જોગ-વિજોગ

(પ્રકરણ – 1)
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું.
વરલીના ફ્લેટમાં સવાર આમ જ થતી, ક્યારેક!

સહેજ ધ્રૂજતા હાથે ચાનાં ખાલી કપ-રકાબી કિચનના સિન્કમાં મૂકતા અરવિંદભાઈએ નિસાસો ખાળ્યો, છતાં દૂર ક્યાંક ગુંજતા મંગળધ્વનિથી સાવ અલિપ્ત ન થવાયું. દીવાનખંડના હીંચકે વળતા સુધીમાં એ ધ્વનિ ભેગા અન્ય અવાજો ચિત્તમાં સળવળવા માંડ્યાઃ

‘કહું છું ચા મૂકી છે… નાહીને જરા જલદી પરવારજો, નહિતર પાછી ઠંડી (ચા) તમને ફાવશે નહિ! રામ જાણે અંગ ચોળી એવું શું નહાતા હશો, આટલી વાર તો મને બૈરા માણસને નથી લાગતી!’
હીંચકે બેસતાં અરવિંદભાઈના હોઠ સહેજ મરકી ગયા.

‘તને મારા નહાવા સાથે શું દુશ્મની છે?’ પેલી બાજુના બાથરૂમમાંથી પોતાને ટુવાલભેર નીકળતા અરવિંદભાઈ જોઈ રહ્યા. ‘શરીરની સ્વચ્છતા કેળવવા જેવો ગુણ છે, તને એનોય વાંધો?’
વળી એમણે દષ્ટિ ઘુમાવી. કિચનમાંથી પત્નીને બહાર આવતી જોઈ એમનું વ્યક્તિત્વ ખીલી ઊઠ્યું. પ્રેક્ષક બની નજર સામે તાદશ્ય થતાં ભૂતકાળને માણી રહ્યાઃ

‘મારા વાંધાની અહીં પરવા જ કોને છે?’ સુરભિબહેન હાથમાં પકડેલી સાણસી હલાવતાં બોલી ગયાં, ‘હું ગમે એટલું બોલું, તમે બાપ-દીકરી કરવાનાં તો તમારું જ ધાર્યું.’

દીકરી.
અરવિંદભાઈની નજરમાં વ્યાકુળતા છવાઈ. ત્યાં-
‘બસ, હોં, મમ્મી-’
સવારની પતિ-પત્નીની રોજિંદી મીઠાશભરી તૂતૂમૈંમૈંમાં વીસની થયેલી લાડો દખલ દે છે, ‘આમ મારા ડેડીને ડરાવ નહિ. ડેડીએ આખો દિવસ એમની ફેક્ટરી પર કાઢવાનો હોય છે એટલે સરખું નાહીધોઈને જાય એમાં તારો કયો ગરાસ લૂંટાઈ ગયો? એકાદ વાર ચા ગરમ કરવી પડે એમાં જો તો, મારા ડેડીને કેવું બોલે છે!’

‘ધન્ય તું ને તારો બાપ!’ સુરભિ મેંશના ટપકા જેવું બબડી લે છે, ‘હું ન હોઉં ત્યારેય તારા ડેડીને આમ જ જાળવજે-’
એવી જ અમારી લાડલી અમને જોડે બાથમાં લે છે,

‘શટઅપ મા, તમારા બેમાંથી કોઈએ મને છોડીને ક્યાંય જવાનું નથી. પ્રોમિસ મી.’
– એ પ્રોમિસ સુરભીએ તોડ્યું. કેન્સરની બીમારી એને અકાળે ભરખી ગઈ ત્યારે ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં ભણતી દીકરીને છાની રાખવા પોતે મક્કમ રહેવું પડેલુંઃ તું આમ ભાંગશે તો મને કોણ સંભાળશે?
સાંભળીને એણે અશ્રુ લૂછ્યાં,

સાચું કહ્યું તમે, ડેડી, મારે જ હવે તમને સંભાળવાના. પણ તમે તો મને મૂકીને નહિ જાવને?’
‘કદી નહિ-’

દીકરીની કોટે વળગવા જતાં અરવિંદભાઈના હાથ હવામાં જ વીંઝાયા. આ સાથે જ ભૂતકાળના તખ્તા પર બ્લેકઆઉટ થઈ ગયો, દીકરી ક્યાંય નહોતી.
‘કંઈ થાય છે, અંકલ?’

