જો પતિ પણ કામકળામાં નિપુણ હોય તો ચતુર સ્ત્રીઓને તે સુખપ્રદ હોય છે

0
1175

(ગતાંકથી ચાલુ)
એ જ રીતે રાધાની સખી રત્નમાલાએ કૃષ્ણને નીતિસાર કહ્યોઃ કૃષ્ણ, સાંભળો! હું તમને એ વાત કહેવાની છું જે પરિણામમાં સુખપ્રદ, હિતકર, નીતિના તત્ત્વ અને દંપતીની પ્રીતિનું કારણ છે. કામશાસ્ત્રને અનુકૂળ છે. નીતિ, વેદ, પુરાણ એવં લોકવ્યવહારમાં પ્રશસ્ત છે અને ઉત્તમ યશદાયક છે. સ્ત્રીઓમાં માતા પ્રિય હોય છે. બંધુઓમાં ભ્રાતા પ્રિય હોય છે. તેનાથી અધિક પ્રિય પુત્ર હોય છે. તે પુત્રથી પણ અધિક પ્રિય પતિ હોય છે. પતિવ્રતાઓને સો પુત્રથી પણ વધીને પતિ પ્રિય હોય છે. રસિક અને કામકળામાં નિપુણ સ્ત્રીઓને પતિથી વધીને અન્ય કોઈ પ્રિય છે જ નહિ. જો પતિ પણ કામકળામાં નિપુણ હોય તો ચતુર સ્ત્રીઓને તે સુખપ્રદ હોય છે, અન્યથા રસહીન કે દુષ્ટ પતિ વિષતુલ્ય હોય છે. આ અસાર સંસારમાં દંપતીની પ્રીતિ જ સારવસ્તુ છે. પરસ્પર સમતા જ પ્રિય સૌભાગ્ય અને અભીષ્ટ છે. જે ઘરમાં દંપતીની સમતા નથી ત્યાં દરિદ્રતા નિવાસ કરે છે અને એ બન્નેનું જીવન નિષ્ફળ રહે છે. ઉત્તમ પતિનો વિયોગ થવો સ્ત્રીઓ માટે પરમ દુઃખદાયક છે. શોકસંતાપનું બીજ છે અને જીવનમરણથી પણ અધિક છે. સૂતાંજાગતાં તમામ સમયે સ્ત્રીઓનો પ્રાણ પતિ જ હોય છે અને લોકપરલોકમાં સ્ત્રીઓનો ગુરુ પણ પતિ જ છે.
રત્નમાલાને નીતિસારનું જ્ઞાન હતું, જ્યારે રંભા શાસ્ત્રવચનોની જાણકાર હતી. તેણે સુનીથાને ચિંતા દૂર કરવાનું કહીને આ વચનોનો ઉપદેશ કર્યોઃ ચિંતા ખરેખર અત્યંત દુઃખ આપનારી હોય છે. ધર્મ માટે જે ચિંતા કરાય છે તે જ સાર્થક છે. એ સિવાયની બીજી બધી ચિંતા દુઃખ દેનારી હોય છે. માટે બીજી કોઈ પણ ચિંતા કદી કરવી જ ન જોઈએ, કારણ કે,
કાયનાશકરી ચિન્તા બલતેજઃ પ્રણાશિની ૤
નાશયેત સર્વસૌખ્યં તુ રૂપહાનિં પ્રદર્શયેત્ ૤૤
અર્થાત્ દરેક ચિંતા શરીરનો નાશ કરનારી થાય છે. તેમ બળ તથા તેજનો પણ અત્યંત નાશ કરનારી થાય છે. એટલું જ નહિ, પણ તે કોઈ પણ ચિંતા સર્વ સુખનો નાશ કરે છે તેમ જ રૂપની પણ હાનિ દર્શાવે છે. વળી,
તૃષ્ણાં મોહં તથા લોભમેતાંશ્વિન્તા હિ પ્રાપયેત્ ૤
પાપમુત્માદયેજિરાન્તા ચિન્તિતા રા દિને દિને ૤૤
એટલે કે ચિંતાને જો દરરોજ ચિંતવી હોય તો તૃષ્ણા, મોહ તથા લોભ પ્રાપ્ત થાય છે. એથી વધુમાં ચિંતા એ પાપને જ ઊપજાવે છે. ઉપરાંત,
ચિન્તા વ્યાધિપ્રકાશાય નરકાય પ્રકલ્પયેત્ ૤
તસ્માજિયન્તાં પરિત્યજ્ય ચાતુવર્તસ્વ શોભને ૤૤
એટલે કે ચિંતા રોગને પ્રકટ કરનારી થાય છે તેમ જ નરકમાં લઈ જનારી થાય છે. એથી તું ચિંતાનો ત્યાગ કરી શુભ કર્મને અનુસરવા માંડ.
