જી સાહેબ!

હું નાનો હતો ત્યારે મારા પિતાજી એક ઉક્તિ વારંવાર કહેતાઃ ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ (સૌથી ઊતરતી) નોકરી. પિતાજી શિક્ષકની નોકરી કરતા, બાપદાદાની જમીનમાં ખેતી કરતા અને એક વેપારીને ત્યાં પાર્ટટાઇમ કામ કરતા. એટલે આ ત્રણે ક્ષેત્રનો એમને સીધો અનુભવ હતો. તેથી પિતાજીની આ અનુભવજન્ય ઉક્તિ હું સાચી માનતો, પરંતુ થોડા મોટા થયા પછી (માત્ર ઉંમરમાં જ આજે પણ કદાચ એવું જ છે!) પિતાજી કે મોટા ભાઈ સાથે ખેતરે જવાનું થતું ત્યારે ખેતરનું કામ કરનારાંઓને ખેતીકામ કરવામાં જે શ્રમ પડતો હું જોતો એનાથી જ મને પરસેવો વળી જતો. ખેતી ગમે તેવો ઉત્તમ વ્યવસાય હોય તો પણ મારા જેવા આરામપ્રિય મનુષ્ય માટે તદ્દન નકામો છે એ હું કેવળ આત્મપ્રેરણાથી જ સમજી ગયેલો. પિતાજીએ મને ખેતીનાં જુદાં જુદાં ઓજારોનાં નામ અને કામ સમજાવવા કેટલીયે વાર પ્રયત્ન કરેલા; પરંતુ, આ નામ જાણવાનું મારું કામ નહિ એનો ખ્યાલ મને તરત જ અને પિતાજીને થોડો મોડો પણ આવી ગયેલો. પરિણામે પિતાજીએ મારું ખેતી-શિક્ષણ માંડી વાળેલું. વેપાર માટેના સંજોગો હતા જ નહિ એથી આ જીવ કનિષ્ઠ પ્રકારનું કામ નોકરી કરવા જ સર્જાયેલો છે એની એમને ખાતરી થઈ ગઈ હતી. આજે પણ ખેતીનાં તમામ ઓજારોની જોડણી હું બરાબર જાણું છું, પણ આમાંના એકેય ઓજારને હું દીઠે ઓળખી શકતો નથી. યુદ્ધમાં વપરાતાં શસ્ત્રો તમે ઓળખી શકતા ન હો તો પણ કદાચ તમે સંરક્ષણમંત્રી થઈ શકો. સરકાર પાસે બહુમતી ન હોય ને ટકવા માટે એને તમારા ટેકાની જરૂર હોય ત્યારે તો ખાસ થઈ શકો, પણ ખેતીનાં ઓજારો ઓળખતાં ન હો તો ખેતી ન કરી શકો. વેપાર માટે કાં મૂડી જોઈએ ને કાં અનુભવ. મારી પાસે મૂડી કે અનુભવ તદ્દન ઓછા પ્રમાણમાં પણ નહોતાં. એટલે મારે મધ્યમ ગણાતા વેપારના ક્ષેત્રનો તો વિચાર જ કરવાનો હતો નહિ. એટલે વ્યવસાય તરીકે કનિષ્ઠ ગણાતી નોકરી કરવા સિવાય મારે માટે બીજો કોઈ વિકલ્પ હતો જ નહિ. કનિષ્ઠ ગણાતી નોકરીમાં પણ કનિષ્ઠમાં કનિષ્ઠ ગણાતી શિક્ષકની નોકરી મારા લલાટે લખાયેલી હતી. એટલે પ્રારંભનાં થોડાં વરસ નોકરીવિષાદયોગમાં ગયાં, પણ પછી શિક્ષકની નોકરીમાંથી સરકારી ઓફિસની નોકરી મળી. નોકરી કરનારાં અનેકોના પરિચયમાં આવવાનું થયું. જુદાં જુદાં અનેક જાહેર ક્ષેત્રોનાં નોકરિયાતો સાથે રોજ બસમાં વર્ષો સુધી અપ-ડાઉન કરવાનું થયું. ભગવાન બુદ્ધને એક વૃક્ષ નીચે દિવ્યજ્ઞાન થયું હતું. કર્મચારીઓને અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ લઈ જતી – લઈ આવતી એસ.ટી.ની બસના છાપરા હેઠળ મને દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું કે સર્વ વ્યવસાયોમાં નોકરી જેવો ઉત્તમ વ્યવસાય આ લોકમાં તો બીજો એકેય નથી, પણ અન્ય ગ્રહો પર પણ જો માનવજીવન હશે તો ત્યાં પણ નોકરી જ ઉત્તમ વ્યવસાય ગણાતો હશે. બુદ્ધ ભગવાનને જે વૃક્ષ નીચે દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે વૃક્ષ બોધિવૃક્ષ તરીકે ઓળખાયું, મને જે બસના છાપરા હેઠળ દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું એ બસ બોધિબસ તરીકે ઓળખાતી થાય એવો સંભવ નહોતો.