પુરુષ સ્વરની કાળજીભરી પૃચ્છાએ અરવિંદભાઈ ઝબકયા. આ તો મારો ભાડૂત મારી દરકાર દાખવી રહ્યો છે!
સિત્તેરની ઉંમરે શરીર પહેલાં જેવું સાથ નથી આપતું. વિશાળ ઘરમાં એકલા રહેવા કરતાં પેઇંગગેસ્ટ તરીકે કોઈને રાખ્યો હોય તો ખાસ તો મારી અવસ્થા જળવાઈ રહે. બાકી આની પાછળ આર્થિક પરિબળ નહોતું. બિઝનેસ વાઇન્ડઅપ કર્યાંને વરસો થવા છતાં મૂડીરોકાણ એટલું વ્યવસ્થિત હતું કે અમીરીમાં કાપ ન પડે…

કેવી કરુણતા. પોતાનાને બદલે પારકાને ઘડપણ સાચવવા ઘરે રાખવા પડે એ નસીબની જ બલિહારીને?
ખિન્ન થતા મનને એમણે સમજની ટપલી મારીઃ મારે તો કિસ્મતને પોંખવાની હોય કે પહેલો જ ભાડૂત ઓમ જેવો મળ્યો!
આઠેક મહિના અગાઉ પોતે પેઇંગગેસ્ટ બાબત જાહેરાત આપી એના અનુસંધાનમાં ઘણાએ અરજી મોકલી તો ઓમની જેમ રૂબરૂ મળવા આવનાર પણ ખાસ્સા હતા. બધામાં ત્રેવીસેક વરસનો ઓમ સૌથી વધુ ભરોસાપાત્ર લાગ્યો હતો અરવિંદભાઈને.

મૂળ હું સૌરાષ્ટ્રનો. મારું ગામ દેવગઢ. બચપણથી મારી ખ્વાહિશ ચિત્રકાર બનવાની હતી, નજીકના શહેર રાજકોટમાં વિષયનું થોડું ઘણું જ્ઞાન મેળવી કલાનો કસબ કેળવ્યો. મા-બાપ ગુજરતાં સંસારમાં એકલો પડ્યો, મુંબઈની વાટ પકડી. આખરે અહીંના જેટલી તકો ક્યાંય ન મળે. આમ તો ત્રણેક માસથી મુંબઈમાં છું, ગેસ્ટ હાઉસની રૂમમાં રહું છું, પણ પેઇન્ટર તરીકે જે મોકળાશ, નિરાંત મને અહીં મળશે એ ત્યાં નથી.’
સાદા જિન્સ ટી-શર્ટમાં પણ એ સોહામણો લાગ્યો.

અલબત્ત, હું એવો કંઈ સધ્ધર નથી છતાં ડિપોઝિટની રકમ અને ત્રણ માસનું ભાડું તમારી શરત મુજબ એડવાન્સ પે કરી શકું એટલી જોગવાઈ અવશ્ય ઊભી કરી શક્યો છું મુંબઈ આવ્યાના આટલા આ સમયમાં.’
ઓમની ચોકસાઈમાં સ્વમાનનો રણકો અનુભવાયો.

‘બેશક, હું જરા ધૂની મગજનો છું. અહીં તમે ભાડૂતને રૂમ ઉપરાંત ખાવાપીવાની સગવડ પણ આપવાના છો, પરંતુ જમવાના ટાઇમિંગ્સ ભાગ્યે જ મને યાદ રહે છે. ચિત્રકામમાં મશગૂલ બનું તો ભૂખે ન લાગે – એટલી ચૂક દરગુજર કરવી પડશે.’

