જોગ-વિજોગ

 


(પ્રકરણ – 4)
ચિત્રોના પ્રદર્શનને હજી અઠવાડિયાની વાર હતી, પણ ઓમની ‘વૈદેહી’ શ્રેણી લગભગ તૈયાર હતી.
આજે એણે દોરેલાં ચિત્રો નિહાળી અરવિંદભાઈ ગદ્ગદ્ બન્યા. ‘મારી વેદનાનો નિચોડ તેં કેનનસ પર ઉતારી દીધો.’
‘હવે એક જ ચિત્ર બાકી છે, જેમાં તમારી જીદને છતી કરવાની છે.’
‘જીદ!’ અરવિંદભાઈના હોઠ થરથર્યા. ઓમે કોમળતાથી એમને ઠપકાર્યા, ‘દીકરી-દોહિત્ર પાછળ આટલું ઝૂરો છો છતાં સામેથી એમને તેડાવવામાં તમને નાનમ લાગે છે, વિજોગનો અંત તમારા હાથમાં છે છતાં તમે હાથ લંબાવતા નથી એ જીદ નહિ, તો બીજું શું? માન્યું વૈદેહીએ ગલતી કરી, પરંતુ એનાથી મોં ફેરવી તમે ગલતીનો ગુણાકાર નથી કર્યો? અરે, બ્રિજની અસલિયત તમે તો જાણતા હતા, ખોટા પાત્રને વરેલી દીકરી સાથે શું શું ખોટું થઈ શકે એની કલ્પના તમને ઓછું નહિ પજવતી હોય, છતાં તમે એની ભાળ સુધ્ધાં ન રાખો એ કેવું પિતૃત્વ? સંતાન પ્રત્યે તમે પેરેન્ટ્્સ આટલા આળા કેમ થઈ શકો?’
આવેશમાં પૂછી ઓમે સ્વર સંયત કર્યો,

‘ક્ષમા કરજો, અંકલ, ચિત્ર દ્વારા કહેવા ધારેલું તમને શબ્દોમાં કહી બેઠો…’
‘તેં આજે મન ટંટોળ્યું જ છે ઓમ, તો મને પણ હળવો થઈ જવા દે-’ અરવિંદભાઈની પાંપણ ભીંજાઈ, ‘તારું તારણ સાચું છે. ક્યાંક મારો અહમ્ મને રોકે છે, ક્યાંક હું હજી મારી લાડલીને ક્ષમા નથી કરી શક્યો… જગતમાં જે સૌથી વધુ વહાલું હોય એ જ કોઈ બીજાને કારણે તમને તરછોડે એ કેમ સહન થાય? ઘરમાં એની એક નિશાની ન રાખી છતાં એ જીદમાં ઝુકાવ કેમ નહિ આવ્યો? બારણે થતી દરેક આહટે દીકરીની આશ હતી, દોહિત્રને લાડ લડાવવા જીવ વ્યાકુળ બનતો, પણ વૈદેહી ઉંબરે ન આવી તો મારાથી પણ ઉંબરો ઓળંગાયો નહિ… એની પીડા વેઠુું છું, પસ્તાવો સહું છું, મારા અહમ્્ને કોસું છું, બસ, એથી આગળ નથી જઈ શકતો. કદાચ દીકરી સુખી હોય તો ભોંઠા પડવાની બીક છે એટલે. કદાચ એનું દુઃખ બરદાસ્ત કરવાની હામ નથી એટલે. કદાચ હું હજીય એને માફ નથી કરી શક્યો એટલે કદાચ હવે એની માફી માગવાની લાયકાત નથી રહી એટલે… બાકી વૈદેહી પર શું વીતી હશે એની કલ્પના મારા હાથપગ ઠંડા કરી દે છે… વિજોગનાં આટલાં વરસે હવે કયા મોઢે દીકરી પાસે જાઉં?’ એ રડી પડ્યા.
‘તમારા પગ ન ઊપડતા હોય, અંકલ, તો એ કાર્ય હું કરું?’
હેં!
‘આ ચિત્રશ્રેણીથી દીકરીને પિતાની વ્યથાનો અંદાજ આપવાની નેમ છે, એમ પિતા પણ અહમ્ ત્યજી રાહ ભૂલેલી દીકરીને સ્વીકારી લે તો જ એક ચક્ર પૂરું થયું ગણાય…’
‘ભલે ઓમ, ભલે. પ્રદર્શન પતે એટલે મારી લાડલીને એના ઘરે આણવાની જવાબદારી તારી!’
એમને ભેટી પડતાં ઓમને થયું, કાશ, દરેક પિતા પાસે આવું હૈયું હોતું હોત!

