જે અંદર હોય તે બહાર પણ હોય એ જ જીવનનું સૌથી સરળ સમીકરણ

0
944

પ્રિય પ્રાર્થના,
દરિયાકિનારે જઈને આવ્યા. ગાંધીને ગામ પોરબંદર જઈને આવ્યા. સુદામાપુરી જઈને આવ્યા. ગુરુપૂર્ણિમાના આગળના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો ઉપક્રમ હોય છે, સાંદીપનિ વિદ્યાસંકુલમાં. દરિયો એક કાવ્ય થઈને વર્તમાનનું ગીત ગાતો હોય. સુદામાની યાદ આવતાં પ્રાચીન પરંપરાઓનું અનુરણન થતું હોય છે, તો ગાંધીને હવે દોઢસો વર્ષ થવાનાં છે ત્યારે ભવિષ્ય અને ગાંધીની પ્રાસંગિકતાની ચર્ચા હવામાં છે ત્યારે જાણે ત્રણેય કાળ ભેગા થઈને ત્રિકાળસંધ્યા કરતા હોય તેવા વાયુમંડળમાં બે દિવસ રહ્યા એનો અનહદ આનંદ. મજા આવી.
રમેશભાઈ ઓઝા પૂ. ભાઈશ્રીની પ્રેરણાથી ધમધમતું આ વિદ્યાસંકુલ જુદા જ વાઇબ્રેશનનો અનુભવ કરાવે છે. અહીં માત્ર સન્માનના વિધિવિધાન નથી હોતાં, અહીં થોડી વિદ્યાસંગોષ્ઠિ હોય છે. કેવું હશે ભવિષ્ય? સર્જનાત્મક શિક્ષણ એટલે શું? ઇનોવેશન એટલે શું? મારે સંગોષ્ઠિની શરૂઆત કરવાની હતી. મેં બહુ મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો. શિક્ષણનું મેકોલે મોડેલ ધાર્યું હતું એવું સફળ રહ્યું નથી. અહીંથી ગયેલા તેજસ્વી યુવાનો જો સિલિકોન વેલી ચલાવતા હોય તો અહીં કેમ સિલિકોન વેલી સર્જાતી નથી. આ પ્રશ્ન હું સરકારમાં હતો ત્યારે પણ જુદી રીતે અલગ અલગ ફોરમમાં ઉઠાવતો રહેતો હતો. બીજું, અહીંથી ભણીને તૈયાર થયેલા ટેક્નોક્રેટ વિશ્વના દરેક ખૂણામાં પોતાનું કૌવત બતાવી શક્યા છે. તો ક્યાં પ્રશ્ન ઊભો થયો છે. શું છેલ્લી બે-અઢી પેઢીના શિક્ષકો ઊણા ઊતર્યા છે. હમણાં ગયા અઠવાડિયે પાલનપુરના આદર્શ સંકુલમાં મારે કમેન્સમેન્ટ સ્પીચ આપવાની હતી, ત્યારે મેં એક શબ્દચિત્ર આપેલું અમારા શિક્ષકોનું. કેવા હતા એ લોકો! ખાદીનું ધોતિયું પહેરેલું હોય, સાદો ખાદીનો ઝભ્ભો હોય, પણ જ્યારે વર્ગખંડમાં આવે ત્યારે ખબર પડે કે સાદાઈ હતી. પણ વસ્ત્રોની સાદાઈને વિદ્યાની ઊંડાઈને કોઈ રીતે પ્રભાવિત કરી શકતા નહોતા. આંખો પરનું તેજ અને ચમકતું લલાટ, નિઃસ્વાર્થી થવાની અપ્રતિમ હિમ્મત અને વિદ્યાવ્યાસંગ સિવાયની કશી ખેવના નહિ. આજે જેને હોલિસ્ટિક એજ્યુકેશન કહેવામાં આવે છે તેનો કશો જુદો પ્રયોગ થતો હતો. મારા પિતાજી જે અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા, એ ગણિતના શિક્ષક ના આવે તો બીજગણિત એલજિબ્રા શીખવતા. વિજ્ઞાનના શિક્ષક જ્યારે આંખ શીખવવાની હોય ત્યારે સવારે આઠ વાગ્યાથી બ્લેક-બોર્ડ પર આંખ દોરતા. એમની મહેનતની એટલી બધી મહત્તા હતી કે કોઈ ત્રણ દિવસ સુધી એ આંખનું રક્ષણ કરતા. અને આને માટે કોઈ વિશેષ સૂચના આપવાની જરૂર નહોતી પડતી. આ અસામાન્ય શૈક્ષણિક વાતાવરણ હતું. પિતાજી આચાર્ય તરીકે સવારે પાંચ વાગ્યે અમારી સાથે દોડવામાં આવી જતા. સવારે ભગવદ્ગીતાના ખાસ વર્ગ ચાલતા. આ વાતાવરણે અનોખો અનુબંધ રચી આપેલો. જીવનની સમજણનું શિક્ષણ જ આજે ટકી રહ્યું છે.
