જૂના વાહનના નંબરને નવા ખરીદેલા વાહન માટે ઉપયોગમાં લઈ શકાશે

 

ગાંધીનગરઃ વાહનના નંબર માટે લોકો ખૂબ જ પઝેસીવ હોય છે. ઘણા લોકો તો પસંદગીનો નંબર ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચી નાંખતા હોય છે. કેટલાંક શોખીનો તો નવી સિરીઝમાં તેમની પસંદગીનો નંબર રાખવા માટે નવું વાહન પણ ખરીદી લેતા હોય છે. વર્ષો જૂના વાહનને માત્ર નંબર માટે પણ લોકો સાચવી રાખતા હોય છે. પરંતુ હવે એવું નહીં કરવું પડે. હવે ગુજરાતના વાહનચાલકો જૂના પસંદગીના નંબરને નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકશે. ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા આ માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં જૂના વાહન સ્ક્રેપમાં જાય તો પણ તેનો રજીસ્ટ્રેશન નંબર વાહન માલિક રાખી શકશે, તેના માટે જરૂરી ચાર્જ ભરવાનો રહેશે.

ગાંધીનગરમાં સોમવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હવે જૂના વાહનોનો રજિસ્ટ્રેશન નંબર પોતાની પાસે રાખી શકાશે. જૂના વાહનનો નંબર હવે નવા ખરીદેલા વાહનો માટે પણ ઉપયોગમાં લઈ શકાય તેવો નિર્ણય સરકાર દ્વારા નીતિ ઘડીને લેવામાં આવ્યો છે. સ્ક્રેપ થતાં વાહનનો નંબર નવા ખરીદેલા વાહનમાં ઉપયોગમાં લઈ શકાય તેવો નિર્ણય પણ લેવાયો છે. સરકારે નક્કી કરેલો ચાર્જ ભરીને જૂના વાહનનો નંબર પોતાની પાસે જ રાખી શકાશે, તેવી નીતિમાં જોગવાઈ કરાઈ છે.

પુર્ણેશ મોદીએ કહ્યું હતું કે આરટીઓમાં દરેક માટે નંબર પસંદગી ખૂબ મહત્ત્વની હોય છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીનો વ્હીકલ નંબર ઇચ્છતો હોય છે. વ્યક્તિ પોતાનું વ્હિકલ વેચી શકે પણ પોતાનો નંબર પોતાની પાસે રાખી શકે તેવો રાજ્ય વાહન વ્યવહાર વિભાગે નિર્ણય લીધો છે. વાહન માલિક પોતાનું વાહન વેચી શકશે પણ ઈચ્છે તો વાહનનો રજીસ્ટ્રેશન નંબર એનો એજ રાખી શકે છે. સ્ક્રેપમા પણ જતાં વાહનનો નંબર પોતાની પાસે જ રાખી શકશે.