બ્રિજની કીકી ચમકી.
હાજીઅલીની દિશામાંથી વૈભવી કાર શ્વશુરજીના બિલ્ડિંગ આગળ ઊભી રહી. ડ્રાઇવરે ઝડપથી પાછળનો દરવાજો ખોલ્યો. સૂટબૂટમાં પ્રભવશાળી જણાતા પ્રૌઢવયના શેઠ ઊતર્યા. નજર ઉપર ફેંકી- શ્વશુરજીના ફ્્લેટ તરફ જ, ચોક્કસ – પછી આંગળીના ઇશારે વોચમેનને નજીક તેડાવી કશીક પૃચ્છા કરી, જવાબથી સંતોષ થયો હોય એમ ડોક ધુણાવી એમણે અંદર તરફ કદમ ઉપાડ્યા…
ડ્રાઇવર કાર પાર્કિંગમાં મૂકવા ગયો એ દરમિયાન બ્રિજે વોચમેન પાસેથી જાણી લીધુંઃ જી, એમણે અરવિંદભાઈની પૃચ્છા કરી, એમની જોડે રહેતો ભાડૂત ઘરે છે જાણ્યા પછી જ એ ભીતર પ્રવેશ્યા…
ત્યારે તો આ શખશ ઓમની પહેચાનમાં હોવો જોઈએ! આટલી મોટી કાર લઈને આવનારો આદમી મામૂલી નહિ હોય…
કોણ હશે? જાણવું તો જોઈએ. ભોળું સ્મિત ઊપજાવી બ્રિજેશ શેઠના ડ્રાઇવર તરફ વળ્યો.

