જૈન મુનિ રાજસુંદરવિજયની શબ્દ-તપસ્યાનું અનોખું મેઘધનુષ

0
1320

કોઈ પણ ભાષાની સમૃદ્ધિ એના શબ્દભંડોળને આધારે નહિ, પણ એના શબ્દોના અર્થ-ભંડોળના આધારે નક્કી કરી શકાય. ઓછામાં ઓછા શબ્દો દ્વારા સચોટ અને વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ કરવાની હોય ત્યારે સંસ્કૃત ભાષાની તોલે બીજી કોઈ ભાષા ન આવી શકે.

કોઈ એક જ શબ્દના અનેક અર્થ આપવાની તાકાત સંસ્કૃત ભાષા પાસે છે. ક્યારેક તો એક અક્ષરના પણ અનેક અર્થ સંસ્કૃત ભાષા આપે છે. એની અર્થસમૃદ્ધિ વિસ્મયપ્રેરક જ નહિ, આદરપ્રેરક પણ છે. આ કારણે જ કદાચ સંસ્કૃત ભાષાને દેવોની અને વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે.

માત્ર 23 વર્ષની ઉંમરે, એક જૈન મુનિએ આઠ-નવ વર્ષના સંયમજીવનમાં અનેક ગુજરાતી ગ્રંથોની રચના કરી છે. અલબત્ત, એમને સંસ્કૃત ભાષા પ્રત્યે વિશેષ અટ્રેક્શન છે એટલે સંસ્કૃત ભાષાનાં શાસ્ત્રો અને ગ્રંથોનો તેઓ સતત અભ્યાસ કરતા રહે છે. એ જૈન સાધુનું નામ છે મુનિ રાજસુંદરવિજય મહારાજ.

મુનિ રાજસુંદરવિજય મહારાજે પોતાના સાધુજીવનની આચારસંહિતાનું ચુસ્ત જતન કરતાં-કરતાં એક વિરલ અને વિસ્તૃત એકાક્ષર કોશની રચના કરી છે. આમ તો સંસ્કૃત ભાષામાં અનેક કોશગ્રંથો અને એકાક્ષર કોશોની રચના અનેક વિદ્વાનોએ કરી છે, કિન્તુ આટલા બૃહદ અને સમૃદ્ધ ગ્રંથની રચના પ્રથમ વખત થઈ રહી છે. કદાચ એકવીસમી સદીની આ મહાન ઘટના ગણાશે. અત્યાર સુધીમાં કુલ 45 એકાક્ષર કોશો ઉપલબ્ધ છે. એમાં 100થી વધારે શ્લોકરચના માત્ર ત્રણ કોશકારોએ કરી છેઃ (1) સૌભરિકૃત એકાક્ષરનામમાલા ગ્રંથમાં 100 શ્લોકો છે. (2) વિશ્વશંભુકૃત એકાક્ષરનામમાલા ગ્રંથમાં 115 શ્લોકો છે. (3) કાલિદાસ વ્યાસકૃત એકાક્ષરનામમાલા ગ્રંથમાં 153 શ્લોકો છે. જ્યારે મુનિ રાજસુંદરવિજય મહારાજ દ્વારા તૈયાર થયેલા એકાક્ષર કોશમાં કુલ 650 શ્લોકો છે! એટલે કે આજ પર્યંતના તમામ એકાક્ષર કોશોમાં આ એકાક્ષર કોશ સૌથી બૃહદ અને સૌથી સમૃદ્ધ છે.

મુનિ રાજસુંદરવિજય મહારાજની આ શબ્દ-તપસ્યાનું નામ છેઃ સુંદરરૈકાક્ષરકોશ. આ ગ્રંથમાં માત્ર એકાક્ષર શબ્દોનું અનેક અર્થ સાથે સંકલન થયેલું જોવા મળશે. રિપીટ, અહીં એક શબ્દની વાત નથી, એક જ અક્ષરવાળા શબ્દોની વાત છે. ગુજરાતીમાં એક અક્ષરવાળા શબ્દોથી આપણે પરિચિત છીએ. જેમ કે ઘી, ચા, તે, હું, મા, ના, હા, ઘો, વા વગેરે. પણ અહીં એવા શબ્દોની વાત નથી. અહીં તો સંસ્કૃત વર્ણમાળા (કક્કા)ના અક્ષરના વિવિધ અર્થોની વાત છે. સપોઝ, ‘એ’ અક્ષરના કેટલા અર્થ તમે જાણો છો, એવો સવાલ તમને પૂછવામાં આવે તો તમે જવાબમાં કેટલા અર્થની સંખ્યા કહેવાનું સાહસ કરશો? માત્ર એ અક્ષરના સંસ્કૃત ભાષા પાસે 40 અર્થ છે, બોલો!