ઓમની કબૂલાતમાં એની નિખાલસતાનો જ પડઘો ગણાયને. અરવિંદભાઈ જિતાઈ ગયેલા,
‘તારી દરેક ચૂક માફ, ક્યારેક હાથ તંગ હોય ને ભાડું દેવામાં આજની કાલ થાય તો પણ વાંધો નથી…’ એમનો સાદ સહેજ ભીનો બનેલો, ‘હું સંસારથી દાઝેલો છું. ભાડૂત કરતાં તું ઘરનો થઈને રહેશે તો મને વધુ ગમશે.’
અને સાચે જ આટલા આ મહિનાઓમાં ઓમે ક્યારેય પરાયાપણું વર્તાવા દીધું નથી!‘અંકલ-’
ઓમના સાદે વળી અરવિંદભાઈ ઝબક્યા. ઓમ પડખે ગોઠવાયો, અરવિંદભાઈનો કરચલીવાળો હાથ હાથમાં લીધો,‘દીકરીની યાદ આવી ગઈ?’
અરવિંદભાઈ ખળભળી ઊઠ્યા.

‘ખબરદાર, ઓમ જો એનું નામ લીધું તો. સોળ વરસ અગાઉ પોતાના પ્રેમી સાથે મારી મરજી વિરુદ્ધ એ ઘર છોડીને ભાગી ત્યારની એ મારે મન મરી ચૂકી છે અને મરેલાને યાદ કરવામાં હું માનતો નથી.’
કહી જોમપૂર્વક એ ઊભા થયા,

‘મારી પાસે એટલી નવરાશ પણ નથી. નહાવા જાઉં છું. તુંય તારા કામે લાગ.’
ભીતરથી ભાંગી ચૂકેલો માણસ જેટલો અક્કડ રહેવાની કોશિશ કરે એટલી એના પ્રત્યે કરુણા જ ઊપજતી હોય છે! અરવિંદભાઈની વ્યથાકથા ઓમથી છૂપી નહોતી, જે બન્યું એમાં એમનો દોષ કાઢવો મુશ્કેલ છતાં પ્રતિક્રિયાની પણ હદ હોય ને!સંતાન પોતાનું ધાર્યું કરવા માગે એથી માવતરનાં હૈયાં એટલાં આળાં બને કે જતનથી ઉછેરેલા પંડના જ અંશને મૃત માનવા સુધી જાય?
અંગત ઘા કુરેદાતો હોય એમ પોતાના વિચારે નિઃશ્વાસ જ નાખી શક્યો ઓમ!

‘દીકરીની યાદ આવી ગઈ?’
ઓમનો પ્રશ્ન અરવિંદભાઈને જંપવા નથી દેતો.
આમ તો દીકરી વૈદેહીની કોઈ નિશાની-ફોટો સુધ્ધાં-પોતે રાખી નથી, અને આમ જુઓ તો એ ક્યાં નથી?
વૈદેહીના આત્મવિશ્વાસનું તેજ રૂપના ઝગારાથી જરાય ઓછું નહોતું. એનાં સંસ્કાર મૂળિયાં ઊંડાં હતાં. પિતાને એ બેહદ ચાહતી, સામે પિતા પાસે પણ એટલું જ વહાલ પામી હતી. વૈદેહીનું ગ્રેજ્યુએશન પૂરું થાય એ પહેલાં સુરભિએ પિછોડી તાણી. પિતાને સાચવવાની લાગણીવશ કોલેજ ભ2ી વૈદેહી ફેક્ટરી આવતી થઈ. ગોરેગામ એમઆઇડીસીમાં અરવિંદભાઈની સ્ટિરોઇડઝ બનાવવાની ફેક્ટરી હતી. પ્લાન્ટ, બિઝનેસ સેટ હતાં.

‘આનું સઘળું શ્રેય આપણા મેનેજર બ્રિજેશભાઈને જાય છે.’
અરવિંદભાઈએ ઘર-ઓફિસ અલગ રાખેલાં. ઘરનાએ ફેક્ટરી જવાનું બહુ બને નહિ ને સ્ટાફે પ્રસંગોપાત્ત આવવાનું થાય એટલે વૈદેહી માટે તો એ વિશ્વ નવતર જ હતું. અરવિંદભાઈએ એને પ્લાન્ટ પર લઈ જઈ પ્રોસેસથી માહિતગાર કરી, કર્મચારીગણની ઓળખ આપી, ઓફિસમાં બિઝનેસ સમજાવ્યો અને દરેક જગ્યાએ તારીફમાં ડોકાતું એક નામ સામાન્યઃ

