જો બાઈડેને બરાક ઓબામાને પણ પાછળ છોડ્યા, અમેરિકી ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા

 

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે મતગણતરી ચાલુ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં જો બાઈડેનને ૨૬૪ ઈલેક્ટોરલ મત મળ્યા છે અને તેમનું પલડું ભારે છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ફાળે ૨૧૪ ઈલેક્ટોરલ મત ગયા છે. આ બધા વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર જો બાઈડેને એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. 

અમેરિકાના ઈતિહાસમાં જો બાઈડેન રાષ્ટ્રપતિ પદના પહેલા એવા ઉમેદવાર બની ગયા છે જેમને સૌથી વધુ મત મળ્યા છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો રેકોર્ડ પણ તોડ્યો નાખ્યો છે. જ્યારે મતગણતરી હજુ પણ ચાલુ છે. 

સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ જો બાઈડેનને અત્યાર સુધીમાં ૭૨,૦૪૯,૩૪૧ મત મળ્યા છે. જે અમેરિકાના કોઈ પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મળેલા સૌથી વધુ  મત છે. આ અગાઉ વર્ષ ૨૦૦૮માં બરાક ઓબામાને ૬૯,૪૯૮,૫૧૬ મત મળ્યા હતા. જ્યારે વર્ષ ૧૯૯૬માં બિલ ક્લિન્ટનને ૪૭૪૦૧૧૮૫ મત મળ્યા હતા. 

અત્રે જણાવવાનું કે આ વખતે અમેરિકામાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. જો બાઈડનની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ બરાક ઓબામાનો રેકોર્ડ તોડી શકે છે. ટ્રમ્પને અત્યાર સુધીમાં  ૬૮,૫૮૬,૧૬૦ મત મળ્યા છે અને હજુ કરોડો મતોની ગણતરી બાકી છે. આશા છે કે ટ્રમ્પ ઓબામાને મળેલા મતનો રેકોર્ડ પણ તોડી શકે છે. 

અમેરિકાની બાગડોર ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે કે પછી સત્તા પરિવર્તન થઈને જો બાઈડન રાષ્ટ્રપતિ બનશે એ હજુ સ્પષ્ટ થયું નથી. રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ એકને ૫૩૮ ઈલેક્ટોરલ મતોમાંથી ઓછામાં ઓછા ૨૭૦ મત મેળવવા જરૂરી છે. જો બાઈડેનને ૨૬૪ ઈલેક્ટોરલ મત મળતા જોવા મળી રહ્યા છે જ્યારે ટ્રમ્પના ફાળે ૨૧૪ મત ગયા છે