જેસીરેટ વીંગ ઓફ જેસીઆઈ નડિયાદ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષની ઊજવણી

 

નડિયાદઃ ૨૧મી સદી મહિલાઓની સદી છે. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓ અને વંચિતોના ઉત્થાનને ખૂબ પ્રાધાન્યા આપ્યુ છે. જે રાષ્ટ્રમાં અડધો અડધ હિસ્સો મહિલાઓનો હોય ત્યાં મહિલાઓના વિકાસ વગર રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. તેમ નડિયાદમાં જેસીરેટ વીંગ ઓફ જેસીઆઇ નડિયાદની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે મુખ્ય  અતિથિ તરીકે ઉપસ્થિત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબહેન આચાર્યએ જણાવ્યું  હતું. 

આ પ્રસંગે તેઓએ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અમલી વિવિધ યોજનાઓની જાણકારી ઉપસ્થિત જેસીરેટ વીંગ ઓફ જેસીઆઇની બહેનોને આપી હતી. ‘ચલો જીતે હૈ’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા બહેનોને ખાસ અનુરોધ કર્યો હતો. તેઓએ તમામ પૂર્વ જેસીરેટ ચેરપર્સનની તેઓએ સંસ્થાને આપેલ અમૂલ્યમ સમય અને સેવાઓને બિરદાવી સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય  દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે જેસીરેટ વીંગ ઓફ જેસીઆઇ નડિયાદના ૫૦ વર્ષની ઉજવણી પ્રસંગે બધા જ પૂર્વ ચેરપર્સન ઉપસ્થિત રહ્યા તે આનંદ અને ગૌરવની વાત છે. સંસ્થાએ જે કામો કર્યા તે સેવાનો પર્યાય છે. આ પ્રસંગે ઉપસ્થિત બહેનોને વિધાનસભામાં ચાલતી કામગીરી નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

જેસીરેટ વીંગના ઝોન પ્રેસીડેન્ટ જેસી ડો. દર્શન મરજાદીએ જણાવ્યું હતું કે જેસીરેટી વીંગ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી પાંખ છે. મહિલાઓને કોઇ સંસ્થાની જવાબદારી સોંપવામાં આવે તો તેઓ કેવી રીતે સંભાળે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ કાર્યક્રમમાં જેસીરેટ વીંગમાં સેવા આપનાર સુહાગબહેન રજનીભાઈ પરીખ સહિત તમામ પૂર્વ ચેરપર્સનનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો અર્પણ કરી સન્માનીત કરાયા હતા. 

કાર્યક્રમની શરૂઆતમાં જેસીરેટ વીંગના ચેરપર્સન જીનલબહેન ગજ્જરે સ્વાગત પ્રવચનમાં પૂર્વ જેસીરેટ વીંગના સભ્યોનો પરીચય કરાવી આભાર વ્યક્ત કર્યો હતો. અને સંસ્થાની કામગીરીની રૂપરેખા આપી હતી. 

કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ભગવતીબહેન જોષીએ કરી હતી. આ પ્રસંગે જેસીરેટ દેવાંગભાઇ શાહ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબહેન વાઘેલા, જેસીરેટ વીંગના પૂર્વ ચેરપર્સન, સભ્યો  તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.