આ પ્રકારે રંભાએ સુનીથાને સાંત્વન આપ્યું. પછી તેનો સંતાપ દૂર કરવા દેવોના દોષોનાં દષ્ટાંત આપ્યાં. કહ્યુંઃ ‘શરીરનો વિનાશ કરનાર આ દુઃખનો તું હવે ત્યાગ જ કરી દે. કોના કુળમાં દોષ હોતો નથી. દેવોએ પણ પાપનો આશ્રય કર્યો છે. પૂર્વે બ્રહ્માએ પણ શંકરની આગળ કપટી વચન કહ્યું હતું. તેથી દેવોએ બ્રહ્માનો ત્યાગ કર્યો હતો. તે પછી બ્રહ્મા પણ લોકમાં અપૂજ્ય થયા. વળી, દેવોના રાજા ઇન્દ્ર પણ બ્રહ્મહત્યા સાથે જોડાયા હતા. છતાં તે ઇન્દ્ર મહાભાગ્યવાન હોવાથી દેવોની સાથે ત્રણે લોકને ભોગવી રહ્યા છે. તે જ ઇન્દ્રે પૂર્વે ગૌતમની પ્રિય પત્ની અહલ્યા સાથે વ્યભિચાર કર્યો હતો. છતાં તે દેવરાજા તરીકે પૂજાય છે. શંકરે પણ બ્રહ્મહત્યા જેવું દારુણ કર્મ કર્યું હતું. એથી હજી શંકર બ્રહ્માની ખોપડી ધારણ કરીને તે રૂપી ભિક્ષાપાત્ર દ્વારા જ પોતાની ભિક્ષા માગી ફર્યા કરે છે. છતાં દેવો તથા ઋષિઓ પણ તેમને નમે છે. સૂર્ય પોતે કોઢના રોગી થયા હતા છતાં ત્રણે લોકને તે પ્રકાશમાન કરે છે. તેમ જ દેવો સુધ્ધાં તેમને નમે છે. એ જ રીતે ખુદ શ્રીકૃષ્ણ પણ પૂર્વે શુક્રાચાર્યે આપેલા શાપને ભોગવે છે. ચંદ્રમાએ પોતાના ગુરુ બૃહસ્પતિની પત્નીને પહેલાં ભોગવી હતી તેથી તે ક્ષયરોગથી પીડાય છે. છતાં તે રાજાઓના રાજા તરીકે પ્રતાપી ગણાય છે.’ રંભાએ આપેલાં આ ઉદાહરણો પરથી પુરવાર થાય છે કે એ દેવોના ઇતિહાસની જાણકાર હતી. એ જ રીતે રંભા સ્ત્રીગુણો અને સ્ત્રીભૂષણોની પણ જાણકાર હતી. એણે સુનીથાને કહ્યુંઃ ‘તારા અંગમાં જે સ્ત્રીઓના ગુણો છે તે બીજી કોઈ સ્ત્રીમાં હું જોતી નથી. રૂપ જ સ્ત્રીઓનો ગુણ તથા પહેલું ભૂષણ છે. સ્ત્રીઓનું બીજું ભૂષણ શીલ છે. ત્રીજું ભૂષણ સત્ય છે. ચોથું ભૂષણ સરળતા છે. પાંચમું ભૂષણ ધર્મ છે. છઠ્ઠું ભૂષણ મધુરપણું છે. બાહ્ય તથા આભ્યંતર શુદ્ધિ હોય એ સાતમું ભૂષણ છે. પિતાનો ભાવ એ આઠમું ભૂષણ છે. સેવા કરવાની ભાવના નવમું ભૂષણ છે. સહનશીલતા દસમું ભૂષણ છે. રતિક્રીડામાં ચતુરાઈ અગિયારમું ભૂષણ છે અને પતિવ્રતાપણું બારમું ભૂષણ છે… આ બારે ભૂષણોથી તું સુશોભિત છે. એથી ધર્મને ધારણ કરનારો પુરુષ તારો પતિ થશે. આટલું કહીને રંભાએ સુનીથાને પતિ પ્રાપ્ત કરવાની વિદ્યા શીખવી. રંભાએ કહ્યુંઃ હવે હું તને પુરુષોને મોહ પમાડનારી વિદ્યા શીખવીશ. આ વિદ્યાના ઉપયોગથી તારું કલ્યાણ જ થશે.’ પછી રંભાએ સુનીથાને પતિ પ્રાપ્ત કરવાની વિદ્યા શીખવી.
પદ્મપુરાણની રંભાની જેમ હરિવંશ મહાપુરાણની પદ્માવતી પણ પતિ પ્રાપ્ત કરવાની વિદ્યા જાણતી હતી. એ વિદ્યા ચંદ્રાવતી અને ગુણવતીને આપતી વખતે પદ્માવતીએ કહ્યુંઃ ‘પૂર્વકાળમાં મારી સેવાચાકરીથી સંતોષ પામેલા દુર્વાસા ઋષિએ મને આ વિદ્યા દીધી છે. આ વિદ્યાની સાથે જ અખંડ સૌભાગ્ય અને હંમેશાં કુમારી રહેવાનું વરદાન પણ આપ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, તમે દેવતા, દાનવ અને યક્ષોમાંથી જેનું ચિંતન કરશો તે તમારો પતિ થશે. તમે બન્ને આ વિદ્યા ગ્રહણ કરો. આ વિદ્યા રતિને માટે તરત જ મનોવાંછિત પતિને લાવી દે છે. સાથે જ સૌભાગ્ય પ્રદાન કરે છે.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધીશ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.