જોગ-વિજોગ

(પ્રકરણ – 5)
નમસ્કાર. વૈદેહી’ તૈયાર થઈ ગઈ?’
બે દિવસ પછી ચિત્રપ્રદર્શન ખુલ્લું મુકાવાનું છે. પહેલા માળે પોતાને ફાળવાયેલી જગ્યા નિહાળવા આર્ટ ગેલેરીની મુલાકાતે આવેલા ઓમને રિસેપ્સનિસ્ટ લેડીએ સામેથી બોલાવ્યો એ થોડું અચરજરૂપ લાગ્યું,
‘જી, ઓલમોસ્ટ’ ઓમ મલક્યો, ‘તમને મારી થીમ પણ યાદ રહી ગઈ.’
‘યા… એમાં પિતા-પુત્રીની કથા છે એટલે કોઈ પણ સ્ત્રીને સ્પર્શી જવાની. કેમ છે તમારા મકાનમાલિક?’
એના અવાજનું કંપન ઓમના ધ્યાન બહાર રહ્યું.
‘હવે ખુશ છે.’ ઓમ પોતે ખુશમિજાજમાં હતો, એટલે અનાયાસ ખૂલતાં જવાયું, ‘ટેલ યુ ધ ટ્રુથ, આ શ્રેણીને કારણે તેઓ એમની વૈદેહીને આવકારવા તૈયાર થયા છે.’
‘હેં’ ચોંકેલી વૈદેહી સાવધ થઈ, ‘મતલબ, વાહ’
‘ઇનફેક્ટ, બ્રિજેશના જૂના ભાડાના ઘરે હું જઈ પણ આવ્યો, પરંતુ ભાળ ન મળી… પ્રદર્શન પતે પછી મારે એમને જ શોધવાનાં છે. અખબારની જાહેરાત થકી દીકરીની જાહેર માફી માગી એને પાછા આવવાની ટહેલ નાખવાનું પણ પ્લાનિંગ છે.’
(ધેટ્્સ માય ડેડી. તમારી પુકાર મારા સુધી પહોંચી ગઈ, ડેડી, મને બીજું કંઈ ન જોઈએ. છતાં, તમારે ત્યાં આવી હું બ્રિજને ફાવવા દઈ શકું નહિ; એની નજર શરૂથી તમારી દોલત પર છે, આપણા રિયુનિયનમાં એને ફાવતું પડે એ નહિ થવા દઉં હું!)
‘પિતાની તડપ મેં જોઈ છે, દીકરી પણ ઓછું નહિ તડપી હોય એની મને ખાતરી છે. મારાં ચિત્રોથી ફરી કોઈ વૈદેહી રાહ ન ભૂલે તોય ઘણું. બાકી મને પોતે માવતરના પ્રેમમાં વિશ્વાસ રહ્યો નહોતો…’ પોતાની કથા ઉખેળી ઓમે ઉમેર્યું, ‘મારા માટે મારા પેરેન્ટ્્સને હિજરાતા કદી કલ્પી ન શક્યો. એવું હતું નહિ એની ખાતરી પિતાજીએ હાજરાહજૂર થઈ કરાવી આપી…’
વિજયકાંત વીરાણીની મુલાકાત વિશે જાણી વૈદેહીની રાહત બેવડાઈ. ચાલો, એ બહાને ડેડી-ઓમ વચ્ચે આત્મીયતા તો નિઃસ્વાર્થ બની!
બાકી ડેડી પ્રદર્શન જોવા તો આવવાના જ… એમનો સામનો ટાળવા વૈદેહીએ અઠવાડિયાની રજા મૂકી દીધી. ઓમે મારી પૃચ્છા કરી, મારું નામ જાણ્યું તો કદાચ આ નોકરી છોડવી પણ પડે!

‘સમજી ગયો દત્તુ?’
દત્તુ ગલીનો ગુંડો ગણાતો. એને ઘરે તેડી વ્હીસ્કીની જ્યાફત કરાવતા પતિ તરફ ગુસ્સો જતાવા જતી વૈદેહી બ્રિજેશના બીજા વાક્યે ઘરની બા2સાખે જ અટકી ગઈ,
‘ઓમને તારે મારવાનો નથી.’
