જૂનાગઢમાં આદ્યકવિ નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતી નિમિત્તે કવયિત્રી સંમેલન

નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતી નિમિત્તે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તરફથી જૂનાગઢમાં કવયિત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કવયિત્રી લત્તા હિરાણી, લક્ષ્મી ડોબરિયા, રક્ષા શુકલ, પારુલ ખખ્ખર અને ગોપાલી બુચે તેમની શબ્દવંદના દ્વારા આદ્યકવિ નરસિંહ મહેતાની ભાવવંદના કરી હતી.

જૂનાગઢઃ આદ્યકવિ નરસિંહ મહેતા કેવળ ભક્ત નહિ, પરંતુ જ્ઞાની ભક્ત હતા. શિવના ઉપાસક મહેતાજીને શિવકૃપાથી કૃષ્ણદર્શન થયાં હતાં એમ કહેવાય છે. મહેતાજી વેદાન્તનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કૃષ્ણભક્તિમાં તલ્લીન થયા. મહેતાજીના ભક્તિ સાથે જ્ઞાનના સમન્વય સ્વરૂપે જ આપણને ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી’ જેવાં અમૂલ્ય પદો પ્રાપ્ત થયાં છે. નરસિંહ મહેતાની જન્મભૂમિ તલાલા હતી, પણ કર્મભૂમિ જૂનાગઢ રહી એટલે જ તો મનોજ ખંડેરિયા કહે છે,
‘તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.’
અને આ કરતાલધ્વનિને પુનઃ સ્થાપિત કરવાના પ્રયત્ન સ્વરૂપે જ નરસિંહ મહેતાની તપ પ્રયાણ જયંતીનો જ્વલંત અવસર જૂનાગઢની નાગરી નાતે રંગેચંગે દબદબાભેર ઊજવ્યો. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તરફથી જૂનાગઢના સુપ્રસિદ્ધ મંદિર હાટકેશ્વરના પટાંગણમાં કવયિત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કવયિત્રી લત્તા હિરાણી, લક્ષ્મી ડોબરિયા, રક્ષા શુક્લ, પારુલ ખખ્ખર અને ગોપાલી બુચે તેમની શબ્દવંદના દ્વારા આદ્યકવિ નરસિંહ મહેતાની ભાવવંદના કરી હતી.
પારુલ ખખ્ખરે કહ્યું કે
નોખી નક્કર ભાત ઘસું છું ઓરસિયા પર,
હું મારી ઔકાત ઘસું છું ઓરસિયા પર!

લક્ષ્મી ડોબરિયાએ રચના રજૂ કરી કે
એક જણની સામે સાચા થઈ જુઓ.
કાં અરીસા તોડી હળવા થઈ જુઓ.

રક્ષા શુક્લે કહ્યું કે
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે !
ગરમાળો ગુલમ્હોર ઉપર જો ઢળી ગયો છે,
આલ્લે લે!

લતા હિરાણીએ રજૂ કર્યું કે
હવેલી અજબની, શું રોનક ગજબની
અહંનો અડે જો અકડતો જ તડકો
બને શૂન્યતાનું એ ખંડેર કેવું
કે પથરાય ચોગમ ગરજતો જ તડકો
ગોપાલી બુચે કહ્યું કે

ખેલ બે-ચાર ખરાખરીના કેવા રમવા બેઠાં,
જાત વાવી ઝાકળ જેવી, સૂરજ લણવા બેઠાં?

જૂનાગઢનાં મેયર આદ્યશક્તિબહેન મજમુદારની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. કવયિત્રીઓની ભાવવંદનાને ઉપસ્થિત સુજ્ઞ નાગરોએ આદર અને ઉત્સાહ સાથે વધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here