જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર ભારતનું લોજિસ્ટિક ગેટવે બનશે : મોદી

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ અવસરે મુખ્યમંત્રી યોગીને કર્મયોગી ગણાવતા તેમણે રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોને ગણાવ્યા હતો. તો બીજીતરફ વિપક્ષી પક્ષો પર તીખા પ્રહારો કર્યા હતા. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ભૂમિપૂજન બદલ ઉત્તર પ્રદેશના લોકોને વડા પ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતાં અને કહ્યું હતું કે, આ એરપોર્ટ નોઇડા અને પશ્ચિમ યુપીને વૈશ્વિક નકશા પર મૂકશે. તે ઉત્તર ભારતનું લોજિસ્ટિક્સ ગેટવે બનશે. તેમણે કૃષિ કાયદાને રદ કર્યા પછી પશ્ચિમ યુપીમાં તેમના પ્રથમ જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું. કૃષિ કાયદાનો વિરોધ કરનારા મોટા ભાગના ખેડૂતો યુપીના આ ભાગમાંથી આવે છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ એરપોર્ટના નિર્માણથી આગ્રાના પેઠા, સહારનપુરના ફર્નિચર અને મુરાદાબાદના વાસણોના બિઝનેસને વેગ મળશે. તેમણે કહ્યું કે દાયકાઓથી યુપીને ટોણા સાંભળવા માટે મજબૂર કરવામાં આવ્યું હતું. ક્યારેક ગરીબી તો ક્યારેક ભ્રષ્ટાચારના ટોણા સાંભળવા પડતા હતા. યુપીના સક્ષમ લોકોનો પ્રશ્ન હતો કે રાજ્યની છબી સુધારી શકશે કે નહીં. જે ઉત્તર પ્રદેશને પહેલાની સરકારોએ અંધારામાં રાખ્યું હતું, તે જ રાજ્ય આજે દુનિયામાં પોતાની છાપ છોડી રહ્યું છે. આજે યુપીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ બનાવવામાં આવી રહી છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરની રેલ જોડાણ અને વિશ્વની કંપનીઓના રોકાણનું કેન્દ્ર છે. આ બધું આજે આપણા યુપીમાં થઈ રહ્યું છે. તેથી જ દેશ અને દુનિયાના રોકાણકારો કહે છે કે ઉત્તર પ્રદેશ એટલે શ્રેષ્ઠ સુવિધા અને સતત રોકાણ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દાઉજીના મેળાની પ્રખ્યાત જ્વેલરીને હવે આંતરરાષ્ટ્રીય નકશામાં સ્થાન મળ્યું છે. તેનાથી દિલ્હી એનસીઆર સહિત પશ્ચિમ યુપીના ઘણા જિલ્લાના લોકોને ફાયદો થશે. ૨૧મી સદીનું ભારત એક પછી એક આધુનિક સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે. એક્સપ્રેસ-વે, એરપોર્ટ અને સારા રેલ્વે સ્ટેશન એ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી પરંતુ તે દરેકનું જીવન બદલી નાખે છે. મજૂરોથી લઈને વેપારીઓ  અને ખેડૂતો સુધી દરેકને તેનો લાભ મળે છે. આવા પ્રોજેક્ટ્સને જ્યારે સીમલેસ કનેક્ટિવિટી હોય ત્યારે વધુ તાકાત મળે છે. કનેક્ટિવિટીની બાબતમાં પણ તે એક શાનદાર મોડલ બનાવશે.

નોઇડા એક્સપ્રેસ વેની અૅક્સેસ ગમે ત્યાંથી ઉપલબ્ધ થશે. અહીં પહોંચવા માટે ટેક્સી, મેટ્રોથી લઈને રેલ સુધીની સુવિધા હશે. એરપોર્ટથી નીકળતાની સાથે જ તમે સીધા યમુના એક્સપ્રેસ વે પર આવી શકો છો. આ સિવાય નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર જઈ શકાય છે. આ સિવાય યુપી, દિલ્હી અને હરિયાણાના કોઈપણ વિસ્તારમાં જવા માટે પેરિફેરલ એક્સપ્રેસ વે પર પહોંચી શકાય છે. એટલું જ નહીં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પણ તૈયાર થવાનો છે. તેનાથી વધુ સીધી કનેક્ટિવિટી હશે.