જોધપુરમાં શૂટિંગ કરી રહેલા મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડીઃ મુંબઈથી તબીબોની ટીમ જોધપુર પહોંચી ગઈ છે.

0
956
IANS

 

અમિતજીને ખભામાં અને પીઠમાં દુખાવો થતો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં યશરાજ ફિલ્મના નેજા હેઠળ બની રહેલી ફિલ્મ ધ ઠગ્સ ઓફ હિંદોસ્તાનનું શૂટિંગ કરી રહ્યા છે. હાલમાં રાજસ્થાનના જોધપુર ખાતે શૂટિંગ  ચાલી રહ્યું છે. જેમાં આમિર ખાન તેમજ અમિતાભ બચ્ચન અને અન્ય કલાકાર- કસબીઓ ભાગ લઈ રહ્યા છે. જોધપુરમાં હાલ સખત ગરમી પડી રહી છે. અમિતજીને આવી અસહ્ય ગરમીમાં શૂટિંગ કરવું પડે છે. વળી આ ફિલ્મનું કથાનક – કોસ્ચ્યુમ ડ્રામા હોવાને કારણે અમિતજીને ભારેખમ પોશાક પરિધાન કરવો પડે છે. ગરમી અને પરિશ્રમને લીધે અમિતજીને અશક્તિ અને થાક લાગતાં તેમની તબિયત અચાનક લથડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવાર સુધી અમિતજી શૂટિંગ કરતા રહ્યા હતા. આ દરમિયાન તેમણે એકશન અને થ્રીલર દ્રશ્યોનુ પણ શૂટિંગ કર્યું હતું. અમિતજીએ એમના બ્લોગમાં લખ્યું હતું કે, તબિયત બગડી છે. તેથી તેઓ મુંબઈ પાછા ફરશે.  અમિતજી તેમનું રુટિન મેડિકલ ચેક અપ નિયમિત રીતે કરાવતા રહે છે. અમિતજીની નાદુરસ્ત તબિયતના સમાચારને લીધે તેમના લાખો ચાહકો ચિંતા કરી રહ્યા છે .અમિતજી જલ્દીથી પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા વ્યકત કરીએ છીએ.