ચિન્મય મિશનમાં બળેવ, ચિન્મય આરાધના અને સોમવારનો ત્રિવેણી સંગમ

 

 

અમદાવાદઃ ચાતુર્માસ એટલે ઉત્સવો, સત્સંગ અને ઈશ્વરસ્મરણનો સમય. ચિન્મય મિશન અમદાવાદ દ્વારા કોવિડ-૧૯ના કપરા સમયમાં તેની ઉજવણી જરા જુદી રીતે પણ હંમેશની જેમ ભાવથી, ઓનલાઇન ઊજવીને કરવામાં આવી રહી છે. ત્રીજી ઓગસ્ટે રક્ષાબંધન એટલે કે બળેવ, ચિન્મય આરાધના દિવસ અને શ્રાવણ સોમવારના ત્રિવેણી સંગમસમા પર્વે વિવિધ પૂજા અને હવન દ્વારા વિશ્વકલ્યાણ અને વિશ્વશાંતિની ભાવના વ્યક્ત કરવામાં આવી. જુદી જુદી પૂજાઓને સંસ્થાના ફેસબુક પેજ અને પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પર જીવંત પ્રસારિત કરવામાં આવી હતી જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકો ઘેરબેઠા આ બધી પૂજાઓમાં જોડાઈ શકે. 

સંસ્થાના પરમધામ મંદિરસ્થિત બળેવના પર્વને અનુલક્ષીને ઉપાકર્મ એટલે કે જનોઈ બદલવાની વિધિ અને ગાયત્રી હવન કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ શ્રાવણ સોમવાર નિમિત્તે મૃત્યુંજય હવન અને ભગવાન ગંગેશ્વર મહાદેવને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો જેમાં દૂધ, જળ, દહીં, મધ વગેરે દસ પ્રકારની સામગ્રીથી ભગવાનને અભિષેક કરીને ફૂલોના સુંદર શણગાર કરવામાં આવ્યા હતા. ૩ ઓગસ્ટે, જેમની પ્રેરણાથી સાત દાયકા પહેલાં ચિન્મય મિશનની સ્થાપના થઈ હતી તે સ્વામી ચિન્મયાનંદજીનો ૨૭મો મહાસમાધિ દિવસ પણ હોવાથી તે અવસરે ગુરુપાદુકા પૂજા કરવામાં આવી અને ગુુરુપરંપરા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. તે સાથે જ સ્વામી ચિન્મયાનંદજીના પ્રેરણાદાયી જીવન અને તેમનાં કાર્યો વિશેની વીડિયો સિરિઝ પણ પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ રીતે ઉત્સવોની સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન ઉજવણી કરીને મિશન દ્વારા સૌને આ કસોટી અને નિરાશાભર્યા સમયમાં ઉત્સાહ અને ઉમંગથી જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here