જેઠાના છકડિયા દુહાઃ માનવસંબંધોની ક્ષણભંગુરતાનો પડઘો

0
1264

કોઢિયો થઈને કુટુંબ તજ્યું, ને મેલી માવતરની માયા,
હાડ, ગુડા ને ચામ ગળે, ને ગંધ મારે છે કાયા;
ગંધ મારે છે કાયા,
તી ગળે,
ને ગરવે જાઉં તો
પંડનાં પાતક ટળે.
જેઠિયો રામનો કે
ગરવો ડુંગર ને
શીતળ છે છાયા,
કોઢિયા થઈને કુટુંબ તજ્યું, ને મેલી માવતરની માયા. (1)
વિધાતા વેરણ થઈ, ને પંડમાં દીધો છે કોઢ,
લીધા નહિ કંઈ લાવ ને, ન માણી સંસારની મોજ,
ન માણી સંસારની મોજ તે કઈ,
ને મનની મમતા મનમાં રહી,
જેઠિયો ભગત કે તજવો સંસાર ને કરવી ખોજ
વિધાતા વેરણ થઈ, ને પંડમાં દીધો છે કોઢ. (ર)
વિધાતાને દોષ શું દેવો, કરણી આવી આડી,
કંઈકને કાંધે મારિયા, ને કંઈકની વેડી વાડી,
કંઈકની વાડીને વેરણ કરી,
ને કંઈક ગૌહત્યા લીધેલ પણ ખરી,
જેઠિયો રામનો કે પંડનાં પાપ ખાય છે ચાડી,
વિધાતાને દોષ શું દેવો, કરણી આવી આડી. (3)
કહેવાય છે કે રામ ચમારના દીકરા જેઠાને જુવાનીમાં કોઢ નીકળ્યો, બધા તિરસ્કારથી તેની સાથે વરતવા લાગ્યા, મા-બાપ બિચારાં ઘરડાં, એમની ચાકરી માંડ-માંડ થતી હોય તેમાં આ જેઠાની કોણ ખબર કાઢે? સગું-વહાલું મળવા આવ્યું હોય તો જેઠાની સાથે કોઈ રામ-રામ કરીને હાથ પણ ન મિલાવે પછી બથોડા ભરીને, ગળે વળગીને ભેટવાની તો કોઈ હિમ્મત પણ કરે જ ક્યાંથી? આ કોઢથી જેઠાને માનવસંબંધોની ક્ષણભંગુરતાનું ભાન થઈ ગયું. તણખલા જેવા, બટકણા સંબંધોથી સભાન થઈ જઈને કુદરતને ખોળે-ગરવા ગિરનારની છાંયામાં આશરો લેવાનું નિરધારીને જેઠો કુટુંબ છોડીને ચાલી નીકળેલો. નિરક્ષર એવા જેઠાએ પછીના અનુભવને દુહામાં ઢાળેલા છે. કંઠોપકંઠ આ છકડિયાઓમાંથી કેટલાક સચવાયા છે.
મોટી વાત તો એ છે કે જેઠાએ સમાજના વરવા અનુભવનો કોઈ ડંખ કે સમાજના નકારાત્મક ભાવનો ખટકો મનમાં ન રાખ્યો. એટલે સંબંધીઓને ભાંડવાને બદલે પોતાના પૂર્વજન્મનાં કાર્યોને દોષ દઈને, આ વર્તમાન ભવ-જિંદગી-સુધારવા ભક્તિ તરફ વળ્યો. એને આવેલો વૈરાગ્ય, માનવજાત પરત્વેની એની કડવાશને નથી પ્રગટાવતો, પણ પોતાની જાત પ્રત્યે કઠોર બનીને સાધના અને પ્રભુ નામસ્મરણ તરફ વળે છે… માનવીઓને એની મર્યાદા સમેત સ્વીકારી લેતો જેઠો આ કારણે મહત્ત્વનો છે. એણે બીજા ઘણા છકડિયા રચેલા છે.
છકડિયા દુહા એ દુહાનો એક પ્રકાર છે. એમાં છ પંક્તિ હોય, પ્રથમ પંક્તિ અંતિમ છઠ્ઠી પંક્તિ સ્વરૂપે નવા અર્થ સાથે પુનરાવર્તન પામે. બીજી પંક્તિનો ઉત્તરાર્ધ થોડા ફેરફાર સાથે ત્રીજી પંક્તિ સ્વરૂપે સ્થાન પામે. પહેલી-બીજી તથા પાંચમી-છઠ્ઠી પંક્તિના પ્રાસ એક્સરખા હોય અને ત્રીજી-ચોથી પંક્તિના પ્રાસ જુદી રીતે મળતા હોય. આખરે આ દુહા ગાવાના, લાંબા ઢાળથી પ્રસ્તુત કરવા માટેના છે, એટલે એમાં છંદ ન જળવાયો હોય તો પણ ગાતી વખતે આરોહ-અવરોહમાં બધું બરાબર ગોઠવાઈ જાય. એના શાસ્ત્રની ચર્ચામાં ઊંડા ઊતરી શકાય, પણ આપણો હેતુ આ છકડિયામાંથી પ્રગટતું જેઠાનું વ્યક્તિત્વ અને એના લોક્સંસ્કારોને રજૂ કરવાનો છે.
