જો બાયડનની જીતથી બંને દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત થશેઃ ઉદ્યોગપતિઓ 

 

નવી દિલ્હીઃ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ જો બાયડનના ભારત સાથેના સંબંધોને લઈને અનેક પ્રકારે ચર્ચાઓ થવા લાગી છે. ભારતના ઉદ્યોગપતિઓને આશા છે કે જો બાયડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં વધુ ગરમાવો આવશે. 

ઈન્ડસ્ટ્રી બોડી CII પ્રેસિડેન્ટ ઉદય કોટકે જો બાયડન અને કમલા હેરિસને શાનદાર જીત બદલ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે બંને દેશો વચ્ચે વધતા વેપાર અને રોકાણની સાથે આપણી અર્થવ્યવસ્થાઓ એક બીજા સાથે જોડાયેલી છે અને આપણે દ્વિપક્ષીય આર્થિક એજન્ડામાં નવા પ્રાણ ફૂંકવા માટે કામ કરવાની જરૂર છે. જેનાથી આર્થિક વિકાસ, નોકરીઓ, નાના વેપારીઓને મજબૂતી મળી શકે અને બંને દેશો વચ્ચે રોકાણ સંબંધી સહયોગ વધુ મજબૂત થાય. 

આનંદ મહિન્દ્રાએ ગ્રુપના ચેરમેન કહ્યું કે ‘લીડરશીપનો અર્થ છે પોલીસી અને પર્સનાલિટી, તથા લીડર્સ શું કરે છે તેના કરતા શું કહે છે તેનાથી પણ પરખાશે. લીડર્સે છેલ્લે તો બધાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ, માત્ર એનું જ નહીં જેમણે તેમને મત આપ્યા છે અને લીડર્સમાં શાલીનતા અને મૂલ્ય ક્યારેય ખતમ થવા જોઈએ નહીં.’

ઈન્ડસ્ટ્રી બોડી Asoochamના સેક્રેટરી જનરલ દીપક સૂદનું કહેવું છે કે જો બાયડન અને કમલા હેરિસની લીડરશીપમાં ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થશે. એડવાન્સ સાયન્ટિફિક રીસર્ચ અને ડેવલપમેન્ટ, રણનીતિ ક્ષેત્રોમાં બિઝનેસ ટુ બિઝનેસમાં સંબંધો વધુ મજબૂત થશે. દીપક સૂદે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાયડન કોરોના વાઇરસ મહામારી સામે લડવા માટે પરસ્પર સહયોગ વધારશે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનને બનાવવા માટે અને વહેંચવા માટે મોટા પાયે ગ્લોબલ સહયોગની જરૂર પડશે, ભારત અને અમેરિકા આ સહયોગનું નેતૃત્વ કરશે.

CII  ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનરજીએ કહ્યું કે, CII પ્રેસિડેન્ટ બાયડન અને તેમના પ્રશાસન પાસેથી ફરી એકવાર સહયોગની આશા રાખે છે. કોરોના મહાસંકટ અગાઉ બંને દેશો વચ્ચે ૨૦૧૯માં ગુડ્સ એન્ડ સર્વિસિઝને લઈને કારોબાર ૧૫૦ બિલિયન ડોલરની ઊંચાઈએ પહોંચી ગયો હતો. CII આશા છે કે આવનારા સમયમાં તે હજુ વધશે.’

અમેરિકા-ભારત વેપાર પરિષદે કહ્યું કે બાયડને બરાક ઓબામા પ્રશાસનમાં અમેરિકા-ભારતના રણનીતિક સંબંધોને આગળ વધારવામાં શાનદાર ભૂમિકા ભજવી હતી. અમે જો બાયડન અને કમલા હેરિસના નેતૃત્વમાં કામ કરવાને લઈને ઉત્સાહિત છીએ. અમે આશા રાખીએ છીએ કે તેમના નેતૃત્વમાં અમેરિકા-ભારત આર્થિક ભાગીદારીથી પોતાની પૂરી ક્ષમતા મેળવી શકશે અને તેનાથી બંને દેશોના લોકો માટે તકો પેદા થશે.