જૂનાગઢમાં ભક્તિભાવપૂર્વક શિવરાત્રિ મેળાનો પ્રારંભ

 

જૂનાગઢ: જૂનાગઢનાં ભવનાથ મહાદેવ મંદિરમાં શુભમુર્હૂતે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ  કરી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો અને આ સાથે જ અન્નક્ષેત્ર, ઉતારાઓ ધમધમતા થઈ ગયા હતા. સાધુઓએ ધુણાઓ પ્રજ્વલ્લિત કર્યા હતા. ચાર દિવસ સુધી મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાશે. મહા વદ નોમના દિવસે શુભ મુર્હૂતમાં ગિરી તળેટીમાં બિરાજમાન  ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજાજીની વિધિવત પૂજા કરવામાં આવી હતી. પ્રથમ કાળી ધ્વજા ભૈરવદાદાને ચડાવવામાં આવી હતી ત્યારબાદ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો, અધિકારીઓ, મનપાના પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવ મંદિરના શિખર પર ધ્વજારોહણ થયું હતું. આ સાથે જ ચાર દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો હતો.  ધુણાની ધૂમ્ર શેરોથી ભવનાથ તળેટીમાં અનોખો માહોલ છવાયો હતો. મેળાનો પ્રારંભ થતાં જ ભવનાથ તળેટીમાં લોકો મેળો માણવા ઉમટી પડ્યા હતા અને રાત પડતા આશ્રમો અને સંતોની જગ્યાઓમાં સંતવાણી અને ભજનની રમઝટ જામી હતી અને ભવનાથ ક્ષેત્ર હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મેળામાં  અનેક સ્થળે ભાવિકોને નિ:શુલ્ક ભોજન કરાવવામાં આવે છે. ચા પાણી પણ પીવડાવવામાં આવે છે. વિશેષમાં, સ્થાનિક સત્તાવાળાઓ તરફથી પણ કોઈ અરાજકતા ન ફેલાય એ માટે યાત્રિકોની સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવી છે. અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.