માવતરથી છાયાની માયા મેલીને ચાલી નીકળેલા જેઠાને પંડનો કોઢ ટાળવો છે, એટલે ગરવા ગિરનારની શીતળ છાંયામાં પહોંચી જાય છે. ભાગ્યવસાતે આ કોઢ પ્રાપ્ત થયો છે એ કારણે સંસારનો કોઈ લહાવો કે મોજ નથી માણી શક્યો, પણ હવે તો એ સંસાર કે જે ભોગવાયો નથી એને ત્યજીને પરમ તત્ત્વની ખોજ માટે નીકળી પડવું છે. પછી તો વિધાતાનેય જેઠો દોષ દેતો નથી. પોતાની જ પૂર્વાવસ્થાનાં કોઈ એવાં કુકર્મો હશે કે જેનું આ જન્મમાં કોઢ સ્વરૂપે ફળ મળ્યું છે. પોતાની જાતનું જ પરીક્ષણ-નિરીક્ષણ કરતો જેઠો જે કુકર્મોની વાત કરે છે એમાં કોઈની લીલીછમ્મ વાડી ઉજ્જડ કરી દીધી હોય, ગૌહત્યા કરી હોય, કોઈને મારી નાખ્યા હોય એવા ઉલ્લેખો છે. પાતકોની યાદીનું આ નિરૂપણ આપણી પરંપરિત લોકસંસ્કૃતિનું પરિચાયક છે. જેસલે પણ તોરલ સમક્ષ પશ્ચાત્તાપ પ્રગટ કરતી વખતે આવા પ્રકારનાં પાતકોની પરંપરાનાં ઉદાહરણો રજૂ કરેલાં તે અહીં પણ દષ્ટિગોચર થાય છે. કરણી આવી આડી… પાપ ખાય છે ચાડી… આડી શબ્દ કેટલો સરસ અને સાચી રીતે અહીં ગોઠવાઈ ગયો છે. આ કોઢ એ બીજું કશું નથી, પણ પૂર્વે કરેલાં કુકર્મોની ચાડી ખાતું ઉદાહરણ છે. આમ, સત્કાર્યોને બદલે આચરેલાં કુકર્મો કેવું તો ઘાતક અને વરવું ફુફળ આપે છે, એની સરળ મીમાંસા અહીં થઈ છે, આ નિમિત્તે સમાજને આવાં કુકર્મોને બદલે સત્કર્મો તરફ વાળવાનો ભાવબોધ પણ અહીંથી પ્રગટે છે.
સરળ વાણી, સાદી ભાષા અને બોલચાલની છટામાં આ દુહાઓમાંથી ભલે માત્ર જેઠાનું વ્યક્તિત્વ પડઘાતું હોય, પણ આખરે તો એ માનવ વ્યક્તિત્વના ઊજળા ઉદાહરણરૂપ છે. કોઈને દોષ દેવાને બદલે પોતાની જાતને જે દોષ દઈને પરિસ્થિતિને સ્વીકારી લેતું માનવ વ્યક્તિત્વ અહીં ફોરી ઊઠ્યું છે એની ફોરમ-મહેક – આ ધરતીમાં આજસુધી અખંડ રહી છે, એનું કારણ જેઠાએ માનવસંબંધોની ક્ષણભંગુરતા પરત્વે કડવાશ વગરનો હકારાત્મક રૂપે પડઘો પાડ્યો છે. આવા રૂડા અને નરવા માનવીઓ જ લોકસંસ્કૃતિના મશાલચી છે. દુહાને સમજીએ ત્યારે એમાંથી સહેજ પણ મુખર થયા વગર આપવડાઈમાં સરી પડ્યા વગર પોતાની જાતને અનાવૃત કરતાં લોકચરિત્રોને પણ પામવાનાં હોય, તો જ એ દુહાનો મર્મ આપણને ખરા અર્થમાં સ્પર્શે. જેઠાના છકડિયા દુહા તો એક ઉદાહરણ છે, લોકસંસ્કૃતિને પામવા-સમજવા માટેનું…

લેખક લોકસાહિત્ય, ચારણી સાહિત્ય અને સંતસાહિત્યના જાણીતા વિદ્વાન છે. તેમણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય વિશે પણ ખૂબ કામ કર્યું છે.