એ શિક્ષકો જે સાદાસીધા લાગતા હતા એમણે જીવનનું જે અમૃત પાયું તેની સ્મૃતિ અને ઓડકાર આજે પણ જીવનની યથાર્થતા સમજાવી રહ્યાં છે.
હમણાં એક શ્રોતાએ સરસ પ્રશ્ન પૂછ્યો. એણે પૂછ્યું, સરળતા કેવી રીતે ટકાવી રાખવી? અઘરું છે, જગતમાં તમે ખટપટિયા લોકોને સફળ થતા જુઓ ત્યારે તમને સફળ થવાની લાલચ લાગે, પણ અહીં જ કેચ છે, જો તમે તમારી જાત સાથે આવા સમયમાં થોડી સાવધાનીથી કામ લો, તો, બચી જવાય છે. સૌથી સરળ સમીકરણ છે, જે અંદર હોય તે બહાર પણ હોય. કોઈ ડિપ્લોમસી નહિ. ગુજરાતી સાહિત્યમાં આ માટેના આદર્શપુરુષ એ વિનોદ ભટ્ટ છે. મેં જોયું છે જગતમાં પૈસાવાળા કે સત્તાવાળા તમારા જીવનને રેગ્યુલેટ કરવા પ્રયત્ન કરતા હોય છે. આવામાં તમારા અંદરથી જો સ્વાયતત્તાની એક પ્રબળ લાગણી ઊઠે તો સમજવું કે હજી પણ તમારામાં એક જગતસંચાલક અગ્નિ જલે છે. પોતાની સર્જક સ્વાયતત્તાને બચાવવા જેવું આત્મશુદ્ધિ માટેનું બીજું કોઈ તપ નથી.
પ્રાર્થના, આ વખતની અમેરિકા યાત્રાએ મને બે ત્રણ બાબતો પર વિચાર કરતો કરી મૂક્યો હતો તે ટેક્નોલોજીને લીધે બદલાઈ રહેલી જિંદગીને કેવી રીતે વાળવી? મને લાગે છે, મારી આ વિચારણાનો પહેલો ટેસ્ટ શિક્ષણના ક્ષેત્રમાં લાગુ પાડવો જોઈએ. યુ-ટ્યુબના જમાનામાં વર્ગખંડની અસરકારકતા ટકાવવા શું કરવું જોઈએ? ન્યુઝ અર્થાત્ સમાચારોના સતત વહેતા સોશિયલ મિડિયાના પ્રવાહોમાં સત્યને તારવવા શું કરવું જોઈએ? હવે પછી આ પ્રશ્નો ક્યારેક તપાસીશું, પણ અત્યારે તો લાગે છે કે જગત એક સાંસ્કૃતિક સંક્રાન્તિમાં સપડાયેલું છે અથવા પસાર થઈ રહ્યું છે ત્યારે આપણા વર્ગખંડોને બચાવવા બહુ જરૂરી છે. કોણ આની પહેલ કરી શકે? કોમળ કિશોરોનાં માતા-પિતાની આ બહુ મોટી જવાબદારી છે. એમને આનો ખ્યાલ છે ખરો?.. ફરી ક્યારેક જોઈશું.
શુભાશિષ સાથે,
ભાગ્યેશના જય જય ગરવી ગુજરાત.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.