ડોરબેલ રણકી.
ગઈ કાલે દીકરીની ખોજનો નિર્ણય કર્યા પછી અરવિંદભાઈ હળવાશ અનુભવે છે, લાડલીને આવકારવાનાં સમણાં જુએ છે. દોહિત્રને શું શું ભાવતું હશે એના અનુમાનમાં અટવાતા ફરે છે!
અત્યારે પણ, એમના ચહેરાની સુરખી નિહાળી હરખાતો ઓમ દરવાજો ખોલતાં હેબતાઈ ગયો.
સામે વિજયકાંત વીરાણીને ખંધુ મલકતા ભાળી કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો, હાથની મુઠ્ઠી ભીંસાઈ.
‘કોણ છે, ઓમ?’ દરવાજો ખૂલવા છતાં બીજી કોઈ હરકત ન થઈ એટલે અચરજ પામતા અરવિંદભાઈ બારણા આગળ આવ્યા, આગંતુકની ઓળખ ન પડી, ‘જી, આપ કોણ?’
‘નમસ્કાર, અરવિંદભાઈ.’ વિજયકાંતે હાથ જોડ્યા. ‘મારું નામ વિજય, આ ઓમનો હું પિતા.’
હેં! એ કેમ બને? ઓમનાં માબાપ તો ગુજરી ચૂક્યાં છે…
‘ઘરથી ભાગેલા જુવાને જૂઠી કહાણીથી તમને ભોળવ્યા છે, એનો બાપ હું તમારી સામે છું ને મા કોલકાતામાં એની રાહ જુએ છે!’
કોલકાતા! અરવિંદભાઈની બુદ્ધિ બહેર મારી ગઈ. પારકાં બાપ-દીકરીની ખેવના રાખનારો ઓમ પોતાના જ માવતરનું અમંગળ બોલ્યો! શું કામ?
‘હું નથી માનતો એમને મારા પિતા, અંકલ-’ ઓમે વિજયકાંતથી પીઠ ફેરવી, ‘કેમ કે એમને મન હું દીકરો નથી, એમની અપેક્ષાપૂર્તિનું સાધન છું… વિજયકાંત ઘરના વડીલ નથી, સત્તાધીશ છે. એમની સોબતમાં રહી માની મમતા પણ સુકાઈ ગઈ છે. દીકરો બાપના તાબામાં રહે તો જતેદહાડે વહુ આપમેળે મારી કહ્યાગરી રહે એવી એની સોચ છે…’ ઓમની ભીતરનો લાવા ઠલવાતો ગયો, ‘ચિત્રકાર બનવાના મારા જીવનસ્વપ્નની પિતાને કિંમત નહોતી, એમને તો હું બિઝનેસમાં પણ એમના જ કંટ્રોલમાં રહું એટલું જોઈએ… મારો શ્વાસ ઘૂંટાતો હતો, પણ એની એમને કે માને પરવા નહોતી… હા, મેં ઘર છોડ્યું, હા તમને મેં જૂઠ કહ્યું, કેમ કે મારે વીરાણીનો સહારો નહોતો લેવો, જેમનામાં વહાલનું ઝરણ જ ન હોય એ મા-બાપ શું જીવતાં ને શું મૂઆં!’
કેટલું વીત્યું હશે એક દીકરા પર આમ કહેતા.
‘ઇનફ, ઓમ. તારું લેક્ચર સાંભળવાનો વખત નથી મારી પાસે. દીકરો અમને ઠોકર મારી ઘર છોડી ગયો છે એ જાહેર ન કરવા તું ફોરેન ગયો હોવાનું સમાજમાં બતાવ્યું, ખાનગી રાહે તારી તપાસ કરાવી… માંડ સમય કાઢી આવ્્યો છું, પણ હજીય તું અડી બેસવાનો હોય તો હુંય તારો બાપ છું. મનેય શરમ નહિ નડે. તું ઘરેણાં તફડાવી ભાગ્યો છેની પોલીસફરિયાદ નોંધાવી તને ચોર ઠેરવવાનું ચપટી વગાડવા જેટલું સરળ છે મારા માટે. હું આવડો મોટો બિઝનેસમેન, મારા એકના એક વારસને બે કોડીની ચિત્રકારી કરવા દેતો હોઈશ? છટ્્!’
એમના તેવરમાં અરવિંદભાઈએ પારખવા જેટલું પારખી લીધું.
‘બસ, વિજયભાઈ.’ ઘણાં વરસે અરવિંદભાઈએ ત્રાડ નાખવાનો આવેશ અનુભવ્યો, ‘આટલી હલકી ગુણવત્તા એક પિતાની તો હોઈ જ ન શકે… ઓમને નોંધારો ન ધારશો. આજથી હું એના પિતાનું સ્થાન લઉં છું, જોઉં છું મારા દીકરાને તમે કઈ રીતે પરેશાન કરો છો. ’
ઓમ ગદ્ગદ બન્યો.