ઓ…મ! બ્રિજને ડેડીના ભાડૂત સિવાય બીજા કોઈ ઓમમાં રસ નહિ હોય… આખરે એણે ધાર્યું છે શું? વૈદેહી દીવાલસરસી થઈ. ઓમ પાસેથી ડેડીની વાતો સાંભળ્યા પછી છુટ્ટાપણે રડી લેવું હતું, એટલે તો રજા મૂકી પોતે ઘરે આવી ચડી તો આ શું સાંભળવા મળ્યું?
‘સમજાઈ ગયું યાર… ઓમની હત્યા નથી કરવાની, પણ એ રીતે ઘાયલ કરવાનો છે કે એના જમણા હાથના આંગળી-અંગૂઠા હંમેશ માટે બટકાઈ જાય… ’
(ઓ મા. આવું શા માટે?)
‘કરેક્ટ. આટલું થતાં એ કદી પેઇન્ટિંગની પીંછી પકડી નહિ શકવાનો… એની ચિત્રકારીની કારકિર્દીનો ત્યાં જ ધ એન્ડ આવી જવાનો. એના બાપને એટલું જ જોઈએ છે.’
(ઓ…હ. ત્યારે તો મારો વર ઓમના પિતાનો હાથો બની ઓમને નુકસાન પહોંચાડવા માગે છે. ઓમને પહોંચી વળવા જેવું શારીરિક બળ એનામાં નથી એટલે દત્તુને પલોટ્યો છે.)
‘સો ઇટ્્સ ફાઇનલ. કાલ સવારે આપણે બેઉ મારા સસરાના ઘરે જઈશું. હું શ્વશુરજીને એલફેલ બોલીશ એટલે ઓમ વચ્ચે કૂદવાનો, ત્યારે તારે લીડ લઈ એની જોડે ફાઇટ જમાવવાની, તક મળ્યે એકલવ્યની જેમ એના અંગૂઠા-આંગળી કાપી નાખજે… ઓમના પિતાએ કામની ચૂકવેલી કિંમત મેં તને આપી દીધી છે. તું પકડાશે, છ-આઠ મહિનાની સજા પણ થાય તોય એ જ બયાનને વળગી રહેવું કે અનાયાસની તકરારમાં ભાન ભૂલી હું ગુનો આચરી બેઠો… આવું કરવાના પૈસા મળ્યા છે એવી કબૂલાત કદી કરીશ નહિ, વિજયકાંતનું નામ ક્યાંય ખૂલવું ન જોઈએ.’
(કોઈ પિતા આટલો નિર્દય થઈ જ કેમ શકે?)
‘ડોન્ટ વરી. કામ હો જાયેગા.’
(નહિ, તમારી મેલી મુરાદ હું બર આવવા નહિ દઉં?)
વૈદેહીએ નક્કી તો કર્યું, પણ દત્તુ જેવા માથાભારે આદમીને કેમ રોકવો એ સમજાયું નહિ.
કાઉન્ટર પ્લાનિંગમાં અટવાતી વૈદેહીએ મોંથી થયેલી વાતો તો સાંભળી, પતિનો મનોવિચાર સાંભળી શકી હોત તો?
– તો જાણી શકત કે બ્રિજેશના ખરા નિશાના પર તો શ્વશુરજી છે! વિજયકાંતને દીકરાના ચિત્રકાર બનવાનો વાંધો હતો, પીંછી પકડતાં આંગળી-અંગૂઠો જ ન રહે તો પેઇન્ટિંગ કઈ રીતે કરી શકે આર્ટિસ્ટ? બ્રિજનો તર્ક એમને ગમી ગયો. ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી! સંતાનથી મહત્ત્વની આબરૂ ને બીજું ઘણું હોય ત્યારે આ બધું અકલ્પનીય નથી.
વિજયકાંતનું કામ દત્તુ પતાવતો હશે ત્યારે ડોસલો પણ ઓમને બચાવવા મરણિયો થવાનો. એનો કબજો હું લઈ લઈશ. દત્તુ છે, અને એનર્જીની દવા લઈ જઈશ તો બુઢ્ઢો ભારે નહિ પડે… ઓમ-દત્તુથી એને અલગ કરી હું સિફતથી બાલ્કનીમાં લઈ જઈશ ને એક જ ધક્કામાં એ સીધો નવમા માળેથી નીચે!