હજી વધારે વિસ્મય એન્જોય કરવું હોય તો થોડા બીજા અક્ષરના અર્થની સંખ્યા પણ સાંભળોઃ‘ઓ’ એકાક્ષરના 50 અર્થ, ‘ક’ એકાક્ષરના 70 અર્થ, ‘આ’ એકાક્ષરના 75 અર્થ, ‘ઇ’ એકાક્ષરના 46 અર્થ,‘ઈ’ એકાક્ષરના 56 અર્થ, ‘ઉ’ એકાક્ષરના 65 અર્થ, ‘ખ’ એકાક્ષરના 79 અર્થ, ‘ઝ’ એકાક્ષરના 65 અર્થ થાય છે!

તમને લાગશે કે આ બધી મનઘડેલી વાહિયાત કલ્પનાઓ જ છે, કારણ કે આપણે ભાષાની ખૂબીઓ વિશે કદી ખાનદાનીભર્યો અભ્યાસ કરવાની તસ્દી જ ક્યાં લઈએ છીએ? મુનિ રાજસુંદરવિજય મહારાજે આ એકાક્ષર કોશમાં એક પણ અક્ષર એવો નથી લીધો, જેનો કોઈ પૂર્વાપર સંદર્ભ ન મળતો હોય. તેમણે ટોટલ 33 રેફરન્સ કોશગ્રંથોનો આધાર લઈને અત્યંત વિશ્વસનીય રીતે આ કોશ તૈયાર કર્યો છે. દૂર-દૂરથી ગ્રંથો મગાવ્યા, મેળવ્યા અને એમનો ગહન અભ્યાસ કર્યો. દરેક અર્થના તળિયા સુધી જવાનો પુરુષાર્થ કર્યો. દરેક અર્થ માટેના રેફરન્સ આપવા માટે તેમણે ‘પુણ્યસૌમ્યા’ અંતર્ગત વૃત્તિનું સંસ્કૃત ભાષામાં સર્જન કર્યું છે. ‘પુણ્યસૌમ્યા’ નામકરણ પણ પોતાનાં જન્મદાતા માતા-પિતાના નામને આધારે કર્યું છે. મુનિ રાજસુંદરવિજય મહારાજનાં માતા-પિતા પણ જૈન સાધુજીવનમાં છે. પિતા મુનિ રાજપુણ્યવિજય મહારાજ અને માતા સાધ્વી

સૌમ્યવદનાજી મહારાજના નામનો એમાં આદરયુક્ત ઉલ્લેખ છે.
કોશકાર મુનિ રાજસુંદરવિજય મહારાજે આટલાથી પણ સંતોષ ન માન્યો. પોતે કોઈ ભૂલ તો નથી કરી ને અથવા પોતાને મળેલો સંદર્ભ જેન્યુઇન તો છે ને, એની ખાતરી કરવા માટે એમણે 40થી વધારે વિદ્વાનો પાસે પોતાની વિગતો ચેક કરાવી. ડાઉટ પડ્યો ત્યાં વધારે ઊંડો અભ્યાસ કરીને ચોકસાઈ કર્યા પછી જ એની ઓથેન્ટિક નોંધ કરી!
ચાલો, તમને સંસ્કૃત ભાષાના ભારતભરના બે-ચાર લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાનોએ આ ગ્રંથ વિશે આપેલા અભિપ્રાય કહી દઉં…
શિમલા-હિમાચલ પ્રદેશની શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ અભિરાજ રાજેન્દ્ર મિશ્ર કહે છે કે,‘એકાક્ષર કોશ જોતાં લાગે છે કે મુનિની બુદ્ધિ વિદ્વાનોની સભામાં સદૈવ વિજયી છે અને તેની હું સ્તવના કરું છું.’
જમ્મુસ્થિત જગદગુરુ રા. રા. સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ સ્વ. રામાનુજ દેવનાથને પોતાના અવસાન પૂર્વે લખ્યું હતું કે, ઁખરેખર, આ કોશ સર્વ કોશથી અલગ છે, સાથે સાથે સર્વશ્રેષ્ઠ પણ છે.’

ગુજરાતી કવિ હર્ષદેવ માધવ લખે છે કે, ‘ખરેખર, આ કોશ સંસ્કૃત સાહિત્યમાં અમૂલ્ય રત્નસમાન છે.’
તો ધારવાડ (કર્ણાટક)ના વિદ્વાન વેણીમાધવ શાસ્ત્રી તો આ એકાક્ષર કોશને બિરદાવતાં કહે છે કે, ‘આ કોશની રચના એટલી અદ્ભુત છે કે તેને ગિનેસનો એવોર્ડ અવશ્ય મળવો જોઈએ.’

18 રાજ્યોના 40થી વધુ વિદ્વાનો દ્વારા પોંખાયેલો આ એકાક્ષર કોશ સમગ્ર જૈન સાધુસમાજનું ઘરેણું છે અને સમગ્ર સાહિત્યજગતનું ગૌરવ છે. આ માટે મુનિ રાજસુંદરવિજય મહારાજને તેમના ગુરુ કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્ય વિજય રાજેન્દ્રસૂરિજી મહારાજના અને સુલતાન પાર્શ્વનાથ તીર્થોદ્ધારક ગચ્છાધિપતિ આચાર્ય વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજના તો ભરપૂર આશીર્વાદ મળ્યા જ છે, ત્યારે આપણેય એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં શા માટે કરકસર કરવી?

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.