મારે કબૂલ કરવું જોઈએ કે નોકરી જેવા ઉત્તમ વ્યવસાય માંહે પડેલા તમામ જીવો સુખી નથી હોતા. કેટલાક જીવાત્માઓ પ્રકૃતિથી જ એવા હોય કે તેઓ સ્વર્ગમાંય સુખી નથી થતા. સ્વર્ગમાં અમૃત પીવા મળતું હોય તોય સવારે મોટું બગાસું ખાઈને કહેવાના કે અમૃત મળે છે, પણ ચા ક્યાં મળે છે? કેટલાક ગાંગડુ નોકરજીવો આવા હોય છે. સ્વર્ગનું સુખ આપનારી આરામદાયી નોકરીમાં પણ તેઓ સુખી થતા નથી. આવા જીવાત્માઓ બોસ સામે દલીલો કરે છે, તકરારો કરે છે, બોસ કહે તે બધું જ સાચું ‘બોસ ઇઝ ઓલવેઝ રાઇટ’ એવું માની લેવાનો ઇનકાર કરે છે. આવા ગાંગડુ જીવાત્માઓ નિવૃત્ત થતાં સુધી દુઃખી થાય છે ને પછી એ દુઃખી દિવસો યાદ કરી કરીને નિવૃત્તિકાળમાં પણ દુઃખી જ થાય છે, પણ જે જીવાત્માઓ ‘બોસ ઇઝ ઓલવેઝ રાઇટ’ બોસ નામનું હિંસક પ્રાણી જે વદે તે વેદવાક્ય એવું માને છે, બોસના દરેક વાક્યના જવાબમાં જી, સાહેબ! કહી શકે છે એવા જીવાત્માઓ આ લોકમાં પરમ સુખને પામીને પરલોકે સિધાવે છે.
આ જી, સાહેબવાળા નોકરજીવો જુદા જુદા પ્રકારના હોય છે. એમાં પ્રથમ પ્રકાર છે ગભરુ નોકરજીવોનો. આ ગભરુ નોકરજીવો બોસનું વાક્ય પૂરું થયું નથી ને જી, સાહેબ! બોલ્યા નથીઃ મિસ્ટર મહેતા, તમારા લખાણમાં વીસ ભૂલો છે.
જી, સાહેબ!
પણ પહેલી વખત મેં ભૂલો સુધારી આપી હતી તે વખતે દસ ભૂલો હતી. આ વખતે તમે ભૂલો બમણી કરી લાવ્યા.
જી, સાહેબ! મિસ્ટર મહેતા અવાજને બમણો ગરીબડો બનાવીને કહે છે.
મિ. મહેતા! તમે આમ જી સાહેબ, જી સાહેબ કર્યા કરો છો તે મને મૂરખ સમજો છો?
જી, સાહેબ!