એના મરતાં તમામ દોલત વૈદેહીની! ડેડીના અંજામના આઘાતમાં પડેલી વૈદેહીની અજાણતાંમાં સહી લઈ મિલકત મારા નામે કરવામાં બહુ મથવું પણ નહિ પડે!
અલબત્ત, અમારું આગમન સાવ છાનું નહિ હોય, ઓમ પોતાની જુબાનીમાં આને હત્યામાં જ ખપાવવાનો છતાં ડરવાની જરૂર નથી, કેમ કે અમને વિજયકાંતની ઓથ હશે. પોતાના પગ તળે રેલો ન આવે એ માટે પણ એ પહોંચેલા આદમીએ અમને બચાવવા દેશના શ્રેષ્ઠ વક્ીલને રોક્યા વિના છૂટકો નથી! સોરી વિજય, આ હિડન કોસ્ટ બદલ.
પોતાના પ્લાનમાં બ્રિજેશને ભલે ત્રુટિ ન જણાઈ, ખરેખર શું બનવાનું એની એને ક્યાં ખબર હતી?

વહેલી સવારે દીકરાને હોસ્ટેલની રૂમ પર મળવા આવી વૈદેહીએ ભીતરના ભેદને વાચા આપી રસ્તો પૂછ્યોઃ હવે શું કરવું?
માની પરેશાની દીકરાનું કાળજું ચીરી ગઈ, આ વખતે તો પિતાએ હદ જ કરી! સાથે કટોકટીને પહોંચી વળવાની ખુમારી પણ એનામાં હતી.
‘હાલ તો પેલા બેઉ નાનાજીને ત્યાં પહોંચવાની તૈયારી હશે… વી મસ્ટ રશ મા. જે થશે એ પછી જોયું જશે.’
દીકરાનો હાથ પકડતી વૈદેહીને પછી દ્વિધા ન રહી.

ચિત્રોને ક્રમાનુસાર ગોઠવી ઓમે તૈયારી પૂરી થયાનો શ્વાસ લીધો કે ડોરબેલના રણકારે ઓમ ભેગા અરવિંદભાઈનેય ચમકાવ્યાઃ આ સમયે કોણ હશે?
દરવાજો ખોલનાર ઓમ માટે અજાણ્યા બેઉ શખસમાંથી એકની ઓળખાણ પડતાં અરવિંદભાઈના જડબાં તંગ થયાઃ બ્રિ….જ તું?
બે આગંતુકોમાં થોડી મોટી વયનો આદમી વૈદેહીનો ધણી છે એ ઓળખે ઓમને ચમકાવ્યો.
‘પ્રણામ શ્વશુરજી-’ નાટકીય ઢબે બ્રિજેશ ફ્્લેટમાં ઘૂસ્યો, દત્તુએ બારણું અડકાવ્યું. એવા જ બ્રિજેશે તેવર બદલ્યાઃ ક્યૂ બે બુઢ્ઢે…
ધાર્યા પ્રમાણે ઓમે વિરોધ નોંધાવતાં દત્તુએ એનો હવાલો લીધોઃ તુ દૂર રહે ચીકને…
‘દત્તુ, તું તારું કામ પતાવ…’ બ્રિજેશના સાદે અરવિંદભાઈ ધ્રૂજ્યાઃ કયું કામ? શું કરવાનો એ મારા ઓમ સાથે?
‘તું જરા આમ આવ તો કાનમાં કહું-’ બેઉ હાથે સસરાજીને જકડી બ્રિજેશ બાલ્કની તરફ દોરી ગયો, બેશક અરવિંદભાઈના બચાવના ઝનૂનને કારણે એની પકડ ધ્રૂજી જતી હતી, પણ દાવ નાખ્યા પછી પાછીપાની કરવાની ન હોય. આઘાતના આંચકાથી સસરાનું જોમ ઓસરી જશે એમ માની એ હજી તો કહેવા જાય છે કે ઓમના પિતાએ એના અંગૂઠા-આંગળાં કાપવાની સોપારી આપી છે ત્યાં…
ધડામના અવાજ સાથે અડકાયેલો દરવાજો ખૂલ્યો. અંદરનો સિનારિયો સમજતાં મા-દીકરાને બે સેકન્ડ લાગી.
