જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો દ્વારા પચીસમા પાટોત્સવની ઉજવણી

(ડાબે) શિકાગોમાં વસતા જૈનો દ્વારા જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો દ્વારા મંદિરની 25મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તસવીરમાં પાટોત્સવમાં ઉપસ્થિત રહેલા ભકતો. (વચ્ચે) પૂજામાં ઉપસ્થિત રહેલા ભક્તો.

શિકાગોઃ ધ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો (જેએસએમસી), બાર્ટલેટ ઇલિનોઇસ દ્વારા મંદિરના પચીસમા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. 22મી જૂનથી પહેલી જુલાઈ દરમિયાન આયોજિત પાટોત્સવ દરમિયાન આ ઐતિહાસિક ઉજવણીનો લહાવો લેવા માટે ચાર હજારથી વધુ ભક્તો સમગ્ર અમેરિકા અને વિદેશથી હાજર રહ્યા હતા. નોર્થ અમેરિકામાં ‘શિખર’ અથવા ડોમ સાથેનું આ પ્રથમ જૈન મંદિર છે, જેણે 25 વર્ષ પૂરાં કર્યાં છે. અમેરિકા અને ભારતથી વિવિધ મહાનુભાવો, વક્તાઓ, ધાર્મિક અગ્રણીઓ પાટોત્સવમાં હાજર રહ્યા હતા.
હાઈ પ્રોફાઇલ નેતાઓ પણ આ પાટોત્સવમાં હાજર રહ્યા હતા, જેમાં ઇલિનોઇસ સ્ટેટ ગવર્નર બ્રુસ રાઉનેર, શિકાગોમાં ભારતીય કોન્સલ જનરલ નીતા ભૂષણ, કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ (ડી-ઇલિનોઇસ), પીટર પોસકામ (આર-ઇલિનોઇસ), સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ્સ ક્રિસ્ટિન વિન્ગર અને લોરા મરફી, સ્ટેટ સેનેટર ટોમ કુલરટોન અને બાર્ટલેટ વિલેજ ટ્રસ્ટીઓનો સમાવેશ થતો હતો.
દસ દિવસની ઉજવણી દરમિયાન ભારતથી સંખ્યાબંધ તજ્જ્ઞો, નિષ્ણાતો, મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં મુનિ જિનચંદ્રજી, આચાર્ય લોકેશ મુનિ, સ્વામી શ્રુતપ્રજ્ઞજી, ચારુકીર્તિ ભાટરાકજી, ગુરુદેવ રાકેશભાઈ ઝવેરી, દીપકભાઈ બારડોલીવાલા, સંજીવ ગોધા, પ્રમોદ ચિત્રભાનુ, તરલાબહેન દોશી વગેરેનો સમાવેશ થતો હતો.
મહત્ત્વના વિષયો પર ચાવીરૂપ વક્તવ્યો પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ, ડો. દીપક જૈન, રાહુલ કપૂર અને સાજન શાહ દ્વારા આપવામાં આવ્યાં હતાં, જ્યારે વિધિકર શ્રી હિતેશભાઈ, શ્રી નરેન્દ્ર નંદુ, શ્રી લલિતભાઈ ધામી, મેઘ નંદુ અને વીર સૈનિક જિનયભાઈ દ્વારા પ્રથમ વાર અમેરિકામાં પૂજા અને ધાર્મિક વિધિ કરવામાં આવી હતી તેમ મંદિરના આયોજકોએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
ગાયક આશિષ મહેતા અને વિકી પારેખે પરફોર્મન્સ આપ્યું હતું. ધ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગોના હોમ મ્યુઝિકલ પ્રોડક્શન નેમ રાજુલ અને કાર્મિલ ફોર્સીસને ખૂબ જ ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો. પ્રોફેશનલ પ્રોડક્શન્સ શેઠ મોટીશા અને વીરના વારસદાર નાટક મુંબઈના રંગત પ્રોડક્શન્સ દ્વારા ભજવવામાં આવ્યું હતું તેમ આયોજકોએ જણાવ્યું હતું.
યુવાનો માટે યુથ ડે, ફીલ્ડ ડે, સેમિનાર, શિબિરો વગેરેની ઘણી પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
ઉજવણીના આકર્ષણનું કેન્દ્ર 1.5 માઈલ લાંબી પરેડ અને શોભાયાત્રા હતી, જેની શરૂઆત બાર્ટલેટની ઈસ્ટવ્યુ મિડલ સ્કૂલથી થઈ હતી અને જૈન ટેમ્પલમાં પૂરી થઈ હતી. પચીસમા પાટોત્સવ ઉજવણીના સંઘપતિ (જયેન્દ્ર અને લીના શાહ, કિશોર અને રશ્મી શાહ, પ્રબોધ અને લતા વૈદ્ય, સંજય અને હેમાલી શાહ, ડો. શૈલેશ અને મયૂરી ઝવેરી) અને અન્ય સ્પોન્સર પરિવારો 12 ડેકોરેટેડ ફલોટ, ભગવાન પાલખી અને રથ, જીવંત ધાર્મિક સંગીત, મ્યુઝિક-ડાન્સ, મોટરસાઇકલો, અશ્વરથ વગેરે શોત્રાયાત્રામાં જોડાયાં હતાં. લગભગ 100 ડિગ્રી ફેરનહીટ તાપમાન હોવા છતાં એક હજારથી વધુ સભ્યો પરેડમાં જોડાયા હતા, જેના પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરાઈ હતી.
ધ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો (જેએસએમસી) દ્વારા ગુરુદેવ ચિત્રભાનુજીના પ્રથમ મેમોરિયલ (જીવંત સ્મારક)ના ઉદ્ઘાટન દ્વારા ઇતિહાસ સર્જવામાં આવ્યો હતો. તેમની અર્ધપ્રતિમાનાં સ્પોન્સર પલ્લવી અને રવીન્દ્ર કોબાવાલા તેમ જ કિન્ના અને સતીષ શાહ હતા.
સન 1970થી શિકાગોમાં જૈનોની વસતિ 30 પરિવારોથી ઓછી હતી, જે વધીને આજે 1900 પરિવારોની થઈ છે તેમ અખબારી યાદી જણાવે છે.
ધ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો (જેએસએમસી) એક્ઝિક્યુટિવ કમિટીના પ્રેસિડન્ટ વિપુલ શાહે જણાવ્યું હતું કે શિકાગો અને અમેરિકામાં વસતા તમામ જૈનો માટે આ માઈલસ્ટોન વર્ષ ગણાય છે. અમારા તમામ કાર્યક્રમોને ઉત્સાહ સાથે આવકાર મળ્યો હતો. ચેરમેન અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ચેરમેન અતુલ શાહે કહ્યું હતું કે અમારી એકતા, સમર્પિત સ્વયંસેવકો, દાતાઓ, સમર્થકોએ અમને આ પાટોત્સવને સફળ બનાવવા ખૂબ જ સહયોગ આપ્યો છે.