જી, સાહેબવાળા બીજા પ્રકારના જીવો ગભરુ નથી હોતા, રીઢા હોય છે. નોકરીમાં મગજને ઓછામાં ઓછો ઘસારો કેમ પહોંચે એની કાળજી રાખે છે. માત્ર જી, સાહેબનું તરણું ઝાલીને આવા જીવાત્મા નોકરીની વૈતરણી પાર કરી જાય છે.
જોશી!
જી, સાહેબ!
મને લાગે છે કે આ અરજીમાં કરવામાં આવેલી માગણી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
જી, સાહેબ!
પણ, જોશી; અરજીમાં રજૂ કરેલા સંજોગો ધ્યાનમાં લઈએ તો માગણી પર વિચાર તો કરવો જોઈએ એવું પણ લાગે છે.
જી, સાહેબ!
પણ, જોશી; વિચાર કર્યા પછી પણ માગણી ગ્રાહ્ય રાખવાનું તો વાજબી નથી જ લાગતું.
જી, સાહેબ!
પણ, જોશી; તમને નથી લાગતું કે લોકોએ આવી ફાલતુ અરજીઓ જ ન કરવી જોઈએ?
જી, સાહેબ!
જોકે, જોશી; લોકશાહીમાં લોકોને અરજી કરવાની મનાઈ પણ કેમ કરાય?
જી, સાહેબ!
પણ જોશી; લોકશાહી હોય એનો અર્થ એવો તો નથી ને કે લોકોએ મનફાવે તેમ અરજી કર્યે રાખવી.
જી, સાહેબ!
મને લાગે છે કે અરજદારને આપણે લખી દઈએ કે માગણી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
જી, સાહેબ!
ત્રીજા પ્રકારના નોકરજીવો ઘણા બહાદુર હોય છે. બોસ ગમે તે કહે, ગમે તે કરે આ બહાદુર જીવાત્માઓ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી.
મિસ્ટર શાહ! તમે દરરોજ મોડા આવો છો ને વહેલા જતા રહો છો.
જી, સાહેબ!
મોડા આવવા માટેનાં કારણોવાળી તમારી સઘળી ચિઠ્ઠીઓ ભેગી કરીને મેં એકસાથે વાંચી તો માલૂમ પડ્યું કે તમારાં સાસુ બીમાર છે એ કારણે એક વાર પંદર દિવસ મોડા આવ્યા હતા, પણ મને પંડ્યા કહેતો હતો કે તમારાં સાસું તો તમારા લગ્ન પહેલાં જ ગુજરી ગયાં હતાં.
જી, સાહેબ!
તમારા દાદાજી ગુજરી ગયા છે એમ કહીને તમે એક દિવસ વહેલા ગયા, પછી ત્રણ દિવસ ત્રણ-ત્રણ કલાક મોડા આવ્યા; પછી છ દિવસ બે-બે કલાક મોડા આવ્યા, ને પછી બે દિવસ માત્ર હાજરી પૂરીને જતા રહ્યા હતા.
જી, સાહેબ!
તમારા એ દાદાજીનો આજે ફોન આવ્યો હતો, પણ તમે આવ્યા નહોતા એટલે હું તમારી સાથે વાત ન કરાવી શક્યો, પણ મને લાગે છે કે ફોન સ્વર્ગમાંથી તો નહિ જ આવ્યો હોય!
જી, સાહેબ!
આ લેખ લખી રહ્યો છું ત્યારે રસોડામાંથી જમવા ઊઠવા માટેના સંદેશાનું વહન કરતો અવાજ સંભળાઈ રહ્યો છે. શરૂઆતનાં વર્ષોમાં આ અવાજ ઘણો સુકોમળ હતો અથવા સુકોમળ લાગતો હતો. પછીથી એ અવાજ સહેજ કડક થયો અને અત્યારે એ સંપૂર્ણ સત્તાવાહી બની ગયો છે. લેખ એમ જ છોડીને હું ઊભો થાઉં છું અને રસોડામાં જઈને અદબ વાળીને ઊભો રહું છું ને વદું છુંઃ જી, સાહેબ!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર.