્રિદિનાત્મક આ કથાનાં આકર્ષક પ્રેરણાદાયી ત્રણ દશ્ય અંગો હતાં. ત્રિરંગા બાઇક રેલી, રાષ્ટ્રીય વિષયાત્મક રંગોળી, ભારતમાતાની સમૂહઆરતી.
ત્રિરંગા બાઇક રેલીઃ ધર્મકથાની જેમ અહીં પ્રથમ દિવસે ત્રિરંગા ધ્વજો સાથે ખેડા જિલ્લાનાં 658 ગામોના અગિયાર હજાર યુવાનોનું શહીદ ભગત સિંહ ચોક, ખેડાથી 2000 ટુ-વ્હીલર પર પ્રયાણ, રસ્તામાં આવતાં ગામોના ગ્રામ્યજનોનું એકત્રીકરણ અને પુષ્પવૃષ્ટિથી રેલીનું સ્વાગત, રસ્તામાં ઠંડા જળપાનની ઉત્સાહી વ્યવસ્થા, નડિયાદમાં પ્રવેશ, એસઆરપી બેન્ડ અને ઢોલ-નગારાં-ત્રાંસાં સાથેની શિસ્તબદ્ધ પૈદલ રેલી, યુવાનોના હાથમાં લહેરાતા ત્રિરંગાનો મહાસાગર, સાથે જ શહીદો બોલાવે છે. ભારતમાતાકી જય, વંદે માતરમ, શહીદો અમર રહો, જય મહારાજ, જય મહારાજના જયઘોષ! મંદિરના દરવાજે સંતો, નગરજનો દ્વારા પુષ્પ છંટકાવથી સ્વાગત, શહીદ પરિવારોના સભ્યોની સ્વાગતમાં ઉપસ્થિતિ! આ દશ્યની દિવ્ય ક્ષણોએ નડિયાદને ચેતનવંતું બનાવી દીધું. હાજર સૌના હૃદયમાં ઊઠેલી રાષ્ટ્રભક્તિ ભાવનાની લહેર એ આ કથાની પ્રથમ સફળતા.
રાષ્ટ્રીય રંગોળી સજાવટઃ બીજા દિવસ સાંજે ચાર વાગ્યે શરૂ થયેલી રંગોળી-પૂરણી, યુવા ભાઈ-બહેનો દ્વારા રાષ્ટ્ર, રાષ્ટ્રીયતા, રાષ્ટ્રભક્તિ, શહીદો આદિ વિષયાત્મક રંગોળી, મેઘધનુષી રંગોથી શોભતું મંદિરનું ચોગાન અને પ્રત્યેકના તન-મનમાંથી સ્ફુરતી રાષ્ટ્રભક્તિ અને આનંદ અવર્ણીય હતા.
ભારતમાતાની સમૂહઆરતીઃ ત્રીજા દિવસે કથાની પૂર્ણાહુતિ પછી દરેક શ્રોતાના હાથમાં દીવડા વહેંચેલા, દીપપ્રાગટ્ય, મંચસ્થ વિશાળ ચિત્રપટ પર સ્થાપિત ભારતમાતાની સંગીતના સુરાવલીઓ સાથેની સેંકડો હાથોમાં શોભતી આરતીએ સ્વર્ગીય દશ્ય ખડું કરી દીધું.
શહીદકથાનો મંગળ પ્રારંભ
નડિયાદ ખેડા-આણંદ સહિત સમગ્ર ચરોતર પંથકનાં ગામડાંઓ અને ગુજરાતભરના સંતરામભક્તો આ કથામાં પધાર્યા હતા. જનતા જનાર્દનના સ્વાગત પછી નગરના નૃત્યકલાકારોની રાસ-નૃત્ય સાથે ભારતમાતાની ગાન આરાધના મનોરંજન સાથે રાષ્ટ્રીય ભાવ જાગૃત કરી ગયો. તે વેળા વિશેષ રીતે ખેડા જિલ્લામાંથી શહીદ થયેલા 11 પરિવારના સભ્યોને અલગ-અલગ ત્રણ દિવસ બોલાવી તેમનું સન્માન-ભેટ-પ્રસાદ સાથે નામાંકિત નગરજનોની ઉપસ્થિતિ અએ વિવિધ સ્વાગત પ્રવચનો યોજાયા હતા.
રામદાસજી મહારાજનો વાણી પ્રસાદઃ
શહીદકથાના પ્રારંભે મહંત રામદાસજી મહારાજે કહેણી અને કરણીની ભવ્ય વાત કરતાં જણાવ્યું હતું કે, ઋષિમુનિઓના સમયમાં શસ્ત્ર અને શાસ્ત્રનું શિક્ષણ અપાતું. રાજ્યમાં યુદ્ધના સમયે જે સૈનિકો શહીદ થાય તેઓના પરિવારોની નિર્વાહ-જનતાની જવાબદારી રાજ્યવ્યવસ્થા દ્વારા થતી. આજે આપણા સૌની ફરજ બને છે કે આપણે શહીદ પરિવારોની ચિંતા કરવી જોઈએ. શ્રી સંતરામ મંદિર ફક્ત શહીદકથાનો કાર્યક્રમ કરીને બેસી રહેશે નહિ, પરંતુ શહીદ સૈનિકોના પરિવારોની પણ ચિંતા કરશે. દેશના લોકોમાં દેશપ્રેમ જાગૃત થાય અને માભોમની રક્ષા કરતા સૈનિકો તથા તેમના પરિવારોના કલ્યાણ માટેની યોગ્ય પ્રવૃત્તિઓ ફરજિયાત થવી જોઈએ.
મહારાજની આ વાત સરકારે સારી રીતે સમજી લેવી જોઈએ કારણ કે તે રાજાના સ્થાને છે. તો આપણે સૌ નાગરિકોએ પણ આ કાર્યમાં યોગદાન આપવું જોઈએ. આપણાં ધર્મશાસ્ત્રોમાં આવકનો દસમો-પંદરમો-વીસમો ભાગ ધર્મકાર્યમાં આપવાનું કહેવાયું છે. જો તેમ કરીએ તો તેથી એકત્ર થતી ધનરાશિથી આવાં કાર્યો સંપન્ન થઈ શકે.મહારાજે કેવળ વાતો ન કરતાં તેને અમલમાં મૂકવાની પણ વાત કરી છે. એ સમજીને આવી ઉદાત્ત ચિત્ત ભાવના આપણા હૃદયમાં જગાડીશું. શહીદકથાના હાર્દિક પ્રતિભાવ કાર્ય દ્વારા આપીશું.

લેખક કેળવણીકાર છે.