‘અંશુ, તું ઓમને બચાવ, હું…’ વૈદેહી બાલ્કની તરફ દોડી, ‘ડે…ડી…’
આ એક સાદ… આ એક સંબોધન… અરવિંદભાઈ માટે સર્વ કંઈ થંભી ગયું.
બ્રિજેશ માટે આ જોઈતી તક હતી. વૈદેહી-અંશના આગમનની પરવાહ કર્યા વિના એણે અરવિંદભાઈને ઘૂંટણેથી ઊંચક્યા, હવે બસ, ફંગોળવાની જ દેર હતી કે-
‘ખબરદાર!’ પિતાનો હાથ આંચકી વૈદેહીએ એવો ધક્કો માર્યો કે બ્રિજેશની પકડ છૂટી, એનું ખુદનું બેલેન્સ ન રહ્યું ને અરવિંદભાઈને ફંગોળવાની મનસા રાખનારો પોતે જ બાલ્કનીમાંથી હવામાં ફંગોળાઈ નીચે પટકાઈ રહ્યો છે એનું અચરજ જ છેવટે સ્થિર થયેલી કીકીમાં સાબૂત રહ્યું!
છેવટ સુધી એને ફાટી આંખે પટકાતો નિહાળતી વૈદેહીને પિતાએ સંભાળી, ‘તેં તો રાક્ષસ હણ્યો, દીકરી.’
દીકરી.
વૈદેહીના અણુએ અણુમાં શીતળતા છવાઈ. ધ્યાન ગયું. અંશ… ઓમ?
‘અંશ બહાદુર છે. ઓમ સાથે મળી એણે દત્તુને કબજે કર્યો છે. વિઘ્ન ટળ્યું. વિજોગ મટ્યો. કહે છે ને, સૌ સારું જેનું છેવટ સારું.’
પિતા-પુત્રી દીવાનખંડમાં આવ્યાં. અંશ દોરડે બંધાયેલા દત્તુને ઠમઠોરતો હતો. ઓમ નજીક આવ્યો,
‘મારે સમજવાનું હતું કે તમે જ વૈદેહી છો.’
‘તમે જાણો છો એકબીજાને?’ અરવિંદભાઈ આશ્ચર્ય પામ્યા.
‘આર્ટ ગેલેરીમાં અમારો મેળાપ થયો, ડેડી, ને તો મને બ્રિજનો બીજો છેડો સમજાયો…’ ખુલાસો કરી વૈદેહી ફોન તરફ વળી, ‘હવે પોલીસને બોલાવવાની ફરજ પણ નિભાવીઐ.’

સદ્નસીબે કાયદો આંધળો નથી. બ્રિજનું મૃત્યુ અકસ્માત તરીકે સ્વીકારાયું. વૈદેહી નિર્દોષ જાહેર થઈ. અલબત્ત, બ્રિજના ગુનાની અદાલતે નોંધ લીધી, દત્તુને ઘટતી સજા થઈ. વિજયકાંતને અદાલતનો ઠપકો મળ્યો.
એથીયે વધુ વસવસો જોકે એમને બદનામીનો હતો. ઓમે ખુદ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એટલે મિડિયામાં વગોવણી થવી સ્વાભાવિક પણ હતી. દીકરા પર અત્યાચાર કરાવવાની મનસા રાખવા બદલ થૂ થૂ થયું. એથી જોકે એમનામાં પસ્તાવો જાગ્યો નહિ. બલકે દીકરાથી એમણે નાતો તોડ્યો. મિલકતમાંથી બેદખલ કરી સંતોષ માન્યો. કેટલાક જીવ ક્યારેક નથી બદલાતા.
ઓમને એની પરવાહ નહોતી. એની પાસે પોતાના કહી શકાય એવા સ્વજનો હતા. પિતાતુલ્ય અરવિંદઅંકલ, વૈદેહીદીદી અને સૌનો લાડકો અંશ! ઓમની ‘વૈદેહી’ શ્રેણી 5ણ ખૂબ વખણાઈ.
પિતાના અંજામનો અંશને ગમ નથી, બલકે માનો છુટકારો થવાની શાતા છે.
સોળ વરસે ભેગા થયેલાં પિતાપુત્રીનાં લાડ સૌ માણે છે, એ સુખને હવે દુઃખનો જોગ નડવાનો નથી એટલું વિશેષ. (સમાપ્ત)

લેખક સાહિત્યકાર છે.