‘જોયું વિજયકાંત? આવું હોય બાપનું હૃદય. એમની દીકરી પણ ઘરેથી ભાગી છે, દીકરીને મૃત માની હોવાનું બોલે એ તો જુબાની, એ જ દીકરી માટે પળ પળ ઝૂરતા મેં જોયા છે. ભલે તેઓ એને તમારી જેમ તેડવા ન ગયા હોય, પણ જેટલું ઝૂર્યા છે એનો અંશ તમારામાં દેખાતો નથી. તમે આજે પણ આવ્યા છો તમારા અહમ્્ ખાતર, રૂત્બા ખાતર, નહિ કે દીકરાના જવાથી સૂનકારો લાગે છે માટે.’ ઓમે દરવાજો દેખાડ્યો, ‘જાઓ વિજયકાંત, જાઓ. હું પુખ્ત વયનો છું, તમારો મોહતાજ નથી. અને હા, તમારાથી ડરતો પણ નથી.’
‘બહુ થયું, ઓમ તું આ બુઢ્ઢાના જોરે કૂદાકૂદ કરતો હશે, પણ યાદ રાખ, ધાર્યું તો મારું જ થશે – તારી જિંદગીમાં પણ.’
ધમધમાટભેર નીકળી જતાં વિજયકાંતનું દિમાગ ફાટફાટ થતું હતું.
આમ તો ઓમ પોતાના વશમાં હતો. ડોળા કાઢી તતડાઉ તો હજી ચાર વરસ પહેલા સુધી એનું પાટલૂન ભીનું થઈ જતું… રૂમમાં પુરાઈ એ ચિત્રો બનાવતો રહે એનો વાંધો નહોતો, પણ એણે એમ્પાયર છોડી ચિત્રકાર બનવાની મનસા જાહેર કરી ત્યારે દિમાગ એવું ફટકેલું કે બેલ્ટ કાઢી જુવાન દીકરાને ફટકાર્યો હતોઃ એ તો નહિ જ બને!
પરિણામે ઓમ સહેમેલો રહેતો. ભીતર સતત દ્વંદ્વ ચાલતું. મા પણ પિતાના પક્ષે હતી. કોને કહેવું, શું કરવું? કલાકારજીવ ગૂંગળાવા માંડ્યો ત્યારે એણે ઘર છોડ્યું…
પહેલાં તો વિજયકાંત માની જ નહોતા શક્યા. ઓમ જાણે છે કે આવી ખતા હું બક્ષીશ નહિ; છતાં આવી ગુસ્તાખી? સમાજમાં મારા નામનો ધજાગરો કરાવાનો એ? પિત્તો એવો ગયેલો કે ઓમ એ વખતે મળ્યો હોત તો તામસી પ્રકૃતિના વિજયકાંતે એને ગોળીએ દીધો હોત! આખરે પોતાનું હુંપદ એમના માટે સર્વસ્વ હતું.
આજે પણ એ જ ઝનૂનથી આવ્યા હતા કે મને અચાનક જોઈ ઓમ આમ જ ઢીલો થઈ જવાનો, ડારો આપીશ તો સીધો કારમાં ગોઠવાઈ જશે…
પણ પેલા ડોકરાને કારણે એની હિંમત વધી. બોલ્યોય કેવું કેવું! થોડાક મહિનામાં આટલી હિંમત કેળવાઈ જતી હશે?
જોકે એની ગમે એટલી હિંમતે હું શિકસ્ત નહિ ખાઉં… ઓમને ફરી કાબૂમાં કરવો હોય, ચિત્રકારીનું ભૂત ઉતારવું હોય તો કંઈક જોરદાર કરવું રહ્યું!
પણ શું?
– આનો જવાબ નીચે ડ્રાઇવર સાથે ઊભેલા શખસ પાસેથી સાંપડ્યો.
‘શું થયું સાહેબ? દીકરો નહિ આવ્યો જોડે? આના મૂળમાં મારો સસરો છે…’
પહેલાં તો વિક્ષેપે ગિન્નાયેલા વિજયકાંત આદમીની ઓળખ જાણી વિચારમાં પડ્યાઃ આ તો અરવિંદભાઈનો જમાઈ! આદમી વંઠેલ છે, શ્વશુર પ્રત્યે દ્વેષ પ્રગટ છે, ઓમની નિકટતાથી એ સસરાની મિલકતમાં ભાગ ન પડાવી જાય એવી એની દહેશત સ્વાભાવિક પણ છે… પરંતુ ઓમને મારા શરણે આવવામાં એ મને કઈ રીતે મદદરૂપ થઈ શકે?
‘મારો પ્લાન બહુ સરળ છે, સાંભળો…’
એ કહેતો ગયો એમ વિજયકાંતની આંખોમાં ચમક ઊપસતી ગઈ.
ડીલ પાકી કરી બેઉ પક્ષ છૂટા પડ્યા ત્યારે બ્રિજેશના ચિત્તમાં નવમા માળની બાલ્કનીમાંથી પટકાતા શ્વશુરજીનું દશ્ય રમતું હતું! (ક્રમશઃ)

સમીત (પૂર્વેશ) શ્રોફ

લેખક સાહિત્યકાર છે.