મેનેજર બ્રિજેશ!
ત્યારે 27-28નો બ્રિજેશ દેખાવડો હતો, મહેનતુ પણ ખરો. મૂળ બિહારનો. મુંબઈમાં ભાડે રહેતો. એકલપંડોે આદમી બહુધા ફેક્ટરીમાં પડ્યોપાથર્યો રહે, વિના ઓવરટાઇમે સેવા આપતો મેનેજર કયા માલિકને ન ગમે?
પિતા જેનાથી ખુશ રહેતા એ બ્રિજેશ માટે અજાણતાં વૈદેહીને પણ માન જાગ્યું. અરવિંદભાઈની ગેરહાજરીમાં અભાનપણે ફિલ્મ-ક્રિકેટની ચર્ચામાં ઊતરી પડતાં. વૈદેહીના યૌવનને એ બ્રિજેશ વધુ મોહક લાગતો.
ત્યાં…‘ગુડ ન્યુઝ’ એક બપોરે વૈદેહી જોડે એકાંત મેળવી બ્રિજેશે મલકતા મુખે ખુશખબર આપ્યા, ‘લાસ્ટ ક્વાર્ટરના રેકોર્ડ બ્રેક સેલ પર સરે (અરવિંદભાઈએ) મને વીસ ટકાનું ઇનિશિયેટિવ આપ્યું. સો આઇ કુડ મેનેજ ટુ પે ડાઉન પેમેન્ટ ફોર માય ફ્્લેટ…’
‘વાઉ! તમે ઘર લીધું, બ્રિજ!’ બ્રિજેશે ખારમાં બે બેડરૂમનો ફ્્લેટ નોંધાવ્યાનું જાણી વૈદેહીને સ્વાભાવિકપણે આનંદ થયેલો, ‘આનું તો ગ્રાન્ડ સેલિબ્રેશન થવું જોઈએ.’
‘રિયલી’ બ્રિજની કીકીમાં ચમકારો ઊપસ્યો, ‘હું રાત્રે ડિનર માટે તમને તાજમાં લઈ જવા માગું તો તમે આવશો, મારી બાઇક પર?’
નજરો મળી, તણખા ઝર્યા.

એ રાત્રે વૈદેહી, અલબત્ત, પિતાને પૂછીને બ્રિજેશ સાથે ગઈ હતી. બાઇક પર ગોઠવાઈ બ્રિજેશના ખભે હાથ મૂકતાં આછી ઝણઝણાટી ફેલાઈ.
રેસ્ટોરાંમાં નવો જ બ્રિજેશ ખૂલ્યો. શાર્પ કોમેન્ટ્્સ, હાજરજવાબી, જોક્સથી એણે વૈદેહીને સતત ખીલવી રાખી. એકાદ બે નોનવેજ જોક ફટકારવાની છૂટ પણ વિનાપૂછ્યે લઈ લીધી એ પણ વૈદેહીને ગમ્યું.
ઘરે પાછી ફરેલી વૈદેહી પોતાનું કંઈક ગુમાવીને આવી હતી- દિલ!
સંભા2ીને અરવિંદભાઈએ નિસાસો નાખ્યો.

પ્રેમમાં પડવા તને મારો બદમાશ મેનેજર બ્રિજેશ જ મળ્યો? કેમિકલની ચોરીમાં મેં એને બરતરફ કર્યો તો એણે જુદી જ કહાણી સંભળાવી તને ભોળવી… મારી કોઈ સમજાવટે તારી આંખ ન ખૂલી, પ્યારમાં અંધ બની તેં મને ઠોકર મારી. તારા વહાલસોયા ડેડીને તરછોડી બ્રિજેશ જોડે ભાગી વિજોગનો એવો જોગ તેં સર્જી દીધો દીકરી કે એનો અંત કદાચ આયખાના અંત જોડે જ આવવાનો!
અરવિંદભાઈની આંખો વરસી પડી, અને એ ચિત્ર ચિત્રકારની પીંછી વાટે કેન્વાસ પર અંકિત થઈ ગયું. (ક્રમશઃ)

લેખક સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here