જો બાયડને ભારત માટે આપ્યું પહેલવહેલું નિવેદન, મોદી વિશે કરી મોટી વાત

 

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે તેઓ કોવિડ-૧૯ મહામારીમાંથી બહાર આવવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાગવવા માટે પગલાં ભરવા અને એક સુરક્ષિત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિત તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે. 

બાયડનના સત્તા હસ્તાંતરણ દળે આ જાણકારી આપી. દેશમાં ૩ નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. બાયડન અને કમલા હેરિસના સત્તા હસ્તાંતરણ દળે જણાવ્યું કે નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘તેઓ કોવિડ-૧૯ મહામારીથી બહાર આવવા અને ભવિષ્યમાં આવનારા સ્વાસ્થ્ય સંકટોથી બચવાની તૈયારી કરવા, જળવાયુ પરિવર્તનના જોખમને પહોંચી વળવા, વૈશ્વિક અર્થવ્યવસ્થાને પુર્નબહાલી માટે પગલાં ભરવા, દેશમાં તથા વિદેશોમાં લોકતંત્રને મજબૂત કરવા તથા  એક સુરક્ષિત અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવી રાખવા સહિતના તમામ સંયુક્ત વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.’

બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત બાદ બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ બાયડને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો અને દક્ષિણ એશિયાઈ મૂળના પહેલા ઉપરાષ્ટ્રપતિ સાથે મળીને અમેરિકા અને ભારત વચ્ચે રણનીતિક ભાગીદારીને ગાઢ કરવા અને તેને વિસ્તાર આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 

આ અગાઉ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાયડન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છા પાઠવી. અમે ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારી પ્રત્યે પ્રતિબદ્ધતા દોહરાવી અને કોવિડ ૧૯ મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહયોગ પર જોઈન્ટ પ્રાથમિકતાઓ અને પડકારો પર ચર્ચા કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, તેમની સફળતા ભારતીય અમેરિકન સમુદાય માટે ગર્વ અને પ્રેરણાની વાત છે. આ સમુદાય ભારત-અમેરિકા સંબંધોની મજબૂતાઈનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.